Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કર્તવ્‍ય - નિષ્‍ઠાના પર્યાય વિક્રમ ડાભીની આંચકાજનક વિદાય

‘અકિલા' સાથે દાયકાથી નાતો : આગવી સૂજ, સમજથી સૌના પ્રિય બનેલા વિક્રમના નિધનથી શોકનો માહોલ : વિક્રમની અંતિમયાત્રામાં એક ગૌમાતા સતત સાથે રહ્યા : ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજિતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રાતથા સ્‍ટાફ - પરિવારે મૌન રાખી અંજલી આપી

રાજકોટ તા. ૧૯ : માણસ પૃથ્‍વી પર આવે અને જાય, એ પ્રકૃતિનો ક્રમ છે... આ વાક્‍ય બોલવું - સાંભળવું અને સમજવું સહેલું છે, પણ વાક્‍ય અનુભવવું ખૂબ કઠીન છે. કાળા માથાના માનવીનું જીવન અને મૃત્‍યુ નિヘતિ છે પરંતુ જ્‍યારે કોઇ હસતુ-રમતુ વ્‍યક્‍તિત્ત્વ અચાનક અણધારી રીતે આપણી વચ્‍ચેથી વિદાઇ લ્‍યે તો તેમની નજીકના લોકો ઉપર આભ તૂટી પડતુ હોય છે. આવુ જ આજે સમગ્ર ‘અકિલા' પરિવાર અનુભવી રહ્યો છે. ‘અકિલા' પરિવારના સભ્‍ય અને કર્તવ્‍યનિષ્‍ઠાના પર્યાય સમાન વિક્રમ ડાભીની અચાનક વિદાઇ થઇ છે.

૩૫ વર્ષીય વિક્રમ ડાભી છેલ્લા એક દાયકાથી ‘અકિલા' સાથે સંકળાયેલા હતા. કર્તવ્‍ય - નિષ્‍ઠાનો પર્યાય હતા. સકારાત્‍મકભાવથી સતત સક્રિય રહેનાર વિક્રમ સૌનો પ્રિય બની ગયો હતો.

આગવી સૂઝ - સમજથી વિક્રમે કોમ્‍પ્‍યુટરથી માંડીને કૃષિ સુધીના વિવિધ ક્ષેત્રોમાં કાબેલીયત પ્રાપ્‍ત કરી હતી. પ્રેસ - પરિવારના દરેક પ્રસંગોમાં વિક્રમની ભૂમિકા મહત્‍વની હતી. દોસ્‍તોમાં પણ વિક્રમ પ્રિય બન્‍યો હતો.

આત્‍મિયસભર વ્‍યવહાર - પ્રકૃતિની સેવાની વૃત્તિ પ્રેરક હતી. વિક્રમની અંતિમ યાત્રા વખતે એક ગૌમાતા સતત સાથે રહ્યા હતા.

પ્રેમાળ વિક્રમના અચાનક નિધનથી ‘અકિલા' પરિવારને આંચકો લાગ્‍યો છે. ‘અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા, શ્રી રાજુભાઇ ગણાત્રા, વેબ આવૃત્તિના એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા તથા ગણાત્રા પરિવારે અને ‘અકિલા' સ્‍ટાફ પરિવારે આજે બે મિનિટનું મૌન રાખીને વિક્રમ ડાભીને અંજલી આપી હતી.

(3:31 pm IST)