Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજકોટથી અમદાવાદ જતી તમામ એસટી - એકસપ્રેસ બસ અને વોલ્વો આજે બપોરે ૩ વાગ્યાથી બંધ : સોમવાર સુધી બંધ રાખવાની જાહેરાત

અન્ય શહેરમાંથી રાજકોટ થઈને અમદાવાદ જતી બસો પણ અમદાવાદ સુધી નહિં જાય : સોમવારે વ્હેલી સવારે ૩ વાગ્યાથી એસટીનો ટ્રાફીક અમદાવાદ માટે બપોરે ૩ સુધી ચાલુ રહેશે

રાજકોટ, તા. ૨૦ : અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટતા અને સોમવાર સુધી કર્ફયુની જાહેરાત થતાં આજે બપોરે ૩ વાગ્યાથી રાજકોટથી અમદાવાદ જતી તમામ એસટી અને વોલ્વો બસ બંધ કરી દેવાઈ છે. વડી કચેરીએ સુચના આપતા એસટીના નવા બસપોર્ટ ઉપર આ જાહેરાત કરી દેવાઈ છે અને બોર્ડ પણ લગાવી દેવાયા છે.

રાજકોટથી અમદાવાદ સુધીની દર કલાકે વોલ્વો દોડતી હતી. તે બપોરે ૩ વાગ્યાથી બંધ કરી દેવાની સુચના અપાઈ છે. તેવી જ રીતે અમદાવાદ જતી તમામ એકસપ્રેસ પણ આજે બપોરે ૩ વાગ્યા બાદ રાજકોટથી નહિં ઉપડે.

જામનગર-અમદાવાદ, ભાવનગર-અમદાવાદ વિવિધ શહેરમાંથી રાજકોટ થઈને જતી બસ પણ અમદાવાદ સુધી નહિં જાય તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. સોમવારે સવારે ૯ વાગ્યાથી અમદાવાદનો ટ્રાફીક રાજકોટથી શરૂ થશે. જે બપોરે ૩ વાગ્યા સુધી જ ચાલુ રહેશે તેવુ એસટીના ડિવીઝનલ અધિકારીઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

(3:04 pm IST)