Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ઇદનું જુલૂસ જોવા ગયેલા કોળી પરિવારના ૧૩ વર્ષના પુત્રનું કારની ઠોકરે મોતઃ કાર ચાલક કોર્પોરેટરની દિકરી હોવાની ભારે ચર્ચા

દૂધસાગર રોડ પર સાંજે બનાવઃ મૃતક સુમિત બાવળીયા પાંચમુ ધોરણ ભણતો હતોઃ લાડકવાયાના મોતથી પરિવારમાં અરેરાટીઃ કાર કોની? ચાલક કોણ? તે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૨૦: દૂધની ડેરી પાસે દૂધસાગર રોડ પર સાંજે ઇદનું જુલૂસ જોવા ગયેલા લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીના  કોળી પરિવારના ૧૩ વર્ષના પુત્રનું કારની ઠોકરે ચડી જતાં મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ગિરદીમાં કાર રવાના થઇ ગઇ હતી. લોકોમાં થતી ચર્ચા મુજબ આ કાર કોર્પોરેટરની દિકરી ચલાવી રહી હતી. પોલીસે આ અંગેની ખરાઇ કરવા સીસીટીવી ફૂટેજ ચેક કરવા કવાયત આદરી છે.

જાણવા મળ્યા મુજબ દૂધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતો સુમિત કાળુભાઇ બાવળીયા (ઉ.૧૩) સાંજે ઘર નજીક રોડ પર ઇદનું જુલૂસ જોવા ગયો હતો. આ વખતે કોઇ કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ પ્રારંભે તેને અજાણ્યા બાળક તરીકે દાખલ કરવામાં આવેલ. સારવારમાં દમ તોડી દીધો હતો. થોરાળા પોલીસ મથકના જે. ડી. વસાવા અને પૃથ્વીરાજસિંહે હોસ્પિટલે પહોંચી તપાસ શરૂ કરતાં મૃત્યુ પામનાર શ્રમજીવી સોસાયટીનો સુમિત બાવળીયા હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરાઇ હતી.

સુમિત ધોરણ-૫માં ભણતો હતો. ગત સાંજે જુલૂસ જોતી વખતે કારની ઠોકરે ચડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં જે કાર અકસ્માત સર્જી જતી રહી તે કાર કોર્પોરેટરની દિકરી ચલાવતી હોવાની ચર્ચા થઇ રહી હતી. પોલીસે આ ચર્ચામાં કેટલું તથ્ય છે? તે જાણવા તપાસ આદરી છે. સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ થઇ રહી છે.મૃત્યુ પામનાર સુમિત બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(3:25 pm IST)