Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે બેઠકમાં સુચના-માર્ગદર્શન અપાયા

કાલે બકરી ઇદની ઉજવણીમાં મસ્જીદોમાં માસ્ક પહેરી નમાઝ પઢવાની, એકબીજાને ગળે મળવું નહિ, હાથ મીલાવવા નહિ

મસ્જીદો-ઇદગાહના મોલાના અને હિન્દુ-મુસ્લિમ આગેવાનોને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા અને પોલીસ ઇન્સ્પેકટર્સએ તહેવાર શાંતિપુર્ણ રીતે ઉજવવા પણ અનુરોધ કર્યોઃ ઇદના તમામ કાર્યક્રમો રદઃ હબીબભાઇ કટારીયા

રાજકોટઃ આવતી કાલે બુધવારે બકરી ઇદનો તહેવાર હોઇ આ તહેવારની શાંતિપુર્ણ વાતાવરણમાં અને કોરોનાની માર્ગદર્શિકા તથા પોલીસ કમિશનરરીના જાહેરનામા મુજબ ઉજવણી થાય તે અંતર્ગત પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં આવતી મસ્જીદો-ઇદગાહના મોલાનાઓ તેમજ આ વિસ્તારોના હિન્દુ-મુસ્લિમ બિરાદરો-આગેવાનો સાથે એક ખાસ મિટીંગ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદની સુચના મુજબ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મિટીંગમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. એલ. ચાવડા, ગાંધીગ્રામના ઇન્ચાર્જ એ. એસ. ચાવડા, ડી. સ્ટાફ પીએસઆઇ જે. જી. રાણા સહિતના હાજર રહ્યા હતાં. શાંતિ સમિતીની આ બેઠકમાં  ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી પી. કે. દિયોરા દ્વારા  કોરોનાની મહામારીને ધ્યાને રાખીને મસ્જીદ-ઇદગાહમાં નમાઝના સમયે સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવા તથા માસ્કનો ફરજીયાત ઉપયોગ કરવા તેમજ મસ્જીદની કેપેસીટી કરતા ૫૦ ટકાથી વધુ (૨૦૦થી વધુ નહી) વ્યક્તિઓ ભેગા ન થવા તકેદારી રાખવા સુચના આપી હતી. મોલાનાઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ તે માન્ય રાખી હતી. તેમજ તહેવાર શાંતિપુર્ણ રીતે ઉજવાય તે માટે  અધિકારીઓએ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તમામ પોલીસ સ્ટેશન હેઠળ આવતી મસ્જીદો-ઇદગાહોમાં આ રીતે નિયમોનું પાલન કરવાનું નક્કી કરાયું છે.

સદર આમ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના ઉપપ્રમુખ હબીબભાઇ કટારીયાએ યાદીમાં જણાવ્યું છે કે ગઇકાલે યોજાયેલી બેઠકમાં પોલીસ અધિકારીઓએ એવી સમજ પણ આપી હતી કે માસ્ક પહેરી નમાઝ અદા કર્યા પછી એક બીજાને ગળે મળવું નહિ અને હાથ પણ મીલાવવા નહિ. તેમજ ઇદ મિલનના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં સદર જુમ્મા મસ્જીદના પેશ ઈમામ હાજી અકરમબાપુ, સદર આમ સુન્ની મુસ્લીમ વકફ કમિટીના પ્રમુખ રફીકભાઈ ઈશાકભાઈ દલવાણી, ઉપપ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા તથા મંત્રી સાજીદભાઈ હાજી રહેમાનભાઈ ખોખર, ટ્રસ્ટી રફીકબાપુ બુખારી, અજીતભાઈ જુણેજા, યુસુફભાઈ મકરાણી, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, રઝા મસ્જીદના એઝાઝબાપુ બુખારી, મહંમદભાઈ ધાંચી, હવા મસ્જીદના હાજી આરીફભાઈ મામટી, કારીયાણીભાઈ, પોપટપરા માઉન્ટન્ટ પોલીસ લાઈન મસ્જીદના હાજી રમઝુંભાઈ ચાનીયા, ગફારભાઈ કુરેશી, ઉંમરભાઈ પટેલ, બોદુભાઈ કુરેશી, બજરંગવાડી મસ્જીદના રજાકભાઈ જામનગરી, અબ્બાભાઈ દલવાણી, બશી૨ભાઈ જૂણેજા, સંજરી મસ્જીદના હાજી દાઉદભાઈ હીંગરોજા, મહેબુબ મસ્જીદના સદામભાઈ સાંધ, શકીલભાઈ મનસુરી, હજરત ગેબનશાપીર દરગાહ શરીફ ટ્રસ્ટના પ્રમુખ યુસુફભાઈ હાજી બાબુજાનમહંમદભાઈ દલ તેમજ મસ્જીદના સંચાલકો તથા મુસ્લીમ આગેવાનો હાજર રહ્યા હતાં.

(1:57 pm IST)