Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દરેક સરકારી કચેરીમાં ઘોડિયા ઘર ઉભા કરવા કલેકટરના આદેશો : બહુમાળીમાં લોકાર્પણ

બે ઓરડા -લોકર- પ્‍લે એરિયા સહિતની અદ્યતન સુવિધાઓ ખાસ ઉભી કરાઇ

રાજકોટ,તા.૨૦  : રાજકોટ સ્‍થિત બહુમાળી ભવન ખાતે અતિઆધુનિક સગવડો સાથે તૈયાર કરવામાં આવેલા ઘોડિયાઘરનું કલેકટર અરુણ મહેશ બાબુના વરદહસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
 સરકારી ક્ષેત્રે સંકળાળેલી મહિલા કર્મચારીઓના બાળકોના ઉછેરના પ્રશ્‍ન પ્રત્‍યે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ દ્વારા સંવેદના દાખવી એક ઓરડાને બદલે બે ઓરડા સાથે લોકર, પ્‍લે એરિયા, ઘોડિયા સહિતની અદ્યતન સુવિધાઓ સાથે આ કામગીરીને ટોચઅગ્રતા આપીને હાથ ધરવામાં આવી હતી. આ ઘોડિયાઘરમાં સવારે  ૧૦ થી સાંજે ૬:૩૦ કલાક સુધી બાળકોની  સંભાળ લેવામાં આવશે, જેમાં ૩ માસથી લઈને શાળાએ જતા બાળકોનો સમાવેશ કરવામાં આવશે. અહીં હાલ ૯ બાળકો ઉછરી રહ્યાં છે.
 આ ઘોડીયાઘરની તમામ વસ્‍તુઓ ચાઈલ્‍ડ ફ્રેન્‍ડલી બનાવવામાં આવી છે.  કલેકટરશ્રીએ દરેક સરકારી કચેરીઓમાં ઘોડિયાઘરની ફિડીંગરૂમ સાથેની સુવિધા ઉભી કરવા  પી.ડબ્‍લયૂ.ડી.ના અધિકારીઓને આદેશ આપ્‍યા હતા.  
    આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગૌસ્‍વામી,  જિલ્લા બાળ સુરક્ષા અધિકારી  મિત્‍સુબેન વ્‍યાસ, આર.એન્‍ડ બી વિભાગનાં ડે. ઈજનેર  રાજેશ્વરી નાયર, પી.ડબ્‍લ્‍યુ.  ડી.ના અધિકારીશ્રી  જાવિયા સહીતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:57 pm IST)