Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફીલ્ટર સુધી પાણીની જબ્બર પાઇપલાઇન નખાશે : ૨ લાખની વસ્તીને લાભ થશે

કાલે સ્ટેન્ડીંગ કમિટિ બેઠકમાં વિકાસકામોની ૨૨ દરખાસ્તો : સામાકાંઠે લાયબ્રેરીમાં અદ્યતન ઇન્ટિરીયર ડેકોરેટીવ ફર્નીચર

રાજકોટ તા. ૨૦ : મ.ન.પા.માં આવતીકાલે સ્ટેન્ડીંગ કમિટિમાં પાણીની નવી પાઇપલાઇન, લાયબ્રેરીમાં ફર્નીચર સહિત ૨૨ જેટલી દરખાસ્તો અંગે ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને નિર્ણયો લેવાનાર છે.  આ અંગે એજન્ડામાં રહેલી મહત્વની દરખાસ્ત મુજબ કાલની બેઠકમાં ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી ૧૨૧૯ મી.મી. વ્યાસની એમ.એસ. પાઇપલાઇન નાખવામાં આવશે.

આ પાઇપલાઇન નંખાયા બાદ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટની કેપીસીટી વધી જશે અને તેમાંથી મુંજકા કવાર્ટર, સ્માર્ટ સીટી એરિયા, ઉપરાંત વોર્ડ નં. ૮, ૯, ૧૦ સહિતના વિસ્તારની ૨ લાખ જેટલી વસતીને પૂરા ફોર્સથી પાણી મળશે.

આ માટેનો કોન્ટ્રાકટ ઉંચા ભાવે આપવા દરખાસ્ત છે અને પાઇપલાઇન નાખવાનું કામ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની શરતે કોન્ટ્રાકટ અપાશે.  આ ઉપરાંત સામાકાંઠે વોર્ડ નં. ૬માં આવેલી લાયબ્રેરીમાં અદ્યતન પ્રકારના ઇન્ટીરિયર ડેકોરેટીવ ફર્નીચરનો કોન્ટ્રાકટ ૨૫ ટકા નીચા ભાવે આપવા દરખાસ્ત છે.

આ ઉપરાંત કાલની બેઠકમાં વિવિધ કમ્પાઉન્ડ વોલમાં પાણીની નાની-મોટી પાઇપલાઇનો, બગીચાઓમાં કસરતના સાધનો મુકવા, ભૂગર્ભગટર ફરિયાદ નિકાલ કોન્ટ્રાકટ, પ્રાણી સંગ્રહાલયના પશુ-પક્ષી-પ્રાણીઓ માટે શાકભાજી, ફળ, ઇંડા, મચ્છી વગેરેનો કોન્ટ્રાકટ આપવા સહિતની દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

(3:10 pm IST)