Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

'' વિરમગામ મીઠા સત્યાગ્રહ - ઈ.સ.૧૯૩૦''

'આઝાદી પૂર્વે સૌરાષ્ટ્રનાં સ્વાતંત્ર્ય સૈનિકોનાં સત્યાગ્રહની લડતનો ઈતિહાસ'

ઈ.સ.૧૯૩૦ની સ્વરાજની લડત માટે ૧૨મી માર્ચે સાબરમતી આશ્રમમાંથી ઐતિહાસિક દાંડીકૂચનો ગાંધીજીએ પ્રારંભ કરેલ. તત્કાલિન સમયમાં કાઠિયાવાડનાં કાર્યકર્તાઓએ ધોલેરા તેમજ વિરમગામ સંગ્રામની ધુરા સાંભળી હતી. તા.૧લી એપ્રિલનાં સવિનય કાનૂનભંગ કરવાનું નકકી થયું, જેની જવાબદારી નાનાભાઈ ભટ્ટ તેમજ ચમનભાઈ વૈષ્ણવે સાંભળી. મણિભાઈ કોઠારીની સરદારી નીચે ૫૦ સૈનિકો મીઠાની થેલી સાથે વિરમગામ જવા નીકળ્યા. વિરમગામ સ્ટેશનને પોલીસે બધાને પકડ્યા માર માર્યો. મણિભાઈ કોઠારીને ૬ માસની જેલની સજા થઈ તથા ફૂલચંદભાઈને  પણ ૬ માસની જેલની સજા થઈ. એક ટુકડી વણી સ્ટેશને ઉતરીને પગપાળા કૂચ કરીને વિરમગામ પહોંચી અને 'સબરસ લો... સ્વરાજનું સબરસ લો...' એ સુત્રો પોકાર્યા.

મહાદેવ દેસાઈ અમદાવાદનાં વકીલમંડળ સાથે વિરમગામ પહોંચ્યા. ગાંધીજીને ખબર પડી એટલે અંતેવાસી છગનલાલ જોષીને મોકલ્યા. કુચમાં બહેનો પણ સામેલ હતી. તેમની ઉપર પોલીસે ઘોડા ચલાવ્યા અને બહેનોને પાડી દીધી અને ગંભીર ઈજા થઈ. ભુરાભાઈ દેસાઈ, સરલાબહેન સારાભાઈ, કુ.મણીબહેન પટેલ વિરમગામ પહોંચ્યા. સાથોસાથ સરોજિની નાયડુ, અબ્બાસ સાહેબ, નરહરીભાઈ પરીખ પહોંચ્યા અને તે સમયે પોલીસે ભારે અત્યાચાર ગુજાર્યો. તત્કાલિન સમયે  પિયર્સન કલેકટર હતા અને તે પોતે ઘોડેસ્વાર થઈને અત્યારમાં મોખરે હતા. સુરેન્દ્રનગરનાં ર્સૈનિક લાલજીભાઈ સખત મારને કારણે ફરી બેઠા થઈ શકયા નહિ અને લાંબી યાતના બાદ વીરગતિ પામ્યા.

દરમ્યાનમાં, વાઈસરોય ઈર્વિન અને ગાંધીજી વચ્ચે સુલેહ થઈ અને દેશભરમાં સત્યાગ્રહો મોકૂફ રહ્યા અને સેંકડો સત્યાગ્રહીઓ જેલમુકત થયા. ગાંધીજીએ વિરમગામનાં સૈનિકોની બહાદુરીને બિરદાવી હતી અને 'નવજીવન'માં લેખ લખેલ. વર્તમાન રાજકારણીઓએ 'સ્વાતંત્ર્ય લડતમાં સૈનિકોની સત્યાગ્રહ લડત'માંથી પ્રેરણા લેવી જોઈએ. 'દેશસેવા' પાછળ હજારો સ્વાતંત્ર્ય સૈનિકો અત્યાચારનો ભોગ બન્યા છે. હવે તો આપણું લોકશાહી રાષ્ટ્ર છે. બસ, સેવકો 'દેશસેવા'ને ચરિતાર્થ કરે તે જરૂરી છે, જેમાં માત્ર ખપી જવાની ભાવના અનિવાર્ય છે.

સંકલનઃ નવીન ઠકકર, મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(3:21 pm IST)