Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

શુક્રવારથી આંખના ડોકટરોની રાજ્‍યકક્ષાની કોન્‍ફરન્‍સ

૨૩ થી ૨૫ સપ્‍ટેમ્‍બરના રોજ દેશભરના ખ્‍યાતનામ આંખના તબીબો રાજકોટમાં કરશે વિચાર મંથન : તબીબી ક્ષેત્રે આંખના રોગોની સારવાર સર્જરી માટે અદ્યતન સાધનો અને વિજ્ઞાન વિષે વર્કશોપ -પ્રદર્શન : રાજકોટ ઓફથલ્‍મીક સોસાયટી દ્વારા ઇમ્‍પેકટ -૨૦૨૨

રાજકોટ : રાજકોટ ઓફ થલ્‍મીક સોસાયટી દ્વારા આંખના ડોકટરોની રાજ્‍યકક્ષાની કોન્‍ફરન્‍સ યોજાઇ છે. તેની પત્રકાર પરિષદમાં માહિતી આપતા આંખના તબીબો નજરે પડે છે. અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા  સાથે   ડો.દિલીપ અગ્રવાલ, ડો.ધર્મેશ શાહ, ડો.સુકેતુ ભપ્‍પલ,સન એડના સોનુ જોષી નજરે છે.  (તસ્‍વીરઃ અશોક બગથરિયા)
રાજકોટ,તા. ૨૦ : રાજકોટનું તબીબીક્ષેત્રે પણ આગવું સ્‍થાન છે. આગામી તા. ૨૩ થી ૨૫ના રાજકોટ ખાતે રાજકોટ ઓફથલ્‍મીક સોસાયટી દ્વારા ઇમ્‍પેકટ -૨૦૨૨ રાજ્‍યકક્ષાની કોન્‍ફરન્‍સ યોજાઇ રહી છે. ઇમ્‍પેકટ-૨૦૨૨ કોન્‍ફરન્‍સમાં દેશભરનાં આંખના નિષ્‍ણાંત તબીબો તેમના જ્ઞાનનું આદાન પ્રદાન કરશે. કોન્‍ફરન્‍સમાં દેશના ખ્‍યાતનામ તબીબો આ ક્ષેત્રમાં આવેલ વૈશ્વિક અતિઆધુનિક સંશોધનનો અંગે તેમનું બહોળુ જ્ઞાન ઉપસ્‍થિત તમામ તબીબો સમક્ષ રજુ કરશે. સૌરાષ્‍ટ્ર અને ગુજરાતના તબીબો માટે આ કોન્‍ફરન્‍સ કોરોનાકાળ બાદ વધુ મહત્‍વની બની રહેશે.
રાજકોટ ઓફથેલ્‍મીક સોસાયટી તથા ઓલ ગુજરાત ઓફથેલ્‍મીક સોસાયટીના સંયુકત ઉપક્રમે રાજકોટમાં આંખના ડોકટરોની રાજ્‍યકક્ષાની કોન્‍ફરન્‍સ યોજાઇ રહી છે. કોન્‍ફરન્‍સ અંગે માહિતી આપતા ઇમ્‍પેકટ ૨૦૨૨ કોર કમિટીના ડો.દિલીપ અગ્રવાલ, ડો.કેતન બાવીસી, ડો.ધર્મેશ શાહ, ડો.યોગેશ ખાંડવી, ડો.સુકેતુ ભપ્‍પલ, ડો.સંદીપ વિસાણી, તથા ડો.મુકેશ પોરવાલા સહીતના તબીબોએ માહિતી આપતા જણાવ્‍યુ હતુ કે, કોરોનાકાળનાં લાંબા વિરામબાદ રાજ્‍યકક્ષાની કોન્‍ફરન્‍સ રાજકોટમાં યોજાઇ રહી છે, જેની ઓફથેલ્‍મીક તબીબોમાં કાગડોળે રાહ જોવાતી હોય છે. દેશના ટોચના તબીબો આ કોન્‍ફરન્‍સમાં આવતા હોવાથી નવોદીત તબીબો તથા તમામ તબીબી આલમ માટે આ કોન્‍ફરન્‍સ જ્ઞાન મેળા સમાન બની રહેશે. જેમાં 3D ટેકનોલોજીથી વિડિયો બેઝ લર્નિંગ થશે તથા પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ વિદ્યાર્થીઓ માટે સર્જીકલ સ્‍કીલ ટ્રાન્‍સફર કોર્ષનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
અહીં તમામ આધુનિક ઉપકરણો અને સાધનોની પણ પ્રસ્‍તુતી કરવામાં આવશે જેથી તબીબીક્ષેત્રની નવી શોધ અને પ્રણાલીથી તમામ ઉપસ્‍થિત આંખના તબીબો વાકેફ થઇ શકશે. કોન્‍ફરન્‍સનું ઉદ્‌ઘાટન તા. ૨૪ના ડો.નિમિત ઓઝા જાણીતા યુરોલોજીસ્‍ટ અને લેખકના હસ્‍તે થશે. કોન્‍ફરન્‍સને સફળ બનાવવા માટે ROS વિવિધ ટીમો, ફાર્માસ્‍યુટીકલ કંપનીઓ તેમજ આંખના સાધનો બનાવતી વિવિધ કંપનીઓનો પણ વ્‍યાપક સહયોગ મળ્‍યો છે.
રાજકોટના રીજન્‍સી લગુન ખાતે કોન્‍ફરન્‍સની તડામાર તૈયારી થઇ રહી હોવાનું તબીબોએ જણાવ્‍યું હતું.

 

(4:06 pm IST)