Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ભક્તિનગર પોલીસે ગિલ્લોલ ગેંગને પકડી: જવેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો: મુદ્દામાલ કબ્જે: પીઆઇ મયુરઘ્વજસિંહ એમ. સરવૈયા, ઇન્ચાર્જ પીઆઇ એન.આઈ.રાઠોડ અને ટીમને સફળતા

ઝડપાયેલા ચારમાંથી બે રીઢા ગુનેગાર: ચોરાઉ માલ ખરીદનારને પણ પકડી લેવાયો

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાછળના રોડ પર આવેલી જવેલર્સની દુકાનનું શટર ઊંચકી ૩.૫૦ લાખના ચાંદીના દાગીના, મૂર્તિઓ સહિતની ચોરીનો ભેદ ભક્તિનગર પોલીસે ઉકેલી ગિલ્લોલ ગેંગના ચાર રીઢા ગુનેગારોને પકડી લઇ ચોરાઉ માલ ખરીદનારને પણ પકડ્યો છે અને ચોરીનો માલ કબ્જે કર્યો છે.

વિગત એવી છે કે ગઇ તા.૧૩/૦૩/૨૦૧૩ના રાત્રીના સમયે દુકાનમાં કોઇ અજાણ્યા શખ્સોએ શટર ઊંચકી અંદર ઘુસી ચાંદીના અલગ-અલગ ઘાટના દાગીનાઓ જેનુ વજન આશરે ૧૧ કિ.ગ્રા. જેની કિ.રૂ.૩,૫૦,૦૦૦/- ગણાય તેની ચોરી કરી હતી. મીલ્કત સબંધીત અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા અને આ ગુન્હો બનેલ તે વિસ્તારના આજુબાજુના સી.સી.ટી.વી ચેક કરવા અને ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરવા ઉપરી અધિકારીઓએ આપેલી સુચના મુજબ પોલીસ ઇન્સપેકટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.આઇ.રાઠોડની રાહબરીમાં સર્વેલન્સ પો.સબ ઇન્સ એચ.એન.રાયજાદા અને ટીમ કામે લાગી હતી.

 દરમ્યાન પો.કોન્સ કરણભાઇ કોઠીવાલ, અરવિંદભાઇ ફતેપરા તથા રાજદીપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ગિલ્લોલ ગેંગના  વિજય ચારોલા દેવીપુજક તેના સાગરીતો દિપ્તીનગર ના બગીચા પાસે ચાંદીના દાગીનાની ભાગબટાઇ માટે ભેગા થયેલ છે. તેના આધારે ટીમે ત્યાં પહોંચી ચારેયને પકડી લીધા હતાં. આ શખ્સો પાસેથી બે ગિલ્લોલ, ચાર ગિલ્લોલના પથ્થરના ગોળા તથા ચાંદીના દાગીના મળી આવતા  દાગીનાના આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી તેના નામ સરનામા પોકેટ કોપ મોબાઇલથી ઇ-ગુજકોપમાં સર્ચ કરતા વિજય ચારોલા તથા રણજીત સોલંકીના ચોરીના ગુનાહિત ઇતિહાસ મળી આવતા આકરી પૂછતાછ થતાં અઠવાડીયા પહેલા મોડી રાત્રીના મારૂતીનગર મેઇન રોડ પર આવેલ ધનલક્ષ્મી જવેલર્સની દુકાનનું શટર ઊંચકી ચોરી કર્યાનું કબૂલ્યું હતું.

પોલીસે  વિજય ઉર્ફે વિજલો અમરશીભાઈ ચારોલા (ઉ.વ.૩૫ ધંધો મજુરીકામ મુળ રહે. ગોડલ આશાપુરા ચોકડી મામાના મંદીરની બાજુમાં નદીના કાંઠે ઓરડીમાં જી.રાજકોટ હાલ રહે.નાડોદાનગર શેરીનં. ૭ નદિ કાઠે રખાદાદાના મંદિરની બાજુમાં જગાભાઇની ઓરડીમાં ભાડેથી), રણજીત ઉર્ફે કાળીયો ધીરૂભાઇ સોલંકી (ઉ.વ ૨૮ ધંધો.મજુરી કામ રહે. ગોંડલ આશાપુરા ચોકડી મામાના મંદીરની બાજુમાં નદીના કાંઠે ઓરડીમાં), જીતેશ ઉર્ફે જીતો સંજયભાઇ ઉંર્ફે ચંદુભાઇ વાઘેલા જાતે દેવીપુજક (ઉ.વ.ર૧ ધંધો.તરબુચ વેચવાનો રહે.આજીડેમ ચોકડી દ્વારકાધીશ હોટલની પાસે ભારતનગર રોડ મફતીયા પરામાં) અને કરણ ઉર્ફે દડુ મનસુખભાઇ ઉર્ફે અતુલભાઇ વાઘેલા (ઉ.વ.૨૦ ધંધો,ભંગાર વીણવાનો રહે.આજીડેમ ચોકડી દ્વારકાધીશ હોટલની પાસે ભારતનગર મફતીયામાં રાજકોટ)ને પકડી લીધા હતાં. ચારેયએ મોટાભાગનો માલ જીતેશ બાબુભાઇ નાડોદા (ઉ.વ.૩૨ ધંધો. ધૂળધોયાનો રહે. ગોંડલ આશાપુરા ચોકડી મામાના મંદીરની બાજુમાં નદીના કાંઠે)ને વેચી દીધાનું કબુલતા આ શખ્સને પણ પકડી લેવાયો હતો.

ઝાડપાયેલાઓમાં વીજય ઉર્ફ વીજલો ગોંડલ, જુનાગઢ, કોટડામાં ૧૨ ગુનાઓમાં, રણજિત ઉર્ફે કાળિયો કોટડા, કાલાવડ, જસદણ, ભાવનગર, પાટણમાં ૧૦ ગુનાઓમાં પકડાયો હતો. કરણ ઉર્ફ દડુ આટકોટમાં એક ગુનામાં પપકડાયો હતો. 

 

 

 

 

 

પોલીસે આરોપીઓ પાસેથી રીકવર કરેલા મુદામાલનું લિસ્ટ:- ચાંદીના સાંકળા, બંગડીઓ, ભગવાનની મુર્તીઓ, કડલીઓ, નાનો તુલશી કયારો, નાની ગાય, કંકાવટીમ છતર, નાની મોટી વીટીઓ તથા લકકી વિગેરે ચાંદીના દાગીના વજન ૧.૯૫૦ કી.ગ્રા. કી.રૂ ૯૫૦૦૦,  ચાંદીની ઇટ વજન- ૮.૧૦૨ કી.ગ્રા કી.રૂ- ૨૩૫૦૦૦ તથા રોકડ રૂપિયા ૨૦૨૦૦, બે ગિલ્લોલ તથા ચાર પથ્થરની ગોળીઓ મળી.રૂ ૩,૫૦,૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

આરોપીઓ ગુન્હો કરતા પહેલા જે તે સ્થળની એક બે દીવસ રેકી કરી લોકોની અવર જવારની માહીતી મેળવી જો મકાનમાં ચોરી કરવાની હોય, તો મકાનના દરવાજાના તાળા તોડી તેમજ દુકાનમા ચોરી કરવાની હોય તો દુકાનના શટર હાથેથી ઉંચાર કરી ચોરી કરવાની અને તે દરમ્યાન કોઇ વ્યક્તિ ચોરી કરતા જોઇ જાય અને તેઓને ચોરી કરતા રોકે તો ગિલ્લોલથી હુમલો કરી ભય ઉભો કરી ભાગી જવાની આદત ધરાવે છે.

આ કામગીરી પો.ઇન્સ. મયુરધ્વજસિંહ એમ.સરવૈયા, પો.ઇન્સ. એન. આઇ .રાઠોડ તથા સર્વેલન્સ પીએસઆઇ એચ.એન.રાયજાદા, હેડકોન્સ. પ્રભાતભાઇ મૈયડ, પ્રવિણભાઇ સોનારા, દીલીપભાઇ બોરીચા, મનરૂપગીરી ગોસ્વામી, નરેન્દ્રભાઇ ગઢવી, તથા કોન્સ. વાલજીભાઇ જાડા, હીતેન્દ્રસિંહ ઝાલા, મનીષભાઇ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ ગોહીલ, અરવિદભાઇ ફતેપરા, વિશાલભાઇ દવે, કરણભાઇ કોઠીવાલ સહિતે કરી છે.

(8:33 pm IST)