Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કાગદડીના મહંતને મરવા માટે મજબૂર કરનારાઓને શોધવા ૪ ટીમો બનાવાઇ

એફએસએલની મદદથી તપાસઃ ટ્રસ્ટીઓ, ડોકટર સહિતના નિવેદન નોંધવા તજવીજ

રાજકોટ તા. ૯: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસનું મોત કુદરતિ નહિ પણ આપઘાત હોવાનું હાલ પ્રાથમિક તબક્કે પોલીસની તપાસમાં ખુલ્યું છે. તેમને મહિલાઅ સાથેની વિડીયો કલીપને આધારે તેના જ ભત્રીજા, જમાઇ સહિતે બ્લેકમેઇલ કરી હેરાન પરેશાન કરતાં તેઓ મરવા મજબૂર થઇ ગયાનો ગુનો દાખલ થયો છે. આ ગુનામાં ફરાર થઇ ગયેલા આરોપીઓને શોધવા પોલીસે ચાર જેટલી ટીમો બનાવી છે. તો બીજી તરફ આશ્રમના ટ્રસ્ટીઓ, મહંતને જેમની પાસે લઇ જવાયા હતાં એ તબિબ સહિતના નિવેદનો નોંધવા અને એફએસએલની મદદથી તપાસ કરવા પોલીસ આગળ વધી રહી છે.

કાગદડીના શ્રીખોડિયારધામ આશ્રમના મહંતનું તા. ૧/૬ના મૃત્યુ થયા બાદ તેમનું કુદરતિ મૃત્યુ થયું છે તેવું માની ટ્રસ્ટી મંડળે તા. ૨/૬ના રોજ આશ્રમમાં અગ્નિસંસ્કાર આપી દીધા હતાં. એ પછી ત્રીજા દિવસે આશ્રમના સેવક પ્રવિણભાઇએ બાપુએ ઝેર પી લીધાની શંકા દર્શાવતાં ટ્રસ્ટીઅઓે રૂમમાં તપાસ કરતાં ૨૦ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મહંતે પોતાના જ ભત્રીજા અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, અલ્પેશના બનેવી સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતાં હિતેષ લક્ષમણભાઇ જાદવ અને રાજકોટ ગાંધીગ્રામમાં રહેતાં વિક્રમ દેવજીભાઇ સોહલા (ભરવાડ)એ મહિલા સાથેના વિડીયો ઉતારી લઇ મારકુટ કરી પોતાને હેરાન પરેશાન કર્યાની નોંધ કરી હોઇ આ સ્યુસાઇડ નોટને આધારે પોલીસે આ ત્રણેય તથા તપાસમાં ખુલે તે તમામ વિરૂધ્ધ આઇપીસી ટ્રસ્ટી રામજીભાઇ જેશાભાઇ લીંબાસીયા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. આ ત્રણેય ફોન બંધ કરી ભાગી ગયા હોઇ તેને શોધી કાઢવા પોલીસે ચાર ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસાર્થે દોડાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસ કાગદડી આશ્રમમાં છેલ્લા સત્તર વર્ષથી રહીને સેવાપૂજા કરતાં હતાં. તેઓ મુળ કોડીનાર પંથકના વતની હતાં. મહંત જયરામદાસબાપુ પર આરોપીઓ અલ્પેશ, હિતેષ અને વિક્રમે અવાર-નવાર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. મહંતના મહિલા સાથે જુદા જુદા છ વિડીયો બનાવી લેવાયા હતાં.  એ વિડીયો કલીપને આધારે મહંતને બ્લેકમેલ કરી ત્રણેયએ આર્થિક લાભ મેળવ્યો હતો અને હજુ પણ આ લાભ મેળવવાનો ચાલુ રાખ્યો હતો. આ રીતે વીસેક લાખ રૂપિયા પડાવી લીધા પછી પણ ત્રાસ ચાલુ હોઇ મહંતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

મહંતે જે રૂમમાં દવા પી લીધી હતી તેમાં ઉલ્ટીના ડાઘ જે ગોદડા પર હતાં તેના નમુના લવા તથા હાડકા, રાખના નમુના લેવા એફએસએલની મદદ લીધી છે. ટ્રસ્ટી મંડળમાં સામેલ તમામના નિવેદનો નોંધવા કાર્યવાહી કરી છે. આ ઉપરાંત મહંત મૃત્યુ પામ્યા હોઇ તેમને ડો. નિમાવત પાસે લઇ જવાયા હતાં. એ પછી મૃત્યુની પોલીસને જાણ કર્યા વગર જ અંતિમવિધી કરી નાંખવામાં આવી હોઇ ડોકટરનું પણ પોલીસ નિવેદન નોંધશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા તથા ડી. સ્ટાફની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.

(11:51 am IST)