Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

'અકિલા'ના ડીજીટલના માધ્યમથી હજારો ભાવિકોએ શનિદેવ મહારાજના જન્મસ્થાન હાથલા મંદિરે આરતીનો લાભ લીધો

જય શનિદેવ... કૃપા કરો, મહામારીને ભગાવો

નિજ મંદિરની બહાર સાતમી સદી પહેલાનું કુંડ, ભાવિકો સ્નાન કરી કપડા, બુટ ચંપલ મૂકી જાય તો તેની પનોતી દૂર થાય છે : 'અકિલા' લાઈવ ન્યુઝ માટે દ્વારકાના કલેકટર શ્રી મીના, ભાણવડના મામલતદાર શ્રી અઘેરા, ભાણવડના પીએસઆઈ શ્રી જોષી, હાથલાના સરપંચ વિનોદભાઈ અને ગોર મુકેશભાઈનો સહયોગ સાંપડ્યો : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ નિજ મંદિરે અનેક વખત દર્શનનો લાભ લઈ ચૂકયા છે : હાથલાના શ્રી શનિદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવ, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજની મૂર્તિ પણ બિરાજમાન

રાજકોટ : શ્રી શનિદેવનું જન્મસ્થાન હાથલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી શનિ મંદિરે 'અકિલા'ની ટીમ દ્વારા શનિ જયંતિની પૂર્વ સંધ્યાએ આરતીનું લાઈવ કર્યુ હતું. ડીજીટલના માધ્યમથી હજારો ભાવિકોએ આરતી લાઈવ નિહાળી હતી. તસ્વીરમાં લોહાણા અગ્રણી રમેશભાઈ ધામેચા, અજયભાઇ ખીમાણી, હિરેનભાઈ, વિજયભાઈ કારીયા, કપિલભાઈ પરમાર અને ગોર મહારાજ મુકેશભાઈ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા - એન્કર - તેજસ શીશાંગીયા)

રાજકોટઃ ઁ શં શનૈશ્ચારાય નમઃ ન્યાયના દેવતા શનિદેવની આજે જન્મજયંતિ છે. સૌ ભાવિકોને શનિદેવ જયંતિની શુભેચ્છા.

કોરોનાની મહામારીના લીધે તમામ ધાર્મિક સ્થળો બંધ હતા. હવે કેસોમાં ઘટાડો આવતા સ્થિતિ થાળે પડી રહી છે. આવતીકાલથી મંદિરોને ખુલ્લા રાખવાની છુટ આપવામાં આવી છે. દરમિયાન આજે શનિજયંતિ હોય પોરબંદર સ્થિત હાથલામાં આવેલ સુપ્રસિધ્ધ એવા શ્રી શનિદેવના મંદિરે 'અકિલા'ની ટીમ દ્વારા લાઇવ કરવામાં આવ્યુ હતુ.

 હાથલાના ભાણવડ ગામે સાક્ષાત બિરાજમાન એવા શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ નિજ મંદિરે મહાઆરતીનો WWW. AKILANEWS.COMમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

હાથલા ગામનો ઇતિહાસ રહયો છે. પ્રાચીન શનિદેવનું મંદિર છે. આ મંદિરમાં શનિદાદાની મૂર્તિ છે. એ હાથી ઉપર બિરાજમાન છે.

સામાન્ય રીતે લાખો ભકતો શનિદેવ મંદિરે દર્શન કરવા  આવતા હોય છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના લીધે ઘણા સમયથી ભાવિકો દર્શનાર્થે આવી શકયા નથી. 'અકિલા' ના માધ્યમથી હજારોની સંખ્યામાં ભાવિકોએ આરતીનો મહામુલો લાભ લીધો હતો.

શનિદેવ મંદિરના પુજારીશ્રીએ  'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે દર વર્ષે અહિ લાખો લોકોની સંખ્યામાં ભકતો આવતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીના પગલે મંદિર બંધ રાખવામાં આવેલ . આ મંદિર શનિ મહારાજનું જન્મ સ્થાન છે. નિજમંદિરમાં શનિ મહારાજ તેમના ધર્મપત્નિ સાડા સાત વર્ષની રાશી, અઢી વર્ષની રાશી, ભાવિકો અહિં આવતા હોય છે. મંદિર બહાર રાજા દશરથના સમયનું કુંડ છે. સાતમી સદી પહેલાનું કુંડ છે. આ કુંડમાંથી હાથપગ ધોઇ, કપડા, ચંપલ મુકી જાય તો તેની પનોતી પૂર્ણ થાય છે.

પુજારીશ્રીએ જણાવેલ કે દર વર્ષે શ્રી શનિદેવની જયંતિએ નિજમંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીના પગલે ભાવિકો આવી ન શકતા હોય દુઃખ થાય છે. શનિદેવની જયંતિએ દર વર્ષે સેંકડો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. લાંબી લાંબી લાઇનો જોવા મળે છે.

શનિદેવના મંદિર વિશ્વમાં બે જ જગ્યાએ છે. એક અહિ હાથલામાં અને એક શનિ શીંગળાપુર છે. અહિં જન્મસ્થાન છે. જયારે શનિ શીંગળાપુરમાં પ્રગટ થયા હતા. ત્યાં બહેનો મંદિરમાં જઇ શકતા નથી. અહિં બહેનો દર્શનાર્થે આવી શકે છે. અહિં શનિદેવની મૂર્તિ સ્થાપીત કરેલ છે. બાળમૂર્તિ પણ અહિ છે.

આ તકે લોહાણા અગ્રણી શ્રી રમેશભાઇ ધામેચાએ જણાવેલ કે શનિ જયંતિના દિવસે અહિં અઢીથી ત્રણ લાખ ભાવિકો દર્શન કરવા આવતા હોય છે. આ વખતે કોરોનાના લીધે નિજમંદિર બંધ છે. લોકો દર્શન કરવા આવી શકયા નથી. એટલા માટે શ્રી કિરીટકાકા અને શ્રી નિમિષભાઇને વિનંતી કરી કે શનિદાદાની આરતી લાઇવ કરી અને ડીજીટલના માધ્યમથી ભાવિકો આરતીના લાઇવ દર્શન કરી શકે.

અકિલા લાઇવ ન્યુઝ માટે દ્વારકાના કલેકટર શ્રી મીના, ભાણવડના મામલતદાર શ્રી અઘેરા, ભાણવડના પીએસઆઇ શ્રી જોષી, હાથલાના સરપંચ વિનોદભાઇ અને ગૌર મુકેશભાઇનો ખુબ જ સહયોગ સાંપડયો હતો.

આ તકે ગોર મુકેશભાઈએ જણાવેલ કે 'અકિલા'ના માધ્યમથી ભાવિકોએ લીધો શનિદેવ મહારાજની આરતીનો લાભ લીધો હતો તે બદલ હું 'અકિલા'ની ટીમનો આભાર વ્યકત કરૂ છું. આ વખતે મહામારીના સમયે ભાવિકો અહિં રૂબરૂ દર્શન કરવા આવી શકયા નથી. જેથી ડીજીટલના માધ્યમથી ભાવિકો દાદાના દર્શનનો લાભ મળશે. હાથલા ગામમાં જ રહેતા એક ગ્રામજને કહ્યું કે કોરોના કાળના લીધે ભાવિકો આ વર્ષે દર્શને આવી શકયા નથી. નહિં તો દર વર્ષે શનિ જયંતિએ હજારો - લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે.

શ્રી શનિદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવ, ગણપતિ દાદા, નાગદેવતા, હનુમાનજી મહારાજની મૂર્તિ પણ બિરાજમાન છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અનેક વખત અહિં દર્શનનો લાભ લઈ ચૂકયા છે. શનિદેવ જયંતિએ ભૂદેવો દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવતુ હોય છે.

(3:26 pm IST)