Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

૨૦૧૫માં વ્યાજે લીધેલા ૯ લાખની સામે ૧૯ લાખ ચુકવ્યા છતાં વધુ ૧૨ લાખ માંગી ખૂનની ધમકી

રેલનગરના હર્બલ પ્રોડકટના વેપારી યજ્ઞેશ રાઠોડે પડોશમાં રહેતાં યુવાનના ભાવનગર રહેતાં સસરા નટવરસિંહ વાઘેલા પાસેથી વ્યાજે નાણા લીધા'તાઃ ધંધામાં મંદી આવતાં વ્યાજ ન ચુકવી શકતાં પઠાણી ઉઘરાણી : પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી : ઘરે આવી ધમકી દીધી-એક મહિનામાં વ્યાજ નહિ આપે તો આખા પરિવારને પતાવી દઇશ

રાજકોટ તા. ૧૯: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રેલનગરમાં રહેતાં હર્બલ પ્રોડકટના વેપારી કડીયા યુવાને પડોશમાં રહેતાં ક્ષત્રિય યુવાન મારફત ભાવનગર રહેતાં તેના સસરા પાસેથી ધંધાના કામે કટકે કટકે રૂ. ૯ લાખ ૨૦૧૫માં વ્યાજે લીધા હતાં. તેની સામે કુલ ૧૯ લાખ વ્યાજ ચુકવી દીધુ હોવા છતાં અને હાલમાં ધંધો ચાલતો ન હોઇ વ્યાજ ન ચુકવી શકતાં તેણે હજુ વધુ રૂ. ૧૨ લાખ વ્યાજના નહિ આપ તો તને અને તારા માતા-પિતાને મારી નાંખીશ તેવી ધમકી આપતાં અને ભાવનગરથી રાજકોટ કડીયા યુવાનની ઘરે બે દિવસ પહેલા ફરી વખત આવી ધમકી આપતાં અંતે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્ર.નગર પોલીસે રેલનગર અમૃતધારા રેસિડેન્સી શિવાલય એપાર્ટમેન્ટ પાછળ સાધુ વાસવાણી કુંજ રોડ પર રહેતાં અને હર્બલ પ્રોડકટનો વેપાર કરતાં યજ્ઞેશ મુકેશભાઇ રાઠોડ (કડીયા) (ઉ.વ.૩૩) નામના યુવાનની ફરિયાદ પરથી ભાવનગર રહેતાં નટવરસિંહ ભરતસિંહ ગોહિલ વિરૂધ્ધ આઇપીસી ૩૮૭, ૫૦૪, ૫૦૬ (૨) તથા મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યજ્ઞેશ રાઠોડે પોલીસને જણાવ્યું છે કે  હું ત્રણ માસથી રાજકોટમાં રેલનગરમાં રહુ છું. અગાઉ હું રેલનગર પરમેશ્વર પાર્ક-૨માં રહેતો હતો. ત્યાં મારા પડોશમાં કુલદિપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહેતાં હોઇ તેને મેં ધંધા માટે પૈસાની જરૂર હોવાની વાત કરતાં તેણે કહેલું કે મારા સસરા નટવરસિંહ ગોહિલ જે ભાવનગર રહે છે અને ફાયનાન્સનો ધંધો કરે છે તેની સાથે કોન્ટેકટ કરાવી દઇશ. એ પછી તેમનો સંપર્ક તેણે કરાવ્યો હતો.

મેં તા. ૧૦/૭/૧૫ના રોજ નટવરસિંહ ગોહિલ પાસેથી મહિને ૪ ટકાના વ્યાજે રૂ. ૪ લાખ લીધા હતાં. દર મહિને હું રૂ. ૧૬ હજાર વ્યાજ ચુકવતો હતો. એ પછી મારા મિત્ર મનન શુકલા જે ભાવનગરમાં રહે છે તેને રેસ્ટોરન્ટ કરવું હોઇ રૂ. ૫ લાખની જરૂર હોવાથી મેં કુલદિપસિંહ મારફત તેમના સસરા નટવરસિંહ પાસેથી ૨૦૧૬માં રૂ. ૫ લાખ મહિતે ૩.૫ ટકા વ્યાજથી અપાવ્યા હતાં. તેણે મહિને રૂ. ૧૭૫૦૦ વ્યાજ ચુકવ્યું હતું. એ પછી મિત્ર મનનની હોટલ ન ચાલતાં તેણે ધંધો બંધ કરી સામાન વેંચી નટવરસિંહને પૈસા ચુકવી દીધા હતાં.

ત્યારબાદ મારે વધુ પૈસાની જરૂર હોઇ મેં નટવરસિંહ પાસે ૫ લાખ વ્યાજે માંગતા તેણે કહેલું કે મનન મને ૫ લાખ આપી ગયો છે. તે પૈસા મનનને જે રીતે આપ્યા હતાં એ જ રીતે તને આપુ. તેમ કહેતાં મેં હા પાડી હતી. એ રીતે મેં કટકે કટકે રૂ. ૯ લાખ વ્યાજે લીધા હતાં. ત્યારબાદ નટવરસિંહને હું દર મહિને વ્યાજ પેટે રૂ. ૩૩૫૦૦ ચુકવતો હતો. આમ મેં દર મહિનાના વ્યાજ લેખે કુલ રૂ. ૧૯ લાખ તેમને ચુકવી દીધા હતાં. એ પછી મારો ધંધો બરાબર ચાલતો ન હોઇ જેથી ૨૦૧૯ના જુલાઇ મહિનાથી હું નટવરસિંહને હપ્તો ચુકવી શકયો નહોતો. જેથી નટવરસિંહે વારંવાર મારા ઘરે અવી ગાળો દઇ વ્યાજ સહિત વધુ ૧૨ લાખની માંગણી કરી જો પૈસા નહિ આપ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત ફોન કરીને પણ વારંવાર ધમકી આપી ઉઘરાણી કરતાં હતાં. હું તેને થોડા સમયમાં પૈસા આપી દઇશ તેમ કહેતો હતો.

દરમિયાન ૧૭/૧૦/૨૧ના રોજ સાંજે સાડા પાંચેક વાગ્યે હું મારા માતા-પિતા સહિતના ઘરે હતાં ત્યારે નટવરસિંહ ઘરે આવેલા અને વ્યાજના રૂ. ૧૨ લાખની ઉઘરાણી કરી મને ગાળો દઇ કાઠલો પકડી મારી નાંખવાની ધમકી અપી હતી. તેમજ ઉશ્કેરાઇ જઇ કહેલું કે જો એક મહિનામાં મારા ૧૨ લાખ નહિ આપ તો તરી સાથે રહેલા તારા માતા-પિતને મારી નાંખીશ. મને ખુબ જ બીક લાગતાં મેં ફરિયાદ કરી નહોતી. અંતે પરિવારજનોએ હિમ્મત આપતાં મેં ફરિયાદ કરી છે.

નટવરસિંહ ગોહિલ પાસેથી મેં ૯ લાખ છુટક છુટક લીધા હતાં. તેની સામે ૧૯ લાખ ભરી દીધા છે. છતાં વધુ ૧૨ લખ માંગી ઘરે આવી, ફોનથી મારી નાંખવાની ધમકી આપતં હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં યજ્ઞેશ રાઠોડે પોલીસને જણાવતાં તે મુજબ પીએસઆઇ ડી. યુ. પીઠડીયાએ ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે હાથ ધરી છે.

(11:08 am IST)