Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ખંઢેરી સ્ટેડીયમ નજીક આવેલ કિંમતી જમીન સંદર્ભે ચાલતા

કાનુની વિવાદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની પક્ષકાર જોડવાની અરજી કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૨૦ : રાજકોટના ખંઢેરી ખાતે આવેલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમની બાજુની જમીન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ખરીદ કરવામાં આવતા જમીન વેંચનારના ફઈબા મીણબાઈ નાથાભાઈ કોઠીવાર દ્વારા રાજકોટની અદાલતમાં સદર જમીનમાં પોતાનો અવિભાજીત વારસાઈ હિસ્સો હોવાનું જણાવી દાખલ કરાયેલ અરજીના કામે સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસીએશનને પક્ષકાર તરીકે જોડવા કરાયેલ અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના ખંઢેરી ખાતે આવેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ નજીક આવેલ પડધરી તાલુકાના ખંઢેરી ગામના રેવન્યુ સર્વે નં. ૭૮ ની આશરે ૧૭ એકર જમીન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા સને–ર૦૧૯ માં રજીસ્ટર દસ્તાવેજથી જમીન માલીક સ્વ. નારણભાઈ દેશળભાઈ જળુના વારસો તથા સ્વ. કરશન દેશળભાઈ જળુના વારસો પાસેથી ખરીદ કરાયેલ હતી જે જમીન ખરીદ કરતા સમયે દૈનિકપત્રમાં જાહેર નોટીસ આપતા જમીન વેંચનારના ફઈબા એટલે કે સ્વ. નારણભાઈ દેશળભાઈ તથા સ્વ. કરશનભાઈ દેશળભાઈ જળુના બહેન મીણબાઈ નાથભાઈ કોઠીવારનાઓએ વાંધો લઈ ઉપરોકત મીલ્કત સિવાયની તેમના પિતાશ્રી સ્વ. દેશળભાઈ જળુની અન્ય મીલ્કતોમાં પણ તેમનો ત્રીજા ભાગનો હિસ્સો હોવાનું જણાવી રાજકોટની અદાલતમાં દિવાની અરજી દાખલ કરી તેમના પિતાશ્રી દ્વારા કોઈ વીલ બનાવવામાં આવેલ ન હોવાનું જણાવી તેમના બંન્ને ભાઈઓ દ્વારા તેમના પિતાની મીલ્કતોમાં તેનો ૩૩% હિસ્સો ડુબાડવા બોગસ એન્ટ્રીઓ દાખલ કરાવડાવેલ હોવાની તકરાર લઈ તેમના પિતાની તમામ મીલ્કતોમાં તેમની વારસદાર તરીકે જોડી અને વારસા સર્ટીફીકેટ ઈશ્યુ કરવા તેમજ ઉપરોકત મીલ્કતો તેમના ભત્રીજાઓ અન્ય કોઈ વ્યકિત, સંસ્થા, ટ્રસ્ટ, બેંક કે અન્ય કોઈપણ રીતે વેંચાણ કે તબદીલ કરે નહીં અને મીલ્કતમાં તેમનો સંયુકત ભોગવટો કરતા અટકાવે નહી તેમજ મીલ્કતમાં પ્રવેશ કરવા અટકાવે નહી તેવો કાયમી મનાઈ હુકમ આપવા અદાલતમાં અરજી દાખલ કરેલ હતી.

ક્રિકેટ એસોસીએશન દ્વારા રૂ. ૧ર કરોડ જેવી માતબર રકમ ચુકવી વિવાદીત જમીન ખરીદ કરવામાં આવેલ હતી અને અરજદાર દ્વારા અદાલતમાં કરાયેલ અરજીનો જે કોઈ ન્યાયીક નિર્ણય થાય તે મિલ્કત ખરીદનાર તરીકે ક્રિકેટ એસોસીએશનને પણ અસરકર્તા બની રહે તેમ હોવાથી સિવીલ પ્રોસીઝર કોડની જોગવાઈઓ મુજબ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને પક્ષકાર તરીકે જોડવા અરજી દાખલ કરેલ હતી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન વતી તેમણે પક્ષકાર જોડવા માટેની અરજીનો વિરોધ કરતા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત લેખીત તથા મૌખીક રજુઆતો કરી જણાવેલ હતુ કે અરજદાર દ્વારા જે અરજી કરવામાં આવેલ છે તે ઈન્ડીયન સકસેશન એકટ મુજબ તેમના પિતાની મીલ્કતોમાં વારસા હકક મેળવવા માટે કરેલ છે, કરારના વિશીષ્ટ પાલન માટેની અરજી નથી જેથી ક્રિકેટ એસોસીએશન કે જે એક બોનાફાઈડ પરચેઝર (શુઘ્ધબુઘ્ધિ પુર્વકના ખરીદનાર) છે તેમને અરજદારની પારીવારીક તકરાર સાથે કોઈ જ લેવા દેવા નથી તેમણે પક્ષકાર બનાવી શકાય નહી. તે ઉપરાંત એવી પણ રજુઆત કરવામાં આવેલ કે, અરજદાર દ્વારા વેંચાણ દસ્તાવેજની સામે અલગથી દાવો દાખલ કરવામાં આવેલ છે જે હકીકત અત્રેની અદાલત સમક્ષ સંતાડેલ છે અને જે દલીલો કરવામાં આવેલ છે તેવું કોઈ પ્લીડીંગ કરવામાં આવેલ નથી ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને પક્ષકાર બનાવવાથી અરજદાર કે સામાવાળાઓ વચ્ચેની તકરારને કોઈ અસર થતી નથી જેથી ક્રિકેટ એસોસીએશન યોગ્ય અને જરૂરી પાર્ટી હોવાનું જયારે અરજદાર બતાવી શકતા ન હોય ત્યારે કોર્ટ પ્રોસીડીંગ્સમાં તેમને પક્ષકાર તરીકે જોડી હેરાન કરી શકાય નહી તે મુજબની દલીલો કરી નામદાર વડી અદાલતોના વિવિધ ચૂકાદાઓ રજુ રાખેલ હતા.

બંન્ને પક્ષકારોની દલીલોના અંતે રાજકોટના અધિક સીનીયર સિવીલ જજ દ્વારા ઠરાવવામાં આવેલ હતુ કે, અદાલત સમક્ષ ચાલતા ન્યાયીક કાર્યમાં કોઈપણ પક્ષકારને ઉમેરી કે બાદબાકી કરી શકવાની કોર્ટને સતા છે પરંતુ તેવુ ત્યારે જ કરી શકાય કે જયારે તેવા પક્ષકારને જોડવાથી કે બાદબાકી કરવાથી અદાલત સમક્ષ ચાલનાર કાર્યવાહીનો નિર્ણય કરવા માટે અનિવાર્ય અને આવશ્યક હોય જયારે હાલનાં અરજદારે પોતાના પિતાની મીલ્કતોમાં ભાગ માંગેલ છે અને તે સંદર્ભેનો નિર્ણય અરજદાર તથા તેના સ્વર્ગસ્થ ભાઈઓના વારસદારો દ્વારા અરજીના કામે રજુ થનાર પુરાવા પરથી થઈ શકે તેમ છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને પક્ષકાર તરીકે જોડવા જરૂરી નથી અને એસોસીએશનની ગેરહાજરીમાં પણ અરજદારે ઉઠાવેલ મુદૃાઓનો ન્યાયીક નિર્ણય કરી શકાય તેમ છે જેથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન વતી થયેલ દલીલો અને રજુ થયેલ ચૂકાદાઓ માન્ય રાખી અદાલત દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને પક્ષકાર તરીકે જોડવાની અરજી નામંજુર કરવામાં આવેલ હતી.

આ કામમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી,ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, સિઘ્ધાર્થ દવે રોકાયેલ હતા.

(11:44 am IST)