Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

આજે શરદ પૂનમ : ચાંદો ચઢશે આકાશ

આયુર્વેદીક મહત્વ ધરાવતા દુધ પૌઆનો પ્રસાદ આરોગાશે : અનેક સ્થળે એક દિવસીય રાસોત્સવ સાથે લ્હાણી વિતરણ

રાજકોટ તા. ૨૦ : આજે શરદ પૂર્ણીમા છે.  સોળે કળાએ ખીલેલા ચંદ્રમાના તેજોમય વાતાવરણમાં આજની રાત્રી રઢીયાળી બની રહેશે. આસો સૂદ પુનમ એટલે કે શરદ પૂર્ણીમા નિમિતે આજે રાત્રે એક દિવસીય રાસોત્સવ સાથે લ્હાણી વિતરણ અને દુધ-પૌવાના પ્રસાદના આયોજનો થયા છે.

આજે ચંદ્રમાના અજવાળે હરવા ફરવાના સ્થળોએ પણ માનવ મેદની ઉમટવાથી દિવસ જેવો માહોલ જોવા મળશે.  શહેરભરમાં શરદ પૂનમ નિમિતે આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

જીવનનગર વિકાસ સમિતિ

રૈયા રોડ, બ્રહ્મસમાજ ચોક પાસે જીવનનગર ખાતે જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, નવરાત્રી મહોત્સવ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે આજે શરદોત્સવ નિમિતે રાસ ગરબાનો કાર્યક્રમ રાખેલ છે. અનિલજ્ઞાન મંદિરની પાછળ, મહાદેવધામના પટાંગણમાં રાત્રે વાગ્યાથી સામુહિક રાસ ગરબા બાદ રાત્રે દુધ પૌવાના પ્રસાદનું વિતરણ કરાશે. વોર્ડના નગરસેવકો ડો. રાજશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, નિરૂભા વાઘેલા, ચેતનભાઇ સુરેજા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, અશ્વિનભાઇ ભોરણીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે. તેમ સમિતિની યાદીમાં જણાવાયુ છે.

રાધેશ્યામ ગૌશાળા ગાંધીગ્રામ

રાધેશ્યામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાધેશ્યામ ગૌશાળા (રૈયાધાર રામાપીર ચોકડી) દ્વારા સર્વ જ્ઞાતિ સમાજ માટે આજે શરદ પૂનમ નિમિતે સાંજે પ વાગ્યે સત્યનારાયણની કથા રાખેલ છે. વકતા તરીકે પ્રવિણભાઇ ભુદેવ બિરાજશે. પૂનમ નિમિતે રામાપીરનો પાઠ થશે. મહાપ્રસાદની વ્યવસ્થા વેલજીભાઇ (ધોકીયા) તરફથી રાખેલ છે. મોમાઇ ગરબી મંડળને પુનમ નિમિતે પ્રફુલભાઇ નળીયાપરા તરફથી લ્હાણી વિતરણ કરાશે. સાંજે ૮ થી ૧૧ રાસ ગરબા રજુ થશે. ધર્મપ્રેમીજનોએ ઉપસ્થિત રહેવા રાધેશ્યામ ગૌશાળા દ્વારા અનુરોધ કરાયો છે.

(2:44 pm IST)