Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ત્રંબાના ઢાંઢણીમાં કોળી વૃધ્ધાને ભત્રીજાએ પતાવી દીધા

સવિતાબેન મેર (ઉ.વ.૬૫) સવારે પતિ લીંબાભાઇ સાથે પોતાની વાડીના શેઢે ખડ વાઢી રહ્યા હતાં ત્યારે શેઢા તકરારને લીધે કુટુંબી ભત્રીજો રમેશ ધોકાથી તૂટી પડ્યો : પત્નિને બચાવવા વચ્ચે પડેલા પતિ લીંબાભાઇને પણ હાથમાં ધોકો ફટકાર્યોઃ ઘટના સ્થળે જ મોતઃ કાકીનું ઢીમ ઢાળી દઇ આરોપી રમેશ છગનભાઇ મેર ફરારઃ આજીડેમ પોલીસ હજુ એક હત્યાની તપાસમાં જોડાયેલી છે ત્યાં બીજી હત્યાની ઘટનાથી દોડધામ

વધુ એક હત્યાઃ જ્યાં હત્યા થઇ તે ઢાંઢણી ગામે આવેલી વાડી, ઘટના સ્થળે હત્યાનો ભોગ બનેલા પત્નિ સવિતાબેનના મૃતદેહ પાસે બેસી વિલાપ કરી રહેલા પતિ લીંબાભાઇ મેર તથા એકઠા થયેલા તેમના કુટુંબીજનો, ગામલોકો જોઇ શકાય છે. ઇન્સેટ તસ્વીર હત્યાનો ભોગ બનેલા સવિતાબેન મેરની છે. તસ્વીરો ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી. 

ઢાંઢણીમાં સવિતાબેનની હત્યા બાદ તેની પુત્રીઓ સાથે પણ માથાકુટ : રાજકોટઃ ત્રંબાના ઢાંઢણી ગામે સવારે શેઢા તકરારમાં સવિતાબેન લીંબાભાઇ મેરને તેના જ કોૈટુંબીક ભત્રીજા રમેશે ધોકો મારી પતાવી દીધાની ઘટના વખતે સવિતાબેનને બચાવવા દોડેલા પતિ લીંબાભાઇને પણ માર મરાયો હતો. તેમજ બનાવની જાણ થતાં સાસરેથી દોડી આવેલી ત્રણ દિકરીઓ રમેશના ઘરે સમજાવવા જતાં આ ત્રણેય દિકરીઓ સાથે પણ માથાકુટ કરવામાં આવી હતી. 

રાજકોટ તા. ૨૦: હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જંકશન પ્લોટમાં થયેલી ચાવીના કારીગરની હત્યામાં આરોપીઓ હજુ પકડાયા નથી. કોઠારીયા સોલવન્ટ સિતારામ સોસાયટીના કોળી યુવાન મનોજ વાઢેરની હત્યાના આરોપીઓ હજુ રિમાન્ડ પર છે. ત્યાં આજે રાજકોટના ત્રંબા તાબેના ઢાંઢણી ગામે કોળી વૃધ્ધાને શેઢા તકરારને કારણે તેના જ કુટુંબી ભત્રીજાએ ખરપીયાના લાકડાના હાથા-ધોકાના ઘા ફટકારી પતાવી દેતાં નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. એક હત્યાની તપાસ હજુ આજીડેમ પોલીસ કરી રહી છે ત્યાં બીજી હત્યાનો બનાવ જાહેર થતાં આજીડેમ પોલીસને દોડધામ થઇ પડી હતી. કુટુંબી કાકીનું ઢીમ ઢાળી દઇ આરોપી ભત્રીજો ભાગી જતાં પોલીસે તેને શોધી કાઢવા દોડધામ આદરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ત્રંબાથી ચારેક કિ.મી. દૂર આવેલા ઢાંઢણી ગામમાં રહેતાં સવિતાબેન લીંબાભાઇ મેર (કોળી) (ઉ.વ.૬૫) અને તેમના પતિ લીંબાભાઇ જીવરાજભાઇ મેર (ઉ.વ.૭૦) આજે સવારે ગામના સીમ વિસ્તારમાં આવેલી પોતાની વાડીએ નિત્યક્રમ મુજબ ગયા હતાં. એ પછી સવિતાબેન પોતાની વાડીના શેઢા પર ખડ વાઢી રહ્યા હતાં અને તેમના પતિ લીંબાભાઇ થોડે દૂર કામ કરી રહ્યા હતાં ત્યારે એક જ શેઢે વાઢી ધરાવતો તેનો કોૈટુંબીક ભત્રીજો રમેશ છગનભાઇ મેર (કોળી) ધસી આવ્યો હતો અને ઓચીંતા જ ખપારીના હાથાના ત્રણ-ચાર ઘા કાકી સવિતાબેનના માથા પાછળ ફટકારી દેતાં પત્નિને બચાવવા લીંબાભાઇ મેર ધસી આવ્યા હતાં. રમેશે તેમને પણ હાથમાં એક ધોકો ફટકારી દીધો હતો અને ભાગી ગયો હતો.

ઓચીંતા માથામાં ધોકાના પ્રહાર થતાં સવિતાબેનને લોહી નીકળી ગયા હતાં અને ત્યાં જ ઢળી પડ્યા હતાં. બનાવને પગલે દેકારો મચી જતાં નજીકથી બીજા લોકો દોડી આવ્યા હતાં. ૧૦૮ને જાણ થતાં ઇએમટી આરતીબેન અને પાઇલોટ દિલીપભાઇ પહોંચ્યા હતાં. ઇએમટી આરતીબેનની તપાસમાં સવિતાબેનનું મૃત્યુ થયાનું ખુલતાં તેમણે પોલીસને જાણ કરતાં આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. ડી. વાળા, એએસઆઇ યશવંતભાઇ ભગત, જાવેદભાઇ રીઝવી, હેડકોન્સ. ઇન્દ્રજીતસિંહ જાડેજા, ધી:ભાઇ, કોૈશેન્દ્રસિંહ, શૈલેષભાઇ, કુલદિપસિંહ, જયપાલભાઇ, ઉમેદભાઇ, ભીખુભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ધોકાના પ્રહારથી સવિતાબેનને માથામાં હેમરેજ થઇ જતાં ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. પોલીસે પંચનામુ કરી ફરિયાદ નોંધવા તજવીજ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા કાર્યવાહી કરી હતી.

હત્યાનો ભોગ બનેલા સવિતાબેન મેરને સંતાનમાં એક પુત્ર અશોકભાઇ મેર તથા ત્રણ પુત્રી છે. પુત્ર અશોકભાઇ, પતિ લીંબાભાઇ સહિતના સ્વજનો આ ઘટનાથી શોકમાં ગરક થઇ ગયા હતાં. લીંબાભાઇની નજર સામે જ તેમના પત્નિની હત્યા થઇ હોઇ તેઓ આઘાતમાં ગરક થઇ ગયા હતાં. નાના એવા ગામમાં આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ હતી. હત્યા પાછળ શેઢા તકરાર જ કારણભુત છે કે અન્ય કોઇ કારણ છે? તે જાણવા અને આરોપીને ઝડપી લેવા પોલીસની ટીમોએ દોડધામ આદરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી કરશે. 

અમે ખડ વાઢતા'તા ને રમેશે ઓચીંતા આવી ઘા કર્યાઃ લીંબાભાઇ મેર

. કુટુંબી ભત્રીજાના હાથે હત્યાનો ભોગ બનેલા સવિતાબેનના પતિ લીંબાભાઇએ કહ્યું હતું કે અમે ખડ વાઢી રહ્યા હતાં ત્યારે અચાનક રમેશ અચાનક ખરપીયા સાથે ધસી આવ્યો હતો અને એના કાકીને માથામાં ત્રણ ચાર ઘા મારી દીધા હતાં. હું બચાવવા દોડતાં મને પણ હાથમાં ઘા ફટકારી ભાગી ગયો હતો. તેણે ઓચીંતા જ દોડી આવી હુમલો કર્યો હતો. 

બે મહિના પહેલા પણ રમેશ મારા બાપુજીને મારવા દોડ્યો'તોઃ પુત્ર અશોકભાઇ

. હત્યાનો ભોગ બનેલા સવિતાબેનના પુત્ર અશોકભાઇએ જણાવ્યું હતું કે અમારી વાડીનો શેઢો અને આરોપી રમેશ મેરની વાડીનો શેઢો એક જ છે. આ શેઢાને કારણે લાંબા સમયથી રમેશ વારંવાર ખોટેખોટી તકરારો કરતો રહેતો હતો. આજથી બે મહિના અગાઉ પણ રમેશ મારા બાપુજી લીંબાભાઇની પાછળ પાવડો લઇને મારવા દોડ્યો હતો. ત્યારે મેં તેમને બચાવી લીધા હતાં અને રમેશને આ રીતે કારણ વગર ઝઘડા નહિ કરવા સમજાવ્યો હતો. પણ આજે તે ઓચીંતો લાકડાના હાથાવાળા ખરપીયા સાથે ધસી આવ્યો હતો અને ખરપીયાના હાથા-ધોકાથી મારા બાને ઘા મારી પતાવી દીધા હતાં.

(3:34 pm IST)