Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપનો મચ્છીનો ધંધાર્થી મુસ્તાક ઘીસોરા ૭૦ હજારના મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાયો

મુળ માંડવીના ગુંદીયારોનો વતનીઃ માંગરોળ તરફથી પીવા લાવ્યાનું રટણ

શહેર એસઓજીના પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ ટી. બી. પંડ્યા અને સ્ટાફે ૭૦ હજારનો માદક પદાર્થ કબ્જે કર્યોઃ પ્ર.નગર પોલીસ રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ કરશે

રાજકોટ તા. ૨૦: શહેર એસઓજીએ વધુ એક શખ્સને માદક પદાર્થ સાથે ઝડપી લીધો છે. રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ ૧-બીએચકેના ગેઇટ પાસે આરએમસીના બોર્ડ પાસેથી બાતમીને આધારે મુળ કચ્છ ભુજના માંડવી તાબેના ગુંદીયારી ગામના અને હાલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ વન બીએચકે ઇ બ્લોક નં. ૫૦૫માં રહેતાં અને મચ્છીનો ધંધો કરતાં મુસ્તાક અબ્દુલભાઇ ઘીસોરા (મુસ્લિમ) (ઉ.૩૮)ને રૂ. ૭૦ હજારના ૭ ગ્રામ મેફેડ્રોન નામના માદક પદાર્થ સાથે ઝડપી લેવાયો છે. પ્રાથમિક પુછતાછમાં તેણે પોતે વેરાવળ-માંગરોળ તરફથી પોતાના માટે પીવા લાવ્યાનું રટણ કરતાં સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

શહેરના યુવાઓને માદક પદાર્થના સેવનથી દૂર રાખવા અને આવા પદાર્થની હેરફેર થતી અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના હેઠળ શહેર એસઓજીના પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ ટી. બી. પંડ્યા, હેડકોન્સ. મોહિતસિંહ જાડેજા, હિતેષભાઇ પરમાર, રણછોડભાઇ આલ અને કૃષ્ણદેવસિંહ જાડેજા પેટ્રોલીંગમાં હતાં ત્યારે માહિતી મળી હતી કે રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતાં મુસ્તાક નામના શખ્સ પાસે ડ્રગ્સ છે. આ બાતમી આધારે તેના ઘર નજીક વોચ રખાઇ હતી. એ દરમિયાન તે શંકાસ્પદ રીતે નીકળતાં તેની તલાશી લેતાં માદક પદાર્થ મેફેડ્રોન મળી આવતાં તેના વિરૂધ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે ત્યાં સોંપવામાં આવતાં પીએસઆઇ બી. વી. બોરીસાગરે તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલો શખ્સ મચ્છીનો ધંધો કરે છે. પ્રાથમિક તપાસમાં પોતાને પીવા માટે વેરાવળ માંગરોળ તરફથી લાવ્યાનું રટણ કર્યુ હતું. રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ વધુ તપાસ કરશે. 

(10:55 am IST)