Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજકોટના લોકમેળામાં સખીમંડળોના સ્ટોલ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર

મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન માટે મેળામાં મંગલમ ક્રાફ્ટ બજારનું નિર્માણ

રાજકોટ:રાજકોટમાં લોકમેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે મોટા ફજર-ફાળકા, અવનવી રાઈડ્સ તેમજ ખાણીપીણીના સ્ટોલ્સ વચ્ચે સખીમંડળોની બહેનોના સ્ટોલ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મેળામાં આયોજિત મંગલમ ક્રાફ્ટ બજાર – પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ્સમાં મુલાકાતીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.   મહિલાઓ સ્વમાન સાથે સ્વાવલંબી અને આત્મનિર્ભર બનીને જીવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકાર વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો થકી મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડે છે, ત્યારે રાજકોટના લોકમેળામાં પણ સખીમંડળોના સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે. જ્યાં મહિલાઓ સખીમંડળની મદદથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરીને રોજગારી મેળવી રહી છે. મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક વસ્તુઓ મેળાામાં મહાલવા આવતા લોકોનું ધ્યાન ખેંચી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના "આઝાદીના અમૃત લોકમેળા"માં દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે મંગલમ ક્રાફટ બજાર "પ્રદર્શન સહ વેચાણ"નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન મુખ્યમંત્રી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ અંગે ડિસ્ટ્રિક્ટ લાઈવલી હુડના મેનેજર વિરેન્દ્રસિંહ બસિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના સંનિષ્ઠ પ્રયાસો સાથે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો આ પ્રદર્શન મારફત પોતાના દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓનું વેચાણ કરીને આજીવિકા મેળવી શકશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રદર્શનમાં આશરે ૫૨ (બાવન) જેટલા સ્ટોલ ઉપર સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા પેચવર્ક, હેન્ડિક્રાફટની અવનવી વસ્તુઓનો ખજાનો, ભરત ગૂંથણ, હર્બલ પ્રોડક્ટ, હસ્તકલાની વિવિધ વસ્તુઓ, લાકડાંના રમકડાં, લોખંડના રમકડાં, ઘર સજાવટની વસ્તુઓ, ડ્રેસ મટીરીયલ, કુર્તી ઈમિટેશનની અવનવી વસ્તુઓ, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ખજાનો, સોફ્ટ ટોઈઝ, દોરી જુલા, સુંદરીઓની સજા શણગારની વસ્તુઓ સહિતની અવનવી વસ્તુઓના પ્રદર્શનને નિહાળવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો.

(11:24 pm IST)