Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ઘરેલું હિંસાના કેસમાં વચગાળાના ભરણ પોષણની અરજી રદઃ પતિ કુટુંબીજનોના નામો કેસમાંથી ડીલીટ કરવા હુકમ

રાજકોટ તા. ર૦ :.. ઘરેલું હિંસાના કેસમાં પત્નિની વચગાળાનું ભરણ પોષણ મેળવવાની અરજી રદ કરી પતિના આગલા ઘરના પુત્ર તથા દેર-દેરાણી અને તેના પુત્રોને કેસમાંથી કોર્ટે ડીલીટ કરવાનો હુકમ કર્યો હતો.

અત્રે શંકર ટેકરી, વલ્લભનગર, વાલ્મીકીવાસ, જામનગરમાં રહેતા અરજદાર શારદાબેન રમેશભાઇ ગરીયલએ તેના પતિ રમેશભાઇ કાનજીભાઇ ગરીયલ, પતિના આગલા ઘરના પુત્ર શૈલેષ રમેશભાઇ ગરીયલ, દેર-દેરાણી મુકેશભાઇ અને સોનલબેન તથા દેર-દેરાણીના પુત્રો દિલીપ અને આશિષ મુકેશભાઇ ગરીયલ, રહે. ખોખરા સ્લમ કવાટર, રૂક્ષ્મણી દવાખાના પાસે, અમદાવાદવાળા વિરૂધ્ધ તા. ૧૩-પ-૧૯ ના રોજ ઘરેલુ હિંસાના કાયદા હેઠળ કેસ દાખલ કરેલ અને વચગાળાના ભરણ પોષણની માંગણી કરેલ. જે કેસમાં પતિ રમેશભાઇ કાનજીભાઇ ગરીયલ તથા તેના કુટુંબીજનોને નોટીસ બજી જતા તેઓ કોર્ટમાં હાજર થયેલા અને અરજદારની અરજીના વિગતવાર જવાબ-વાંધા રજુ કરેલા.

ત્યારબાદના પતિના આગલા ઘરના પુત્ર, દેર-દેરાણી તથા દેર-દેરાણીના પુત્રોને કેસમાંથી ડીલીટ કરવા વિકલ્પે તેઓની સામેની કાર્યવાહી ડ્રોપ કરવાની અરજી નામ, કોર્ટમાં આપેલ અને જણાવેલ કે શારદાબેનની જામનગર મુકામે જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે કાયમી નોકરી હતી તેથી અરજદાર જામનગર મુકામે રહેતા અને અરજદાર અમદાવાદ મુકામે કયારેય પતિ સાથે રહેવા આવેલા જ નથી. રજાના દિવસોમાં પતિ જામનગર જતાં. તેમજ પતિ રમેશભાઇના કુટુંબીજનો શારદાબેન સાથે કયારેય એક છત હેઠળ રહેલ ન હોય અને તેઓની વચ્ચે ઘરેલું સંબંધો ન હોય. તેમજ શારદાબેન જામનગર મુકામે જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે કાયમી નોકરી કરે છે અને તેણીનો માસિક પગાર રૂ. ૩૯,૧૧૩ છે અને તેણીની પગાર સ્લીપ પતિ રમેશભાઇ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ.

બંને પક્ષોની દલીલો કરવામાં આવેલ અને પતિ રમેશભાઇ ગરીયલના એડવોકેટ મહેશભાઇ સી. ત્રિવેદીની દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાને લઇ ચીફ જયુડી. મેજી. શ્રી એમ. એમ. સોનીએ ઠરાવલ છે કે, અરજદાર શારદાબેન પતિના કુટુંબીજનો સાથે કયારેય રહેવા ગયેલ નથી કે એક છત હેઠળ રહેલ નથી અને શારદાબેનએ પોતાની અરજીમાં તેઓની વિરૂધ્ધમાં કોઇ સ્પષ્ટ આક્ષેપો પણ કરેલ નથી. તેમજ શારદાબેન અને પતિ રમેશભાઇના કુટુંબીજનો વચ્ચે કોઇ ડોમેસ્ટીક રીલેશન નથી. તેમજ શારદાબેન જામનગર મુકામે જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે કાયમી નોકરી કરે છે અને તેણીનો માસિક પગાર રૂ. ૩૯,૧૧૩ છે અને તેણી કમાય છે. તેથી શારદાબેનની વચગાળાની ભરણ પોષણ મેળવવાની અરજી રદ કરી પતિના કુટુંબીજનોને કેસમાંથી ડીલીટ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામના સામાવાળા રમેશભાઇ કાનજીભાઇ ગરીયલ તથા તેમના કુટુંબીજનો વતી એડવોકેટ તરીકે રાજકોટના ધારાશાસ્ત્રી મહેશભાઇ સી. ત્રિવેદી, કિરીટભાઇ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કીશન જોષી, ઘનશ્યામ પટેલ રોકાયેલ હતાં.

(3:17 pm IST)