Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

માધાપર ચોકડીથી પાસેથી રૂ. ૫.૪૦નો દારૂ ભરેલા ટ્રક સાથે ભાવનગરના બુટલેગર હરેશને ગાંધીગ્રામ પોલીસે દબોચ્યો મમરાના કોથળાઓ નીચે દારૂનો જથ્થો છુપાવાયો'તો

અગાઉ દારૂના ૧૦ ગુનામાં સંડોવણીઃ ત્રણ વખત પાસામાં જઇ આવ્યો છેઃ કુલ ૭ાા લાખનો મુદ્દામાલ કબ્જે : એસીપી પી. કે. દિયોરા, પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ જનકસિંહ રાણાની ટીમની કામગીરીઃ કોન્સ. વરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા અને ગોપાલભાઇ બોળીયાની બાતમી

રાજકોટ તા. ૨૦: તહેવાર નજીક આવતાં જ નાના મોટા બુટલેગરો મેદાનમાં આવી ગયા છે. પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે. ગાંધીગ્રામ પોલીસે મધરાતે ચોક્કસ બાતમીને આધારે માધાપર ચોકડી પાસે બેડી બાયપાસ પુલ પાસેથી રૂ. ૫,૪૦,૦૦૦નો ૧૦૮૦ બોટલ દારૂ ભરેલા લેલાન્ડ ટ્રક સાથે ભાવનગરના રીઢા બૂટલેગરને ઝડપી લઇ કુલ રૂ. ૭,૫૦,૦૦૦નો મુદમાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડી. સ્ટાફના વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા અને ગોપાલભાઇ બોળીયાને બાતમી મળી હતી કે માધાપર ચોકડીથી બેડી બાયપાસ તરફ જીજે૦૩બીડબલ્યુ-૬૮૧૦ નંબરનો અશોક લેલાન્ડ ટ્રક મમરાના કોથળાઓ ભરીને નીકળવાનો છે. જેમાં મમરા નીચે દારૂનો જથ્થો છુપાવેલો છે.

આ બાતમીને આધારે વોચ રખાતા બાતમી મુજબનો ટ્રક નીકળતાં અટકાવી તલાશી લેતાં મમરાના પ્લાસ્ટીકના કોથળાઓ નીચેથી અલગ અલગ બ્રાન્ડનો રૂ. ૫,૪૦,૦૦૦નો ૧૦૮૦ બોટલ દારૂ મળતાં તે તથા વાહન અને મોબાઇલ ફોન મળી  રૂ. ૭,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક હરેશ ધનજીભાઇ બારૈયા (ઉ.વ.૪૨-રહે. ઘોઘા જકાતનાકા, રામદેવપીર મંદિરવાળો ખાંચો, ૫૦ વારીયા પ્લોટ નં. ૩-એચ ભાવનગર)ની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના કહેવા મુજબ હરેશ બારૈયા રીઢો બુટલેગર છે. તેના વિરૂધ્ધ ભાવનગર-પાલીતાણામાં દારૂ જૂગારના ૧૦ ગુના નોંધાઇ ચુકયા છે અને ત્રણ વખત તે પાસામાં જઇ આવ્યો છે. તે દારૂનો જથ્થો કયાંથી કયાં લઇ જતો હતો? કયાંથી ભરી આવ્યો? એ સહિતના મુદ્દે વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાએ દિવાળીના તહેવાર નજીક હોઇ દારૂની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના આપી હોઇ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, ભરતભાઇ ચોૈહાણ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, ગોપાલભાઇ બોળીયા અને દિનેશભાઇ વહાણીયાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

(12:40 pm IST)