Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મનપા દ્વારા જુ.કલાર્કની પરીક્ષા માટે મેગા આયોજન : ૬ શહેરોમાં ૮૨ કેન્દ્રો

૧૨૨ જગ્યા સામે અ...ધ...ધ...ધ. ૪૫ હજાર ઉમેદવારો : રવિવારે રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, જામનગર વગેરે સ્થળોએ પરીક્ષા લેવાશે : મ.ન.પા.ના ૧૪૫ અધિકારીઓ-કર્મચારીઓને ફરજ સોંપાઇઃ મ્યુ.કમિશ્નર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ

રાજકોટ,તા.૧૯:  મહાનગરપાલિકાની 'જુનિયર કલાર્ક' સંવર્ગની ૧૨૨ જગ્યા ભરવા માટે આગામી તા.૨૪ના રોજ  અમદાવાદ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ એમ કુલ-૦૬ શહેરોમાં લેખિત પરીક્ષાનુ મેગા આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા સુચારૂ, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક યોજાય અને પૂર્ણ થાય તે હેતુસર સંબંધિત અધિકારી/કર્મચારીઓને વિવિધ કામગીરી સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું.

આ મેગા આયોજન વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું

કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર કલાર્ક સંવર્ગની કુલ ૧૨૨ જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવ્યા બાદ સમગ્ર રાજયમાંથી હજારોની સંખ્યામાં આવેદનપત્રો પ્રાપ્ત થયા હતાં. જે પૈકી ૪૫,૩૯૭ ઉમેદવારોની અરજી માન્ય રહેતા તેઓ માટે રાજયના કુલ શહેરો માટે પરીક્ષા કેન્દ્રો ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ છે. અલગઅલગ શહેરો પસંદ કરવા માટેનું કારણ એ છે કે, જુદાજુદા જિલ્લાઓના ઉમેદવારોને તેમના જિલ્લામાં કે નજીકના જ જિલ્લામાં પરીક્ષા આપવાની સુવિધા મળી રહે અને તેઓને ખાસ કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. જેમ કે, દક્ષિણ ગુજરાત તરફના ઉમેદવારો માટે સુરતમાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ છે.

રવિવારે લેવામાં આવનાર જુ.કલાર્કની પરીક્ષામાં સુરત શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર જસ્મીનભાઈ રાઠોડ, અમદાવાદ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર એચ.આર.પટેલ, ગાંધીનગર શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ મેનેજર બી.એલ. કાથરોટીયા, જામનગર શહેર માટેના નોડલ ઓફિસર તરીકે  આસીસ્ટન્ટ કમિશનર વી.એસ.પ્રજાપતિ, જુનાગઢ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી અને રાજકોટ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર એચ. કે. કગથરાને જવાબદારી સુપરત કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સરકારશ્રીની કોવીડ અંગેની માર્ગદર્શિકા અનુસાર આવશ્યક પ્રોટોકોલનું પાલન થાય તે માટે જરૂરી કાળજી રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો કોઇપણ પ્રકારના ઈલેકટ્રોનિક ડીવાઈસ લઈ જઈ નહી શકે. ઉમેદવારોએ તેમના આઈ.ડી. પ્રૂફ, પેન અને પરીક્ષાનો કોલ લેટર જ સાથે લાવવાનો રહેશે. ઈલેકટ્રોનિક ગેઝેટ્સ પર પ્રતિબંધ મુકવામાં  આવેલ છે. ઉપરોકત તમામ છ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત માટે આયોજન કરાયું છે. આ માટે રાજકોટ, અમદાવાદ અને સુરતનાં પોલીસ કમિશનરશ્રીઓ અને ગાંધીનગર, જામનગર અને જુનાગઢના એસ.પી.શ્રીઓ સાથે અત્રેથી સંકલન કરવામાં આવ્યું છે. તમામ ૮૨ પરીક્ષા કેન્દ્રો માટે કુલ ૮૨ કેમેરામેનો દ્વારા સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવનાર છે.

તેમણે અન્ય એક ખાસ બાબતનો ઉલ્લેખ કરતા એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ ઉમેદવારોની સહાયતા માટે ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરેલ છે જેનો ફોન નંબરઃ ૦૨૮૧-૨૨૨૧૬૦૭ છે. ઉમેદવારો તેમના પરીક્ષાના કોલ લેટર સંબંધી કવેરી અંગે પુછપરછ કરી આ ફોન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકે છે. અથવા recruitment@rmc.gov.in પર ઈ-મેઈલ કરીને પણ ઉમેદવારો જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકે છે. આ મેગા આયોજન શાંતિપૂર્ણરીતે સંપન્ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાનાં ૧૪૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવેલ છે. તેમજ ફરજ પરના આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મહેકમ શાખા દ્વારા ખાસ ઓળખ પત્ર પણ આપવામાં આવશે.

ઉપરોકત તમામ અધિકારી/કર્મચારીઓ પરીક્ષાના એક દિવસ અગાઉ જ તા.૨૩ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે તેઓને સોપવામાં આવેલ કેન્દ્ર/ઝોન વાઈઝ પરીક્ષા સેન્ટરો ખાતે હાજર રહી પરીક્ષા સંબંધી તમામ તૈયારી પૂર્ણ કરી લેશે. આ કામગીરીની માહિતી/સૂચના અંગેની એક ખાસ મીટિંગનું પણ આગામી તા.૨૧ના રોજ સેન્ટ્રલ ઝોન, કોન્ફરન્સ હોલ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે ૧૦:૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે.

આ મેગા આયોજન માટે હાલ મ્યુનિ. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર આશિષ કુમાર, એ.આર.સિંહ અને ચેતન નંદાણી ઉપરાંત મહેકમ શાખાનાં સહાયક કમિશનર સમીરભાઈ ધડુક, મહેકમ શાખાના આસીસ્ટન્ટ મેનેજર વિપુલભાઈ ઘોણીયા, તેમજ સ્ટાફ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સાથોસાથ નાયબ કમિશનરશ્રીઓને ઓવરઓલ સુપરવિઝનની જવાબદારી પણ સુપરત કરવામાં આવેલ છે. ઉપરોકત તમામ શહેરો માટે એક એક નોડલ ઓફિસર તેમજ તેમની નીચે બબ્બે ટીમ લીડર કેન્દ્ર ઇન્ચાર્જ અને જરૂરી સ્ટાફ તેમજ રિઝર્વ્ડ સ્ટાફ પણ ફાળવવામાં આવેલ છે. એક દિવસ અગાઉ જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાને ફાળવવામાં આવેલ શહેરના કેન્દ્ર અને રૂમ ખાતે રીપોર્ટ કરશે અને પરીક્ષા કેન્દ્રની સાફ-સફાઈ, ઉમેદવારોના સીટ નંબર સામે ફાળવેલ બ્લોક નંબરની યાદી નોટીસબોર્ડ પર/જાહેરમાં પ્રદર્શિત કરવા, કેન્દ્ર ખાતે બ્લોક નંબર કઈ જગ્યાએ આવેલ છે તે અંગેની વિગતો/ દિશાસૂચનની વ્યવસ્થા કરવા, કેન્દ્ર ખાતેના તમામ કલાસરૂમ/વર્ગખંડના પ્રવેશ દ્વાર પર બ્લોક નંબર જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવા, અને કેન્દ્ર ખાતેના નિયત થયેલ તમામ બ્લોકમાં ઉમેદવારોના સીટ નંબર બેંચ/બેઠક પર જોઈ શકાય તે રીતે લખવામાં/દર્શાવવામાં આવેલ છે કે કેમ તે સુનિશ્ચિત કરશે.

જુનિયર કલાર્કની પરીક્ષા ૯૦ મિનિટની

રાજકોટ : ઓ.એમ.આર. પધ્ધતિથી લેવામાં આવનાર આ પરીક્ષામા ૧૦૦(એકસો)પ્રશ્નો રહેશે. પ્રશ્ન પત્રમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સનાં પચ્ચીસ પ્રશ્નો અને પચ્ચીસ ગુણ, ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ, કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાનનાં પચ્ચીસ પ્રશ્નો અને પચ્ચીસ ગુણ તથા મેથ્સ અને લોજિકલ રીઝનીંગના વીસ પ્રશ્નો અને વીસ ગુણ રહેશે.

કયાં કેન્દ્રોમાં કેટલા ઉમેદવારો

રાજકોટઃ મહાનગરપાલિકાએ ઉપરોકત છ શહેરોના કુલ ૮૨ પરીક્ષા કેન્દ્રોનાં કુલ ૧૬૨૪ રૂમમાં કુલ ૪૫,૩૯૭ ઉમેદવારો માટે કરવામાં આવેલા આયોજનમાં, અમદાવાદ શહેરમાં ૧૩ પરીક્ષા કેન્દ્રો અને ગાંધીનગરમાં ૧૧ પરીક્ષા કેન્દ્રો રહેશે, અને આ બંને શહેરોના આ કેન્દ્રોમાં કુલ ૧૭,૩૬૫ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. જયારે રાજકોટમાં ૩૪ કેન્દ્રો ખાતે ૧૬,૯૫૮ ઉમેદવારો, સુરતમાં ૪ પરીક્ષા કેન્દ્રોમાં ૨,૯૬૭ ઉમેદવારો, જામનગરમાં ૯ કેન્દ્રોમાં ૨,૬૦૮ ઉમેદવારો અને જુનાગઢમાં ૧૧ પરીક્ષા કેન્દ્રોમાં ૫,૪૯૯ ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

મેગા આયોજનની હાઈલાઈટ્સ

. તમામ છ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત માટે આયોજન કરાયું

. તમામ ૮૨ પરીક્ષા કેન્દ્રો માટે કુલ ૮૨ કેમેરામેનો દ્વારા થશે વિડીયોગ્રાફી

. ઉમેદવારોની સહાયતા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયોઃ ફોન નંબરઃ ૦૨૮૧-૨૨૨૧૬૦૭ ઉપર અથવા recruitment@rmc.gov.in પર ઉમેદવારો તેમના કોલ લેટરને લગતી બાબતો અંગે પુછપરછ કરી શકે છે.

(3:13 pm IST)