Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

‘બા'નું ઘર વૃધ્‍ધાશ્રમ દ્વારા મોટી ઉંમરના લોકો માટે જીવનસાથી પસંદગી સંમેલન

રાજકોટ,તા. ૨૦ : ‘બા'નું ઘર વૃધ્‍ધાશ્રમ, માનવ કલ્‍યાણ મંડળ અને સમસ્‍ત પાટીદાર સમાજના સંયુકત ઉપક્રમે રાજકોટમાં ૪૫ વર્ષથી ઉપરના તમામ જ્ઞાતિના અપરણિત, છૂટાછેટા લીધેલા, ત્‍યકતા, વિધવા, વિધુર, દિવ્‍યાંગ સહિતના લોકો માટે યોગ્‍ય જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવનાર છે.

આ અનોખા સિનિયર સીટીઝન લગ્ન મેળામાં મુંબઇ, સુરત, અમદાવાદ, જામનગર, રાજકોટ, નવસારી, ગોંડલ સહિત અન્‍ય રાજ્‍યો તેમજ વિદેશમાંથી લગ્નોત્‍સુક ઉમેદાવારો આવશે. વિનામૂલ્‍યે આ મેળો યોજાશે.લગ્નમેળામાં જોડાનાર બહેનોને આવવા જવાનો ખર્ચ, રહેવા જમવાની વ્‍યવસ્‍થા આ સંસ્‍થા દ્વારા જ કરવામાં આવશે.સંસ્‍થાના ગીતાબેને જણાવેલ કે મોટી ઉંમરે એકલતા ખૂબ જ પીડા આપતી હોય છે અને પાછલી જિંદગી બોજારૂપ લાગે છે. ત્‍યારે આવી મોટી ઉંમરના વડીલોનો ઘર સંસાર ફરી મહેકી ઉઠે તે માટે રાજકોટની બાનું ઘર વૃધ્‍ધાશ્રમ સંસ્‍થાએ ભગીરથ પ્રયાસો કર્યા છે, જેના ભાગ રૂપે રાજકોટમાં પ્રથમ વખત વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાશે.

આ બાબતે સેવાકર્મી મુકેશભાઇ મેરજા અને વિભાબેને જણાવેલ કે આપણા સમાજમાં આ વ્‍યવસ્‍થા કરવી ખૂબ જ જરૂરી છે. વધુ વિગત માટે મો. ૯૦૨૩૬ ૦૦૩૩૭ સંપર્ક કરી શકાશે.

(3:27 pm IST)