Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચવા માંગ સાથે

કાલે દુધની અછત સર્જાવાના એંધાણ : માલધારીઓ દ્વારા વિતરણ બંધનું એલાન

ખાનગી-સહકારી ડેરીઓમાં પણ દૂધ આપવામાં નહિં આવે તેવુ આહવાન : અમૂલ સહિતની કંપનીઓ રાત્રે ૧૨ વાગ્‍યા બાદ દૂધની ડિલીવરી નહિં કરે : રાજકોટ ડેરી દ્વારા દુધની સંભવિત અસરને પહોંચી વળવા નજીકના જિલ્લાઓમાંથી વધારાનું દુધ મેળવવા અને દુધની બનાવટો કાલનો દિવસ બંધ રાખી રાબેતા મુજબની વિતરણ વ્‍યવસ્‍થાને પહોંચી વળવા પ્રયાસ

અમુક સ્‍થળોએ પોસ્‍ટરો લાગ્‍યા, કાલે કોઈએ માલધારીએ દૂધ લઈને આવવુ નહિં
રાજકોટ, તા. ૨૦ : માલધારી સમાજ સરકાર સામે જંગે ચડયો છે. આવતીકાલે ડેરીઓમાં દૂધ નહિં ભરવા અને દૂધનું વેચાણ નહિં કરવા મક્કમ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.  રાજકોટ ડેરી દ્વારા દુધની સંભવિત અસરને પહોંચી વળવા નજીકના જિલ્લાઓમાંથી વધારાનું દુધ મેળવવા અને દુધની બનાવટો કાલનો દિવસ બંધ રાખી રાબેતા મુજબની વિતરણ વ્‍યવસ્‍થાને પહોંચી વળવા પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યાનું ડેરીના વર્તુળોએ જણાવ્‍યું હતું. રાજકોટ ડેરી દ્વારા દરરોજ આશરે ૩.૫ લાખ લીટર દુધમાંથી ૭ લાખ જેટલા પાઉચ બચાવી શહેર અને આસપાસના વિસ્‍તારોમાં વિતરણ કરવામાં આવે છે. વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાનો પ્રયાસ છતાં દુધની અછતની અસર વર્તાવાની શક્‍યતા છે.
સમસ્‍ત યદુવંશી ગોપ ભરવાડ સમાજના ગુરૂગાદી ધર્મગુરૂ ઘનશ્‍યામપુરી બાપુએ જયારે શેરથા માલધારી સંમેલનમાં આહવાન કર્યુ હતું ત્‍યારે ગુજરાત માલધારી સમાજ દ્વારા ૨૧મીના ઢોર નિયંત્રણ કાયદાને પાછો ખેંચવાની માંગ સાથે રાજયભરમાં દૂધ નહિં આપવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ માલધારી સમાજને પણ આવતીકાલે સવાર અને સાંજનું દૂધ વિતરણ બંધ કરી સરકાર સામે આંદોલન ચાલી રહ્યુ છે તેને સહયોગ આપવા અપીલ કરી છે અને એક દિવસ દૂધ બંધ રાખવા સમસ્‍ત માલધારી સમાજને આહવાન કરાયુ છે.
તો અમુલ, માહી, યુ ફ્રેશ સહિતની ખાનગી દૂધની કંપનીઓ પણ આજે રાત સુધી જ દૂધની થેલીઓનું વિતરણ કરશે ત્‍યારબાદ વિતરણ કરશે નહિં તેવુ સૂત્રોમાંથી જાણવા મળે છે.
દરમિયાન ચાની હોટલો પણ સપોર્ટ કરી અને દૂધ વિતરકોને સહયોગ આપશે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. શહેરની અમુક દૂધની ડેરીઓમાં પોસ્‍ટર પણ લગાવવામાં આવ્‍યા છે કે આવતીકાલે માલધારીઓએ દૂધ લઈને આવવુ નહિં.

 

અમુક સ્‍થળોએ પોસ્‍ટરો લાગ્‍યા, કાલે કોઈએ માલધારીએ દૂધ લઈને આવવુ નહિં

(3:30 pm IST)