Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

M.COM સેમ.૨ની પરીક્ષામાં પેપર સેટરનો ભગો : તુરંત પ્રશ્નપત્રો બદલાવીને ૨૦ મિનિટ વધુ સમય ફાળવાયો

પરીક્ષા વિભાગમાં જવાબદારીનો ઉલાળીયોઃ હવે નોટીસ સહિતની કાર્યવાહીનું નાટક... ખુલાસો પૂછાશે

રાજકોટ, તા. ૨૦ : સતત વિવાદમાં રહેતી અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી સતત ચર્ચામાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની પરીક્ષાના છબરડામાં પણ ખૂબ જાણીતી છે. આજે એમ.કોમ. સેમેસ્ટર ૨ની પરીક્ષામાં પણ પેપરસેટરે ભગો વાળી દીધો છે. છબરડાથી પરીક્ષા વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાલ એમ.કોમ. સેમેસ્ટર ૨ની પરીક્ષા ચાલે છે જેમાં આજે ગ્લોબલ સ્ટેટર્જીક મેનેજમેન્ટ વિષયનું પ્રશ્નપત્ર હતું. આ પ્રશ્નપત્ર પરીક્ષા દેવા બેઠેલા ૨૭ કેન્દ્રોના ૭૨૫થી વધુ વિદ્યાર્થીઓ હાથમાં આવતા સૌ વિચારવા લાગ્યા કે આવુ તો આપણે કંઈ અભ્યાસ કર્યો જ નથી. ત્રણ મિનિટ બાદ સુપરવાઈઝરને રજૂઆત બાદ પરીક્ષા કેન્દ્ર સંચાલકને જાણ થતા તેઓએ તુરંત પરીક્ષા વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સંપર્ક કરેલ.

આ છબરડાની જાણ થતા જ પરીક્ષા નિયામક નિલેશભાઈ સોની અને તેના સાથી અધિકારીઓ તુરંત કાર્યરત બની અને બીજુ પ્રશ્નપત્ર ૨૭ કેન્દ્રો ઉપર મોકલી આપવામાં આવેલ. પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓને અંદાજે ૨૦ થી ૩૦ મિનિટ સુધીનો વધારાનો સમય આપવામાં આવેલ.

આ છબરડો પેપર સેટરની ભૂલના કારણે થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે. હવે પરીક્ષા વિભાગ રાબેતા મુજબ નોટીસ ફટકારી અને ખુલાસો પૂછનાર હોવાનું જાણવા મળે છે.

(3:12 pm IST)