Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

આ તે કેવા મિત્રો?...અરવિંદે મિત્રની પત્નિને બેડરૂમમાં આલીંગન કર્યુ, હિરેન તો વળી તેને હોટેલમાં લઇ ગયો!

ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનારા યુવાનને પ્રેમ ઉપરથી ભરોસો ઉઠી ગયો : અરવિંદ સાથે ઘરમાં અડપલા કરતી કેમેરામાં દેખાયેલી પત્નિ એક દિવસ એકટીવા લઇ કુવાડવા રોડની હોટેલમાં ગઇઃ ત્યાં રૂમમાં હિરેન સાથે મળીઃ બંને મિત્રને ઠપકો દેતાં લાજવાને બદલે ગાજ્યાઃ સંદિપને માર મારી ધમકી દીધી! : બે મિત્રોની દગાખોરીની જાણ મુળ મેંદરડા પંથકના હાલ રાજકોટ રહેતાં સંદિપને ઘરે ફીટ કરેલા હિડન કેમેરાથી થઇઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૦: શહેરમાં એક એવી ઘટના બની છે જેમાં ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવાનને પ્રેમ પરથી ભરોસો ઉઠી ગયો છે. આ યુવાનની પત્નિ સાથે તેના જ બે મિત્રોએ ઘર, હોટેલમાં વ્યભિચાર આચરી દગાખોરી કરતાં અને બંનેને રંગેહાથ પકડી લેતાં આ મિત્રોએ શરમાવાને બદલે યુવાનને માર મારી ધમકી આપતાં ઘટના પોલીસ સુધી પહોંચી છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે મુળ મેંદરડાના સમઢળીયાના વતની અને હાલ અંબિકા ટાઉનશીપ કસ્તુરી કેસર સોસાયટી પાસે આદર્શ ડ્રીમ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતાં તથા સીસીટીવી અને કોમ્પ્યુટર રિપેરીંગનું કામ કરતાં સંદિપ ભગવાનજીભાઇ ભાખર (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી તેના જ બે મિત્રો હાલ સુરત રહેતા મુળ મેંદરડાના દાત્રાણા ગામના હિરેન વિનુભાઇ વઘાસીયા તથા અંબકા ટાઉનશીપમાં રહેતાં મુળ દાત્રાણાના અરવિંદ લાલજીભાઇ વઘાસીયા સામે આઇપીસી ૩૨૩, ૫૦૬ (૨), ૧૧૪,  ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

સંદિપે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઉપરોકત સરનામે એક મહીના પહેલા મારી પત્નિ પુનમ સાથે રહેતો હતો. હાલમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ઉમીયા ચોક પાસે આવેલ જલજીત સોસાયટીમાં એક મહિનાથી ભાડેથી રહુ છું. શેરી નં -૧૦ માં આવેલ દિલીપભાઇ બારોટના મકાનમાં છેલ્લા એક મહીનાથી ભાડેથી રહું છુ. અને ભકિતનગર સ્ટેશન પ્લોટમાં પટેલ ઇન્ફોટેક નામની ઓફીસમાં બેસી સીસીટીવી કેમેરા તેમજ કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરૂ છું.  વર્ષ ૨૦૧૯ માં પેડક રોડ પાણીના ઘોડા પાસે રહેતા સુનિલભાઇ જીંજુવાડીયાની દિકરી પુનમ સાથે મારે પ્રેમસંબંધ બંધાયો હતો. એ પછી અમે રાજી ખુશીથી સમાજના રીતરીવાજ મુજબ વિધીવત લગ્ન કર્યા હતાં. અમારે બાળક નથી. હાલમાં મારા તથા પુનમ વચ્ચે છેલ્લા ત્રણ મહીનાથી અણબનાવ બનેલ હોય જેના કારણે પુનમ તેના માવતરે રીસામણે છે.

સંદિપે ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે મારી પત્નિ લગ્ન બાદ વધારે પડતી મોબાઇલ ફોનમાં રચીપચી રહેતી હાઇ જેથી મેં તેને કામ વગર વધુ ફોન વાપરવાની ના પાડી હતી. જે તેને ગમ્યું નહોતું. આ કારણે મારી સાથે વારંવાર ઝઘડા કરતી હતી. મારા ગામની બાજુમાં આવેલ દાત્રાણા ગામનો હીરેન વિનુભાઇ વધાસીયા (રહે. હાલ-સુરત) તથા હિરેનના મોટા બાપુજીનો દિકરો અરવીંદ લાલજીભાઇ વધાસીયા જે હાલ અંબીકા ટાઉનશીપ રાજકોટમાં રહે છે તે બંને મારા મિત્ર હોઇ અમારે અવાર નવાર એક બીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર હતો. ત્યાર બાદ મારી પત્નિને મારા મિત્ર હીરેન તથા અરવીંદ સાથે આડા સંબંધ હોવાની મને શંકા જતાં મેં મારા રહેણાંકે હીડન સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા હતા. એ કેમેરા મેં ચેક કરતા અરવીંદ તથા હીરેન બંને મારા ધરે મારી ગેરહાજરીમાં આવતા દેખાયા હતાં. અંદરના  સીસીટીવી ફૂટેજ ચેક કરતા મારો મિત્ર અરવીંદ મારી પત્નિ સાથે આલીંગન કરતો જોવા મળ્યો હતો. જેથી આ અરવીંદ સાથે મારી પત્નિને  આડા સંબંધ હોવાનું પુરવાર થયું હતું.

એ પછી ગત તા.૨૪/૦૩ ના રોજ હું સવારના સાડા આઠેક વાગ્યે મારી ઉપરોકત ઓફીસે જવાનુ હોવાથી મારૂ ટીફીન લઇને સવારે નીકળ્યો હતો. રોજ ટીફીન માટે મારી પત્નિ ઝઘડો કરતી કાં મોડુ કરતી. એ દિવસે સામેથી જ તેણે વહેલુ ટીફીન આપી દેતાં મને શંકા ગઇ હતી. જેથી મેં ઓફિસે જવાને બદલે ઘરથી થોડે દૂર ઉભા રહી જઇ નજર રાખી હતી.  આશરે પોણા કલાક પછી મારી પત્નિ એકટીવા લઇને નીકળતાં હું તેની પાછળ જતાં તે કુવાડવા રોડની નોવા હોટલમાં ગઇ હતી. મેં  હોટલમાં તપાસ કરતા રૂમ નં-૨૦૨માં મારી પત્નિ અને મારો મિત્ર હિરેન સાથે જોવા મળ્યા હતાં.

જેથી હિરેન સાથે થોડી બોલાચાલી કરી હું મારી પત્નિને લઇને નીકળી ગયો હતો અને તેણીને તેના માવતરના ઘરે  મુકી આવ્યો હતો.  આ બનાવ અંગે મેં મારા સસરાને વાત કરી હતી અને તેણીને તેના પિતાજીના ઘરે જ મુકી દીધી હતી.

મારા જ મિત્ર હીરેને મારી પત્નિને હોટેલમાં લઇ જઇ અને બીજા મિત્ર અરવિંદે મારા ઘરમાં આવી મારી પત્નિ સાથે આલીંગ કરી આડા સંબંધો બાંધી વ્યભીચાર કર્યો હોઇ તેમજ મેં બંનેને ઠપકો આપતાં મને ગાળો દઇ મારામાી ઝપાઝપી કરી અરવિંદે છરી બતાવી ધમકી આપી હોઇ બંને સામે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં સંદિપે જણાવતાં બી-ડિવીઝન પીએસઆઇ પી. એ. ગોહેલે ગુનો નોંધી બંનેની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા છે.

(11:44 am IST)