Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

એસ્‍ટેટ બ્રોકર હસમુખભાઇ સાથે ૧૩ લાખની છેતરપીંડી આચરનાર અસ્‍લમ ડેલા ઝડપાયો

માલવીયાનગર પોલીસે ખોડીયારનગર જોગરાણા ચોક પાસેથી દબોચ્‍યો : માસ્‍ટરમાઈન્‍ડ ઇમરાન ડેલાની શોધખોળ

રાજકોટ,તા. ૨૦ : શહેરના દોઢ સો ફૂટ રોડ પર આવેલ ફોર વ્‍હીલના ડેલાઓમાં પડેલી જુની કાર ખરીદવા માટે આવેલ સુરતના એસ્‍ટેટ બ્રોકર સાથે બે શખ્‍સોએ રૂા. ૧૩ લાખની છેતરપીંડી આચરતા માલવીયાનગર પોલીસે એક શખ્‍સને ખોડીયારનગર મેઇન રોડ પરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સુરતમાં કામરેજ ચાર રસ્‍તા પાસે ભવાની કોમ્‍પલેક્ષમાં રહેતા અને જમીન મકાન લે-વેચ નું કામ કરનાર હસમુખભાઈ ત્રિભુવનદાસ ઠક્કર (ઉ.વ ૫૦)એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં રાજકોટમાં ગોંડલ રોડ પર ખોડીયારનગર શેરી નંબર ૧૫ માં રહેતા ઇમરાન હનીફભાઈ ડેલા અને અસલમ ડેલાના નામ આપ્‍યા હતા. હસમુખભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે  પંદરેક દિવસ પહેલા સુરતમાં રહેતા જીગ્નેશભાઈ મારફત તેમનો પરિચય ઇમરાન ડેલા સાથે થયો હતો અને તેણે કહ્યું હતું કે હું રાજકોટમાં જૂની કાર લે વેચનું કામ કરું છું તમારે કાર લેવી હોય તો મને કહેજો હું તમને યોગ્‍ય ભાવમાં કઢાવી આપીશ. બાદમાં તારીખ ૧૭/૬ ના પોતે તેમજ તેના મિત્ર નરેશ ઉર્ફે નવીનભાઈ ચાવડા તથા હિતેશભાઇ સવાણી નરેશભાઈની સ્‍વિફટ ગાડી લઇ સુરતથી રાજકોટ આવ્‍યા હતા. અહીં બે કારનો સોદો રૂ.૧૬ લાખમાં નક્કી થયા બાદ પોતે રૂપિયા ૧૩ લાખ આંગડીયા મારફત મંગાવ્‍યા હતા જે રકમ ઇમરાન પોતાના જયુપીટર સ્‍કુટરની ડેકીમાં રાખી હતી બાદમાં ઇમ્‍પીરીયલ્‍સ હાઇટ્‍સ પાસે કાર પાર્કિંગમાં મુકવા જવાનું કહી ઇમરાન અને તેના કૌટુંબિક ભાઇ અસલમ ૧૩ લાખ રોકડ સાથે જુપીટર લઈને નાસી ગયા હતા. આ અંગે ફરિયાદ થયા બાદ માલવિયાનગર પોલીસ મથકના પી.આઇ કે.એન.ભુકણની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી તથા તેમની ટીમ આરોપીને ઝડપી લેવા માટે તપાસમાં હતી.દરમિયાન હેડ કોન્‍સ. મશરીભાઇ ભેટારીયા અને કોન્‍સ. ભાવેશભાઈ ગઢવીને મળેલી સચોટ બાતમીના આધારે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી અસલમ અજીતભાઈ ડેલા (ઉ.વ ૨૮ રહે. ભરતવન સોસાયટી શેરી નંબર ૨ જંગલેશ્વર) ને ખોડીયાર નગર મેઇન રોડ પાસેથી જુપીટર સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા પાંચ લાખ કબજે કર્યા હતા. પોલીસે જણાવ્‍યું હતું કે, ઇમરાને છેતરપિંડી અંગેનો પ્‍લાન બનાવ્‍યા બાદ આ રીક્ષા ચાલક કૌટુંબિક ભાઈ અલસમને તેમાં  સાથે જોડ્‍યો હતો ૧૩ લાખ લઈ આ બંને નાસી ગયા બાદ ઇમરાને ૫ લાખ અસલમને આપી બાકી રકમની બાદમાં ભાગ બટાઈ કરીશું તેમ કહી આ રકમ લઇ તે શહેર બહાર નાસી ગયો હોવાનું માલુમ પડ્‍યું છે. પોલીસે આરોપી ઇમરાન હનીફભાઈ ડેલાને ઝડપી લેવા માટે તપાસ યથાવત રાખી છે.

(5:02 pm IST)