Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મને ટ્રાફીક મેમો ભરવા કિડની વેંચવા મંજુરી આપો

૨૦૧૮ની સાલથી બાકી મેમો ભરવા અંગે ઘરે ટ્રાફીક પોલીસની મૌખીક સુચના બાદ સામાન્ય નાગરીકની પોલીસ કમીશનરને પત્ર લખી માંગ : એકસીસ બેંક દ્વારા એફડીના બદલે વીમો ઉતારી નખાયેલઃ ઉપરથી વિગતો મેળવવા જતા ગત વર્ષે પોલીસ ફરીયાદ પણ કરેલઃ મનોજ અગ્રવાલ પાસે મદદની ગુહાર

રાજકોટ, તા.૧૯: ટ્રાફીક મેમાના ત્રાસથી લોકો કેટલા કંટાળ્યા છે અને કેટલી હેરાનગતી ભોગવી રહ્યા છે તે ઘણા સમયથી અવારનવાર સમાચારોમાં ચમકતુ રહે છે. પોલીસ સાથે રકઝક, કોર્ટમાં આવેદન સહિતના અનેક બનાવો નજીકના સમયમાં બન્યા છે, ત્યારે ગઇકાલે પોલીસ કમિશનરને પત્ર લખી ટ્રાફીક મેમો ભરવા અને પોતાની અન્ય જરૂરીયાતો પુરી કરવા 'કીડની' વેચવાની પરવાનગી માંગતા ખળભળાટ મચી ગયો છે.

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પરેશ મનસુખલાલ રાઠોડે (ગ્રાફીકસ ડીઝાઇનીંગ) પોલીસ કમિશનરને સંબોધીને લખેલ પત્રમાં જણાવેલ કે તે અને તેમના પત્નિ યામાહા ફેશીનો ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે. જે તેમના પત્નિના નામે ખરીદ કરાયેલ છે. દશેરાના દિવસે તા.૧૫ના રોજ બે ટ્રાફીક કર્મચારીઓ દ્વારા ઘરે આવી ૨૦૧૮ના વર્ષથી બાકી ટ્રાફીક મેમો રૂડા ઓફીસની બાજુમાં ટ્રાફીક શાખા ખાતે ભરી જવા મૌખીક સુચના આપેલ. જેથી ડીપાર્ટમેન્ટ દ્વારા વાહન ડીટેઇન ન થાય અને વાહન માલીકને કોઇ મુશ્કેલી ન પડે.

પરેશભાઇએ આગળ જણાવ્યું છે કે હાલ દિવાળીના તહેવારો નજીક હોય આ દંડની રકમ ભરવી હોવા છતા, હું હાલ તે ભરપાઇ કરી શકુ એમ નથી. ધંધો રોજગાર અને ઘરના સામાન્ય વહેવાર માટે એક જ વાહન હોય તે ડીટેઇન ન કરવા પણ વિનંતી કરી છે. આ ઉપરાંત તેમણે પોલીસ કમિશનરને ભુતકાળમાં થયેલ અન્યાય અંગે મદદ કરવા અરજ કરેલ.

પરેશભાઇ રાઠોડે પત્રમાં જણાવેલ કે તેમનું સેવીંગ એકાઉન્ટ એકસીસ બેંક (શાસ્ત્રીમેદાન) ખાતે છે. જેમાં તેમણે ૨૦૧૧ના વર્ષમાં પુત્રીના ભણતર માટે રૂ.૫૦ હજારની રકમ એફડી માટે મૂકેલ પણ જેનો અમારી જાણ બહાર વીમો ઉતારી નાખવામાં આવેલ. પાકતી મુદતે એ રકમ વીશે તપાસ કરતા ગોળ-ગોળ જવાબ મળી રહ્યો છે. આ છેતરપીંડીનો ઉત્તમ નમુનો છે. ઉપરાંત છેલ્લા સવા વર્ષથી હું બેન્કે નથી જઇ શકતો, કેમ કે સવા વર્ષ અગાઉ હું ખાતાની વિગતો મેળવવા ગયેલ ત્યારે મને પોલીસ કેસની ધમકી અપાયેલ અને ગત વર્ષના ઓગષ્ટ મહિનામાં પોલીસ ફરીયાદ કરી ૧૦૭ની કલમ લગાડાયેલ.

ત્યારબાદ મને મામલતદાર ઓફીસ, આત્મીય કોલેજ સામે હાજર કરી અને શનિવાર હોવાથી જામીનના ૧૦ હજાર થશે, નહીંતર જેલમાં પુરી દેવામાં આવશેનું જણાવાયેલ. જેથી મે રકમ ભરી દીધેલ અને આ અંગે મામલતદારશ્રીને લેખીતમાં પણ રજુઆત કરેલ. જેમાં પણ પરેશભાઇએ આ રકમ પરત અપાવવા પોલીસ કમીશનરશ્રીને અરજ કરેલ. ઉપરાંત ખાતા અંગે તપાસ ન કરવા અને જો કરશે તો મહિલા કર્મચારીની છેડતીના કેસમાં ફરીયાદ કરવાની ધમકી અપાયેલ.

ઉપરાંત આ બેન્કના મારા ખાતામાં રૂ.૧૫ લાખથી ઉપરની રકમ જમા પડેલ છે. જે મારા જેવા ૫૮૦૦ રૂપીયાના ૩૦૦ નાગરીકોના મેમો ભરપાઇ કરવા પુરતી છેે અને આ રકમ કલેકટર ઓફીસના અધીકારીઓને ગેરકાયેદસર રીતે આપવાનું કૌભાંડ એ ડીવીઝન દ્વારા ખુલ્લુ પડાયા બાદ તત્કાલીન કલેકટરશ્રીએ જે વિભાગના વડા કૌભાંડમાં જવાબદાર હતા તેમને જ ફરિયાદી બનાવી ફરિયાદ દાખલ કરેલ. આ કૌભાંડ અટકાવવા બદલ મને ખુબ જ ધમકાવવામાં આવેલ. ઉપરાંત મહીલા તપાસ અધીકારીએ પણ મહિલા કર્મચારીની જાતીય સતામણી અને બ્લેકમેઇલીંગની ધમકી આપેલ. અને આજીવન રહેવું મુશ્કેલ કરવાનું જણાવતા મેં ડરી જઇ ચુપ રહેવામાં જ ભલાઇ સમજી.

બેન્કના કૌભાંડ અંગે બેન્કીંગ લોકપાલને પણ ફરીયાદ કરેલ. સાથે જ ૨૦૧૭ બાદ પણ મહીલા તપાસ અધીકારી દ્વારા ધમકી મળતા અનેક રીતે મારે હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છેે, સમાજમાં હાંસીપાત્ર બની અને અનેકવાર અપમાનીત થયા પછી હવે મારૂ જીવન વ્યર્થ લાગે છે, પણ મારૂ કુટુંબ મારા ભરોસે છે અને હું તેમનો એકમાત્ર આશરો છું. હાલના સંજોગોમાં મને ટ્રાફીકના દંડના પૈસા ભરવા, મારૂ બાકી વીજ બીલ ચૂકવવા તથા મારી પુત્રીના અભ્યાસના ખર્ચના નિભાવ માટે બીજો કોઇ રસ્તો નથી દેખાઇ રહ્યો જેથી મને મારા શરીરનું મહત્વનું અંગ કિડની વેચવાની મંજુરી આપવા પત્રના અંતમાં જણાવાયું છે.

(2:55 pm IST)