Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ

રસ્તા, પાણીની પાઈપલાઈન, ગામતળની જમીન નીમ કરવા સહિતના પડતર પ્રશ્નો સમયસર ઉકેલવા કલેકટર અરુણ મહેશ બાબુએ આપી સૂચના: જરૂર પડ્યે લોકદરબાર કે વિસ્તારોમાં કેમ્પ યોજીને પ્રશ્નો ઉકેલવા કલેકટરશ્રીએ આપ્યા દિશા-નિર્દેશ

  રાજકોટ: રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને આજે યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ, પાણીની પાઈપલાઈન, પાણીના સમ્પ, ભૂગર્ભ-ગટર સહિતના પ્રશ્નોનો તાગ મેળવીને તેને વહેલાસર ઉકેલવા માટે સૂચનો આપ્યાં હતાં. ઉપરાંત પડતર પ્રશ્નો ઉકેલવા વિવિધ વિસ્તારોમાં લોક દરબાર, ફરિયાદ નિવારણ કેમ્પ કે સ્થળ તપાસ કરીને તેનો સત્વરે ઉકેલ લાવવા કલેકટરએ દિશા નિર્દેશ આપ્યા હતા.

આજે સવારે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જિલ્લામાં વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો ચર્ચાયા હતા. જેમાં માર્ગ અને મકાન વિભાગ, વનવિભાગપીજીવીસીએલ, શિક્ષણવિભાગ, સિંચાઈ વિભાગ, જમીન અને સંપાદન, સરકારી સહાય સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની રજૂઆતો થઈ હતી. જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ ગામતળની જમીન નીમ કરવા, વિચરતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટ મેળવવામાં થકી તકલીફો, વીજળીના કનેક્શન મેળવવામાં થતી હાલાકી, તળાવના તૂટી ગયેલા પાળા, શાળાઓ તથા પાણીના ટાંકાની મરામત, રસ્તાઓ, પાણી પૂરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ સહિતના વિવિધ વિભાગોના પડતર પ્રશ્નો રજૂ કર્યા હતા. આ વિવિધ પ્રશ્નોનો વહેલાસર ઉકેલ કેમ લાવવો તે અંગે પણ કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું.

 આ ઉપરાંત જિલ્લામાં કેટલાક પડતર અને જટિલ પ્રશ્નોના ઉકેલ માટે વિભાગો વચ્ચે સંકલન કરવા, લોક દરબાર કે તપાસ કેમ્પ કરવા, સ્થળ તપાસ કરીને તેનો ઉકેલ લાવવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ દાફડા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીજિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ,  નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા પૂરવઠા અધિકારી સહિત વિવિધ વિભાગોના વરીષ્ઠ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:01 am IST)