Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રૈયાધારનો ધો-૧૦નો છાત્ર સાથે ભણતી છાત્રાને મેળામાં ફરવા લઇ ગયોઃ તેણીના સગા જોઇ જતાં છાત્રનું અપહરણ કરાવી નવા રીંગ રોડ પર લઇ જઇ બેફામ ધોલાઇ

યુનિવર્સિટી પોલીસે છાત્રની ફ્રેન્‍ડના સગા-સંબધી અને ૪ અજાણયા વિરૂધ્‍ધ ગુનો નોધ્‍યો

રાજકોટઃ રૈયાધાર વિસ્‍તારમાં રહેતાં અને ધોરણ-૧૦માં ભણતા છાત્રને સાથે જ ભણતી છાત્રા સાથે મિત્રતા હોઇ તેણીને ગઇકાલે આઠમને દિવસે આ છાત્ર લોકમેળામાં ફરવા લઇ ગયો હોઇ તેણીના સગા જોઇ જતાં બાદમાં આ છાત્રનું તેની ફ્રેન્‍ડના પરિવારજનોએ ચાર અજાણ્‍યા શખ્‍સો મારફત અપહરણ કરાવી નવા ૧૫૦ રીંગ રોડ પર લઇ જઇ બેફામ માર મારતાં હોસ્‍પિટલના બિછાને પહોંચવું પડયું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનેલા ૧૪ વર્ષના ટાબરીયાના પિતાની ફરિયાદ પરથી  કાંતિભાઇ, હંસાબેન, ચિરાગ અને ચાર અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ અપહરણ-રાયોટીંગનો ગુનો નોંધ્‍યો છે. ફરિયાદી મજૂરી કામ કરે છે. તેણે પોલીસને જણાવ્‍યું છે કે મારે સંતાનમાં બે દિકરા છે જેમાં એક સતર વર્ષનો અને બીજો ચોૈદ વર્ષનો છે, જે ધોરણ-૧૦માં અભ્‍યાસ કરે છે. જન્‍માષ્‍ટમી-આઠમની બપોરે બે વાગ્‍યે હું તથા મારા પત્‍નિ અને બંને દિકરા જમવા બેસતા હતાં ત્‍યારે નાના ૧૪ વર્ષના દિકરાને તેના મિત્રનો ફોન આવતાં તે જમ્‍યા વગર ઘરેથી હમણા ચોકમાં જઇને આવું છું તેમ કહીને નીકળી ગયો હતો. એ પછી તે સાંજના ચાર સુધી આવ્‍યો નહોતો. અમે ફોન કરતાં ફોન પણ ઉપાડતો નહોતો. ત્‍યારબાદ અમે તેની શોધખોળ શરૂ કરી હતી. સાંજે સાડા પાંચેક વાગ્‍યે મારો મોટો દિકરો મારા નાના દિકરાને લઇને ઘરે આવ્‍યો હતો. ત્‍યારે નાના દિકરાને મોઢા પર મારના નિશાન હતાં. અમે તેને શું થયું? તેમ પુછતાં તેણે કહેલું કે મારી સાથે ભણતી એક છોકરી મારી મિત્ર હોઇ અમારે બંનેને મેળામાં જવાનું હોઇ તેણીને મે રામાપીર ચોકડીએ બોલાવી હતી અને આઠમની સવારે હું, મારી ફ્રેન્‍ડ અને મારો એક  મિત્ર એમ ત્રણ જણા રેસકોર્ષ મેળામાં ગયા હતાં. ત્‍યાં મારી ફ્રેન્‍ડના સગા અમને જોઇ ગયા હતાં.

 એ પછી બપોરે એક વાગ્‍યે મેં મારી ફ્રેન્‍ડને રામાપીર ચોકડીએ બાઇકમાંથી ઉતારી હતી. ત્‍યારબાદ બાદ બપોરે એક વાગ્‍યે મારા મિત્રએ મને ફોન કરી ચોકમાં બોલાવતાં હું તેની સાથે કરતો હતો ત્‍યારે  એક રિક્ષામાં ચાર અજાણ્‍યા શખ્‍સો આવ્‍યા હતાં અને મને રિક્ષામાં નાંખી રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટરથી આગળ નવા રોડ પર લઇ ગયા હતાં. જ્‍યાં મારી સાથે ભણતી મારી ફ્રેન્‍ડના પિતા-માતા-સહિતના લોકો હતાં. તેણે મને પ્‍લાસ્‍ટીકની પાઇપ, લાકડી અને પટ્ટાથી બેફામ માર માર્યો હતો તેમજ લાફા માર્યા હતાં અને અમારી છોકરીની સામે બીજીવાર જોતો નહિ તેમ કહી છોડી મુક્‍યો હતો.

દિકરાની આ વાત સાંભળી તેને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ બી. જી. ડાંગર અને સ્‍ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:28 pm IST)