Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જિલ્લા પંચાયતની કારોબારીમાં પ૯૦ લાખના કામોને બહાલીઃ નિયમિત હાજરી માટે તાકીદ

ઝેરોક્ષ કરાવવામાં પંચાયતને ફાયદો થશેઃ શાખા અધિકારીઓને કચેરીમાં સમયસર પૂરતી હાજરી આપવા જણાવતા ચેરમેન સહદેવસિંહ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલ. આ પ્રસંગે પંચાયત પ્રમુખ ભૂપત બોદર, ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા, ડે. ડી.ડી.ઓ. નિર્ભય ગોંડલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: જિલ્લા પંચાયતની કારોબારી બેઠક આજે અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલ. જેમાં પ૯૦ લાખના ખર્ચના ર૧ વિકાસ કામોને બહાલી અપાયેલ હતી મોટાભાગના કામો રસ્તાને લગતા છે.

ઝેરોક્ષના ભાવમાં નવેસરથી ટેન્ડર કરી વાટાઘાટ થતા અગાઉ કરતા અડધા જેટલા ભાવે ૯૦ પૈસાથી ૧.૪૩ પૈસા જેટલો સાઇઝ મુજબનાં ભાવ આવતા તે મંજુર કરાયેલ. પંચાયતને આ કામથી આર્થિક ફાયદો થશે. અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાએ તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓને કચેરીમાં સમયસર પૂરતી હાજરી આપવા તાકીદ કરેલ પોતે ગમે ત્યારે તપાસ કરે ત્યારે કોઇ દોષિત જણાય તો કાયદાકીય પગલા લેવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી.

'જેમ' મારફત વિવિધ શાખાઓમાં પટ્ટાવાળા, ડ્રાઇવર સહિત ૧પ કર્મચારીઓ આઉટ સોર્સીંગથી રાખવાની દરખાસ્ત આવતા તે માન્ય રાખવામાં આવી હતી. ભરતીમાં સગાવાદ ન ચલાવવા અધ્યક્ષે તાકીદ કરી હતી. પંચાયત કચેરીમાં અંદાજે રૂ. રપ લાખના ખર્ચે જનરેટર વસાવવાની કારોબારીએ મંજુરી આપી હતી.

(4:11 pm IST)