Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ઓઇલ મિલરોની ચિંતામાં વધારો

મગફળી વેચવામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે ખેડૂતો

રાજકોટ, તા.૨૦: ખેડૂતો સારા ભાવ મેળવવા માટે મગફળીનો પાક વેચવામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે આના લીધે સૌરાષ્ટ્રના ઓઇલમીલરો ચિંતામાં મુકાયા છે. કેમ કે આના લીધે ઓઇલ મીલરોને તેમની જરૂરિયાત પ્રમાણેનો મગફળીનો જથ્થો મેળવવો અઘરો બન્યો છે. બીજી તરફ આફ્રીકા અને ચીનમાં નિકાસ માટે સીંગતેલની માંગ વધી છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મીલર્સ એસોસીએશનનું કહેવું છે કે ખેડૂતો પોતાની જરૂરિયાત પૂરતો જ મગફળીનો પાક વેચી રહ્યા છે અને સારા ભાવની રાહ જોઇ રહ્યા છે. જયારે ઓઇલ મિલરો ખરીદી માટે આતુર બન્યા છે કેમ કે તેમની પાસે હાલમાં ડેરી ફોરવર્ડ સ્ટોક નથી. ગયા વર્ષે સીંગતેલની નિકાસ પાંચ ગણી વધારે થઇ હતી કેમ કે ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો.

આ વર્ષે પણ આફ્રિકન દેશો અને ચીનમાંથી ઘણી ઇન્કવારીઓ આવી રહી છે. મગફળી અને સીંગતેલના નિકાસકાર પ્રફુલ દેસાઇએ કહ્યું, 'દર વર્ષે નવેમ્બરમાં હું બજારમાંથી મારી જરૂરિયાતનો સ્ટોક ખરીદી લઉં છું પણ આ વર્ષે મને પુરતો જથ્થો મેળવવામાં મુશ્કેલી પડે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ કહ્યું, 'દિવાળી પછી અહીં હરાજી માટે લગભગ ૩.૫ લાખ ગુણ મગફળી આવી છે જેમાંથી ૮૦ ટકા ખરીદી ઓઇલ મિલરોએ કરી છે. મગફળીના ભાવ ૯૫૦ રૂપિયા મણ હતા. પણ નિકાસની માંગ વધવાથી ભાવ વધીને ૧૧૫૦ રૂપિયા મણના થયા છે અને તે હવે સ્થિર છે.' દરમ્યાન સરકારે મગફળી એમએસપી હેઠળ કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યુ છે.  સરકારે નક્કી કરેલા ભાવ ૧૧૫૦ રૂપિયા પ્રતિ મણ છે.

(10:18 am IST)