Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કેમીસ્ટ એસો.ના પ્રમુખની ધરપકડના વિરોધમાં દવા બજાર બંધઃ ન્યાયિક તપાસની માંગ

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની દવા બજાર બંધ રાખવાની આવેદનમાં ચીમકી

રાજકોટ તા. ર૦ :.. કેમીસ્ટ એસોસીએશન રાજકોટ તથા સૌરાષ્ટ્ર - કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાની ગેરકાયદેસર રીતે ફલેટનો કબ્જો લઇ લેવા બદલ તથા કુટણખાનું ચલાવવા બદલ રાજકોટ  પોલીસે ગઇકાલે ધરપકડ કરી હતી. જેના વિરોધમાં ન્યાયિક તપાસની માગણી સાથે ગઇકાલે બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૧ર વાગ્યા સુધી રાજકોટની દવા બજાર સદંતર  બંધ રહી હતી. સમગ્ર રાજકોટના એક હજાર જેટલા રીટેઇલર્સ - હોલસેલર્સે આક્રોશ સાથે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.

કેમીસ્ટ એસો. રાજકોટના હોદેદારો દ્વારા રાજકોટના કલેકટરશ્રી રેમ્યા મોહન તથા પોલીસ કમિશનશ્રી મનોજ અગ્રવાલને ધરપકડના અનુસંધાને ન્યાયિક તપાસની માંગણી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવાયું છે કે કેમીસ્ટ એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાની ધરપકડ ખોટી રીતે કરીને તેમની પ્રતિષ્ઠાને લાંછન લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેમીસ્ટ એસો. રાજકોટના તમામ સદસ્યોએ આવેદન પત્રમાં આ ઘટનાને હિચકારી, કિન્નાખોરી ભરી તથા લોકશાહીના ચીરહરણ સમાન ગણાવી હતી.

કેમીસ્ટ એસોસીએશન રાજકોટના ઉપપ્રમુખ સત્યેનભાઇ પટેલ તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇની સહી સાથે અપાયેલા આવેદનપત્રમાં ચીમકી પણ આપવામાં આવી છે કે મયુરસિંહ જાડેજાની ધરપકડ સંદર્ભે  આગામી દિવસોમાં જો ન્યાયીક તપાસ નહીં થાય તો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની દવા બજાર પણ બંધ રાખવામાં આવશે.

(1:00 pm IST)