Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

યુવક કોંગ્રેસ બેરોજગારોને નોકરી માટે લડત આપશેઃ હાર્દિક પટેલ

રાજકોટમાં યુવક કોંગ્રેસ દ્વારા નોંધણી અભિયાન : યુવક કોંગ્રેસ હંમેશથી સતા સામે સંઘર્ષ કરે છેઃ કોરોના મહામારીમાં લોકસેવા કરીઃ દેશ સેવા માટે યુવાનો યુવક કોંગ્રેસમાં જોડાયઃ કાર્યકરી પ્રદેશ પ્રમુખનું આહવાન

રાજકોટ તા.ર૦ : પ્રદેશ યુવક કોંગ્રેસના ઉપક્રમે સભ્ય નોંધણી અભિયાન શરૂ થયું છે. જેના ભાગરૂપે રાજકોટમાં યુવક કોંગ્રેસ દ્વારા આજે ૧પ૦ રીંગ રોડ પર ડીલાઇટ પાર્ટી પ્લોટ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાયો ત્યારે ખાસ ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે જાહેર કર્યુ હતુ કે યુવક કોંગ્રેસ હવે રાજયમાં બેરોજગારોને નોકરી અપાવવા માટે  લડત આપશે.

આ તકે યોજાયેલ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલ જણાવેલ કે યુવક કોંગ્રેસનાં યુવા કાર્યકરોએ હંમેશા સતા સામે સંઘર્ષ કરી પ્રજા માઅટે લડતો આપી છે. સાથે સાથે લોકસેવાના કાર્યો પણ કરે છે. કોરોના કાળમાં દર્દીઓને ઓકસીજન બેડ, સારવારની વ્યવસ્થા માટે મદદ કરી હતી.

તેઓએ વધુમાં જણાવેલ ટુંક સમયમાં યુવક કોગ્રેસ દ્વારા કોલેજમાંથી સ્નાતક થયેલ બેરોજગાર યુવાનોને કંપનીઓમાં પ્લેસમેન્ટ મળે તે માટે લડત ચલાવાશે. જેથી શિક્ષીત યુવાન બેરોજગાર ન રહે.

તેવી જ રીતે ખાનગી શાળાઓ દ્વારા ગેરકાયદે રીતે થતી ફી ની ઉઘરાણી સામે પણ આંદોલન કરવાનું આયોજન છે.

હાર્દિક પટેલે સૌરાષ્ટ્રમાં ૧૮ થી ૩પ વર્ષની વયના યુવાનોને યુવક-કોંગ્રેસમાં સભ્ય થઇને દેશ સેવામાં લાગી જવા આહવાન કરતા જણાવેલ કે ર૦ ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં બને તેટલા વધુ યુવાનો યુવક કોંગ્રેસમાં સભ્ય બને તે માટે પ્રયાસો થશે.

આ કાર્ર્યક્રમમાં મિતુલ દોગા, જયપાલ રાઠોડ, પરેશ વોરા, સંજય અજુડીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

(3:55 pm IST)