Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રાજકોટની ચૈતાલીબેનને પતિ ભરતએ કહ્યું-મારે તારા જેવી રાજકોટ, જુનાગઢ, ભાવનગરમાં ઘણી છે, હવે ફોન ન કરતી

પાંચ વર્ષ પહેલા લગ્ન થયાઃ ત્રણ વર્ષથી રિસામણેઃ અનેક પ્રયાસો છતાં સાસરિયા તેડી ન જતાં અંતે પરિણિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ભાવનગર રહેતાં સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી : ટ્રાફિકમાં કાર ન ચલાવી શકી તો પણ સાસુએ માથાકુટ કરીઃ અમારા રૂપિયા જોઇ તારા માવતરે અમને પધરાવી દીધી એ સહિતના મેણા મારવામાં આવતાં

રાજકોટ તા. ૧૬: અહિના રાજનગર રોડ પર માવતર ધરાવતી અને ભાવનગર સાસરૂ ધરાવતી એમએસસી સુધી ભણેલી પરિણિતાને પતિ, સાસુ, નણંદોએ તું કાળી છો, રસોઇ આવડતી નથી, અમારા પૈસા જોઇને તારા માવતરે અમને પધરાવી દીધી છે...સહિતના મેણા મારી ખોટુ બોલી રાજકોટ મુકી જઇ તેમજ પતિને ફોન કરતાં તેણે મારે તારા જેવી રાજકોટ, ભાવનગર, જુનાગઢમાં અનેક છોકરીઓ સાથે સંબંધ છે, હવે ફોન ન કરતી તેમ કહી દેતાં આ મામલે ફરિયાદ થઇ છે.

આ બનાવમાં મહિલા પોલીસે ત્રણ વર્ષથી રાજકોટ નાના મવા રોડ રાજનગર સામે શાસ્ત્રીનગરમાં પિતાના ઘરે રહેતી ચૈતાલીબેન ભરત મકવાણા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી ભાવનગર આરટીઓ સર્કલ પાસે શાસ્ત્રીનગર-૫માં રહેતાં પતિ ભરત દિલીપભાઇ મકવાણા, સસરા દિલીપભાઇ પ્રેમજીભાઇ મકવાણા, સાસુ હંસાબેન, નણંદ ગીતાબેન ભુપતભાઇ ચોૈહાણ, જ્યોતિબેન જયેશભાઇ પરમાર અને આરાધનાબેન કુશાગ્રભાઇ સોની સામે આઇપીસી  ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ચૈતાલીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન પાંચ વર્ષ પહેલા ૧૦/૭/૧૬ના ભાવનગરના ભરત સાથે જ્ઞાતિના રિવાજ મુજબ રાજકોટ મોટેલ ધ વિલેજ ખાતે થયા છે. અમારે સંતાન નથી. મેં એમએસસી સુધી અભ્યાસ કર્યો છે. હાલ પિતા, ભાઇ-ભાભી સાથે રહુ છું. લગ્ન બાદ ભાવનગર  સાસુ, સસરા, નણંદ ખાતે રહેતી હતી. એક નણંદ જ્યોતિબેન રિસામણે હતાં. બીજા ગાંધીનગર અને ત્રીજ આરાધનાબેન કેનેડા રહેતા હતાં. લગ્ન બાદ પંદરેક દિવસ પછી હું અને પતિ યુરોપ ફરવા ગયા હતાં. ભાવનગરમાં સસરાને પ્લાસ્ટીકના મોટા કારખાના છે. મારા પતિ પણ ત્યાં બેસતાં. મને શરૂઆતના બે મહિના સારી રીતે રાખી હતી.બાદમાં નણંદોની ચઢામણી કાનભંભેરણીથી સાસુ નણંદોએ તને સાડી પહેરતા નથી આવડતું, રસોઇ નથી આવડતી, તુ કાળી છો, ભિખારણની દિકરી છો, અમારા સ્ટેટસ મુજબ તારા બાપાને માન સન્માન જાળવ્યું નથી. અમારા રૂપિયા જોઇસને દિકરી આપી દીધી છે તેવા શબ્દો બોલી ત્રાસ શરૂ કર્યો હતો.

મારા સાસુનું ઘરમાં વધુ ચાલતું. સસરાને અને પતિને હું ફરિયાદ કરુ તો સાસુનું ખેંચતા. મારા નણંદ આરાધનાના લગ્ન હોઇ મારા માતા-પિતાનું સાસુએ અપમાન કર્યુ હતું. નણંદો સાથે સાસુ ફોનમાં વાત કરતા અને તેની ચઢામણીથી મને સતત મેણાટોણા મારતાં હતાં. પણ હું બધુ સહન કરતી હતી. ૨૦૧૭માં મારા કાકા ખીહરીયું દેવા આવ્યા તો તેને પણ મારા સાસુ અને નણંદે આને કંઇ આવડતું નથી, અમારા પૈસા જોઇને તમે દિકરી પધરાવી દીધી છે કહી મારા કાકાનું અપમાન કર્યુ હતું.

લગ્ન બાદ મારી પ્રથમ દિવાળી હોઇ એ દિવસે મોડુ ઉઠાઇ જતાં મહેમાનોની હાજરીમાં મને સંસ્કાર વગરની કહી સાસુએ લાકડીથી માર માર્યો હતો. કારખાને જવા માટે મને ગાડી શીખવાડાઇ હતી. એક વખત ટ્રાફિકમાં ગાડી ન ચાલતાં મેં મારા સસરાને ચલાવવાનું કહેતાં સસરાએ ઘરે આવી વાત કરતાં સાસુએ ઝઘડો કર્યો હતો.

મારા કરિયાવરના દાગીના પણ ઇન્કમટેકસની રેડ આવશે તેમ કહી લોકરમાં મુકાવી દીધા હતાં. શિવમ ફાઇબર કારખાનામાં મારી પાંચ ટકા ભાગીદારી હતી તેમાં પણ મારી સહીઓ લઇ ભાગીદારી પુરી કરી નાંખી હતી. હું આ લોકોને ગમતી ન હોઉ ૧૦/૫/૧૮ના રોજ મને તૈયાર થવાનું કહી તારા મમ્મીને માથામાં દડો લાગ્યો છે રાજકોટ જવું પડશે તેમ કહી સાસરિયા રાજકોટ મુકી ગયા હતાં. પતિ-સસરાએ અહિ મારા માવતરની હાજરીમાં કહેલું કે અમે પંદર દિવસ પહેલા જ નક્કી કરી લીધું હતું કે હવે તું જોઇતી નથી. થોડા દિવસ બાદ મારા પતિને મેં ફોન કરતાં તેણે કહેલુ મારે તારી જરૂર નથી, તારા જેવી મારે રાજકોટ, જુનાગઢ અને ભાવનગરમાં ઘણી છોકરીઓ સાથે સંબંધ છે, હવે ફોન ન કરતી. એ પછી હું માવતરે છું. સમાધાનના અનેક પ્રયાસો કરવા છતાં એ લોકો તેડવા ન આવતાં હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે.

પીએસઆઇ એચ. પી. ગઢવીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(11:38 am IST)