Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજકોટના લોકમેળામાં બ્રિટિશકાળની બંદૂક, અદ્યતન સ્નાઈપર સહિતના પોલીસ શસ્ત્રોનું પ્રદર્શન

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ રાજકોટ પોલીસના અદ્યતન શસ્ત્રો નિહાળ્યા: સાઇબર ક્રાઈમ, ટ્રાફિક જાગૃતિ તેમજ મહિલા પોલીસની શી ટીમની કામગીરીનું પણ પ્રદર્શન

રાજકોટ: આમ તો પોલીસના દંડા-શસ્ત્રોને હાથ લગાડવો બહુ અઘરો પડી જાય.. પરંતુ રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળામાં પોલીસના દંડા અને શસ્ત્રોને નાગરિકો સાવ નજીકથી નિહાળી શકે છે. નાગરિકોના રક્ષણ-સલામતી માટે વપરાતા પોલીસના શસ્ત્ર પ્રદર્શનનો ડોમ લોકમેળામાં રાખવામાં આવ્યો છે. જેમાં રાજકોટ પોલીસના શસ્ત્રાગારની છેક બ્રિટિશકાળની બંદૂકથી લઈને અદ્યતન સ્નાઈપર રાઈફલ્સ પણ જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેળાના ઉદઘાટન સાથે જ આ ડોમનું પણ ઉદઘાટન કર્યું હતું. બાદમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ અદ્યતન શસ્ત્રો પણ નિહાળ્યા હતા.

 રાજકોટના લોકમેળામાં ચકડોળ, ફજર ફાળકા, યાંત્રિક રાઇડ્સ, ખાણી-પીણી અને આઇસક્રીમના સ્ટોલ્સ ઉપરાંત રાજકોટ પોલીસના શસ્ત્ર પ્રદર્શનનો ડોમ પણ રાખવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ સ્પે. પોલીસ કમિશનરશ્રી ખુર્શીદ અહેમદના માર્ગદર્શનમાં આ ડોમનું નિર્માણ કરાયું છે. આ ડોમનો મુખ્ય હેતુ રાજકોટ પોલીસની કામગીરી અને તાકાત અંગે લોકોમાં જાગૃતિ આવે તેવો છે. પોલીસ પર નાગરિકોનો ભરોસો વધુ સુદ્રઢ કરવાના હેતુસર આ પ્રકારનું નિદર્શન થતું હોય છે.

રાજકોટ પોલીસના ડોમમાં વિવિધ ૧૧ પ્રકારની વિવિધ ગન જોવા મળે છે. જેમાં રાજકોટ પોલીસના શસ્ત્રાગારમાં સામેલ બ્રિટિશકાળની મેક્સિમ મશીન ગનથી લઈને અદ્યતન સ્નાઈપર રાઇફલ્સ તેમજ એલ.એમ.જી. (લાઈટ મશીન ગન્સ) સહિતની ૧૧ પ્રકારની ગન્સ-રાઈફલ્સ છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનો શૂટ, દંગા અને તોફાનો વખતે જેકેટ-હેલ્મેટ સહિતનો એન્ટી રાયોટ શૂટ સહિતના સાધનો પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.આ ઉપરાંત ટ્રાફિક જાગૃતિ માટે વિવિધ ટ્રાફિક સાઈનેજ, સીટ બેલ્ટ સહિતની ટ્રાફિક કાયદાની  સમજણ આપતી બાબતો પણ અહીં દર્શાવવામાં આવી છે. આ સાથે સાઇબર ક્રાઈમને લગતી બાબતોની જાગૃતિ, ઈ-એફ.આઈ.આર. તેમજ મહિલા પોલીસની શી (SHE) ટીમની કામગીરીનું પણ નિદર્શન અહીં જોવા મળે છે. અહીં એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયો છે. લોકો અહીં સેલ્ફી લઈને પોલીસ શસ્ત્ર પ્રદર્શન ડોમની યાદો મોબાઈલમાં પોતાની સાથે લઈ જઈ શકે છે. નાગરિકોના રક્ષણ, કાયદો-વ્યવસ્થા અને સલામતી જાળવવા માટે પોલીસમાં વપરાતા શસ્ત્રો તેમજ પોલીસ દ્વારા કરાતી કામગીરીને નજીકથી નિહાળવાની આ અમૂલ્ય તક છે. મેળાના મુલાકાતીઓને આ સ્ટોલ નિહાળવા અપીલ કરાઈ છે.

(11:27 pm IST)