Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

બેડીનાકાના યુવાનનો આપઘાતઃ પોલીસની મારકુટ, કંપનીના અધિકારીના ત્રાસથી પગલુ ભર્યાનો આક્ષેપ

જસદણ એટીએમમાંથી ૧૭ લાખની ચોરીમાં શકમંદ તરીકે પુછતાછ થઇ હતી : ન્‍યાયી કાર્યવાહી ન થાય ત્‍યાં સુધી મૃતદેહ સંભાળવાનો પરિવારનો ઇન્‍કારઃ આપઘાત કરનાર જયપુરી (ઉ.૨૨) એટીએમમાં નાણા મુકવાનું કામ સંભાળતો હતોઃ માતા-પિતાનો એકનો એક દિકરો હતો : બપોરે ફરિયાદ દાખલ કરવા તજવીજઃ એ પછી જ મૃતદેહ સંભાળવાનો નિર્ણય :પિતા અતુલપુરીનો આક્ષેપઃ મારી નજર સામે જ દિકરાને બેફામ મારકુટ કરીઃ દિકરાની એક જ કિડની હતી

તસ્‍વીરમાં જયપુરીનો નિષ્‍પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, વિગતો જણાવતાં પિતા અને કુટુંબી ભાઇ સહિતના સ્‍વજનો નજરે પડે છે
પરિવારજનોએ પોસ્‍ટ મોર્ટમ રૂમ ખાતે રામધૂન બોલાવી હતી. મૃતકના શોકમય માતા-પિત પણ નજરે પડે છે
રાજકોટ તા. ૨૦: બેડીનાકા પાસે કાચબા મંદિર તરીકે ઓળખાતી જગ્‍યામાં રહેતાં જયપુરી અતુલપુરી ગોસ્‍વામી (ઉ.વ.૨૨) નામના યુવાને સાંજે ઘરના બીજા માળે સ્‍ટોર રૂમમાં લોખંડના એંગલમાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે જયપુરી સિક્‍યોર વેલ્‍યુ નામની કંપનીમાં લોડીંગ કસ્‍ટોડિયન તરીકે નોકરી કરતો હતો. જસદણના એટીએમમાંથી ૧૭ લાખની ચોરી થઇ હોઇ તેમાં શકમંદ તરીકે પુછતાછ માટે જસદણ પોલીસે બોલાવી તેને બેફામ મારકુટ કરી હતી. તેમજ કંપનીના અધિકારીઓ દ્વારા પણ ટોર્ચરીંગ થયું હોઇ આ કારણે જયપુરીએ આપઘાત કર્યો હતો. જવાબદાર સામે ન્‍યાયી કાર્યવાહી નહિ થાય ત્‍યાં સુધી મૃતદેહ નહિ સંભાળીએ તેમ કહી પરિવારજનોએ ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમની માંગણી કરી હતી. બપોરે પરિવારજનોએ પોસ્‍ટ મોર્ટમ રૂમ ખાતે ધૂન બોલાવી હતી.
જયપુરીએ ગત સાંજે ગળાફાંસો ખાઇ  લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડાયો હતો. ચોકીના હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇએ જાણ કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ જે.ડી. વસાવા, સંજયભાઇ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ મૃત્‍યુ અંગે આક્ષેપો કરતાં પીઆઇ સી. જી. જોષી સહિતનો સ્‍ટાફ પણ પહોંચ્‍યો હતો. આપઘાત કરનાર જયપરી માતા રીનાબેન અને પિતા અતુલપુરી ધનરાજપુરી ગોસ્‍વામીએ આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે મારો દિકરો સિક્‍યોર વેલ્‍યુ નામની કંપનીમાં નોકરી કરતો હતો. તેનું કામ એટીએમમાં પૈસા લોડીંગ કરવાનું હતું. જસદણના એટીએમમાં છેલ્લે જે પૈસા લોડીંગ કરવામાં આવ્‍યા હતાં તેમાં કર્મચારી તરીકે જય સાથે બીજા બે ત્રણ કર્મચારી પણ હતાં. આ એટીએમમાં છેલ્લે તા. ૫ના રોજ રકમ લોડ થઇ હતી. એ પછી તા. ૬ના રોજ એટીએમમાંથી ૧૭ લાખનો રોકડ ચોરાઇ ગઇ હતી. આ ચોરીમાં પાસવર્ડનો ઉપયોગ કરી મશીન ખોલી રકમ ચોરી લેવાઇ હતી.
જયપુરી જ્‍યાં નોકરી કરતો હતો એ  કંપનીના અધિકારીઓએ શંકા દર્શાવી જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તા. ૧૬ના રોજ મારા દિકરા જયપુરીને બોલાવતાં હું પણ સાથે ગયો હતો. જ્‍યાં બીજા બે ત્રણ કર્મચારીઓને પણ પુછતાછ માટે બોલાવાયા હતાં. મારા દિકરાને પટ્ટાથી માર મારી બાદમાં તેની માથે ચડી જઇ મારકુટ કરી હતી. તેને એક જ કિડની છે એવું મેં પોલીસને જણાવી મારકુટ ન કરવા વિનંતી કરતાં પોલીસે અમને અમારું કામ કરવા દો તેમ કહી મને બહાર કાઢી મુક્‍યો હતો.
એ પછી ૧૬મીએ વહેલી સવારે મારા દિકરાને જવા દીધો હતો. પોલીસની મારકુટ અને કંપનીના અધિકારી દ્વારા થયેલા ટોર્ચરીંગને કારણે તેણે ગભરાઇને આ પગલુ ભરી લીધાનું અમને લાગે છે. અમે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમની માંગણી કરી છે અને જવાબદાર સામે પગલા નહિ લેવાય તો અમે મૃતદેહ સંભાળશું નહિ. એ-ડિવીઝન પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. દરમિયાન બપોરે મૃતકના પરિવારજનો, સગાસ્‍નેહીઓએ પોસ્‍ટ મોર્ટમ રૂમ ખાતે રામધૂન બોલાવી હતી. ગુનો દાખલ થાય પછી જ મૃતદેહ સ્‍વીકારશું તેવું સ્‍વજનોએ કહેતાં મોડી બપોરે પોલીસે એફઆઇઆર દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

આપઘાત કરનાર જયપુરીનો આવતીકાલે જન્‍મદિવસ હતો
આપઘાત કરી લેનાર જયપુરી માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેનો આવતીકાલે ૨૧મીએ જન્‍મ દિવસ છે. લાડકવાયા દિકરાના આ પગલાથી માતા-પિતા સહિતના સ્‍વજનો ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.

 

(3:34 pm IST)