Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કોઠારીયા રોડની ૭ સોસાયટીના રહેવાસીઓ મજૂરોના ખડકલાથી હેરાન પરેશાનઃ રજૂઆત

મજૂરો ત્રીસ વર્ષથી ઍકઠા થાય છે ઍ વાત ખોટી, ત્રીસેક દિવસથી જ અહિ ઉભા રહે છેઃ અગાઉ વીર ભગતસિંહજી શોપીંગ સેન્ટર પાસે ઍકઠા થતાં હતાંઃ ભક્તિનગર પોલીસે અગાઉ ખુબ સારી કામગીરી કરી હતીઃ પોલીસ કમિશનરને રહેવાસીઅોની ફરિયાદ : મજૂરો વચ્ચે અમુક તો નશાની હાલતમાં અપશબ્દો બોલી જૂગાર રમતાં હોવાનો આક્ષેપઃ જાહેરમાં પેશાબ કરતાં હોય તેવા વિડીયો રહેવાસીઓ પાસે છે

રાજકોટ તા. ૨૦: શહેરના કોઠારીયા રોડ પર એકઠા થતાં મજૂરોને હટાવવામાં આવી હેરાન કરવામાં આવે છે તેવી રજૂઆત અગાઉ થઇ હતી. તેની સામે કોઠારીયા રોડ પરની સાત સોસાયટીના રહેવાસીઓએ પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવને રજૂઆત કરી જણાવ્યું છે કે હાલમાં જ્યાં મોટી સંખ્યામાં મજૂરો ભેગા થાય છે ત્યાં ત્રીસેક વર્ષથી તેઓ એકઠા થતાં હોવાની વત તદ્દન ખોટી છે. અગાઉ શ્રમિકો કોઠારીયા રોડ પર આવેલા વીર ભગતસિંહજી શોપીંગ સેન્ટર પાસે એકઠા થતાં હતાં. તે કોમર્શિયલ એરિયા છે. હાલમાં આ મજૂરો જ્યાં ભેગા થાય છે એ રસ્તો સાત સોસાયટીઓને લાગુ પડતો હોઇ સતત મજૂરોના ખડકલાને કારણે બહેન-દિકરીઓને બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે.

પોલીસ કમિશનરશ્રીને લેખિત રજૂઆતમાં કોઠારીયા રોડના દાદીબાગ પાર્ક, અમૃતધારા એપાર્ટમેન્ટ, આલિશાન એપાર્ટમેન્ટ, મધુરમ્ પાર્ક, ગુલાબનગર, માસ્તર સોસાયટી અને રામ પાર્ક સોસાયટીના રહેવાસીઓ જોડાયા હતાં. તેમણે જણાવ્યું હતું કે અમારી સોસાયટીને લાગુ ૩૦ ફુટ રોડ પર રોજ દસથી પંદર હજાર લોકોની અવર-જવર રહે છે. ઘરની બેહન દિકરીઓ શાકભાગી કે બીજી ચીજવસ્તુ લેવા કે બીજા કામ સબબ અહિથી આવ-જા કરે છે. આ રોડ પર મોટી સંખ્યામાં મજૂરો એકઠા થાય છે. આ મજૂરો અહિ ત્રીસેક વર્ષથી એકઠા થતાં હોવાની રજૂઆત અગાઉ આગેવાનોના સમુહે કરી હતી. પરંતુ તે ખોટી વાત છે. કારણ કે આ મજૂરો અમારી સોસાયટી સંલગ્ન રોડ પર નહિ પણ વીર ભગતસિંહજી શોપીંગ સેન્ટર પાસે એકઠા થતાં હતાં.

છેલ્લા વીસ-ત્રીસ દિવસથી જ મજૂરો અમારી સોસાયટીના ત્રીસ ફૂટના રોડ પર ભેગા થઇ જાય છે. આ કારણે અહિ ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ ઉભી થાય છે. બહેન દિકરીઓને પસાર થવામાં તકલીફ પડે છે. મજૂરોની વચ્ચે અમુક તો નશાની હાલતમાં હોય છે અને અમુક અપશબ્દો બોલતાં હોય છે. અમુક જૂગાર રમતાં હોય છે, અમુક જાહેરમાં પેશાબ કરતાં હોય છે. આનો પુરાવો આપતાં વિડીયો પણ અમારી પાસે છે.

રજૂઆતમાં સોસાયટીના રહેવાસીઓએ વધુમાં જણાવ્યું છે કે ગત ૨૭મીએ અમે લેખિત અરજી આપી એ પછી ભકિતનગર પોલીસે ખુબ સારી કામગીરી કરી હતી અને  અમારી મુશ્કેલીઓ દૂર થઇ ગઇ હતી. પરંતુ એ પછી મજૂરો તરફથી રજૂઆત થયા બાદ ફરીથી અમારી સોસાયટીન સંલગ્ન રોડ પર હજારો મજૂરો એકઠા થવા માંડ્યા છે જેના કારણે અમને ખુબ મુશ્કેલીઓ પડી રહી છે. આ તકલીફનું નિવારણ સત્વરે થાય તેવી અમારી રજૂઆત છે. તેમ સોસાયટીના રહેવાસીઓએ જણાવતાં પોલીસ કમિશનરશ્રીએ આ બાબતે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. તસ્વીરમાં સાત સોસાયટીના રહેવાસીઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતાં તે જોઇ શકાય છે.

(3:53 pm IST)