Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

હરસિધ્ધી સોસાયટીમાં વાંધાજનક નળ કનેકશન કપાતાં મહિલા ખાડામાં બેસી ગઇઃ પછી ઝોન કચેરીએ આવી ઇજનેરને લાફો માર્યો

રાજકોટ તા. ૨૧: હરસિધ્ધી સોસાયટીમાં નળ કનેકશનની કમ્પલેઇન બાબતે તપાસમાં ગયેલા આરએમસીના વોટર વર્કસ શાખાના મદદનીશ ઇજનેર અને ટીમે એક કનેકશનમાં  વાંધો જણાતા આ કનેકશન કાપી નાંખતાં એક મહિલાએ નળ કનેકશનના ખાડામાં બેસી જઇ હોબાળો મચાવ્યો હતો. લોકોએ સમજાવતાં મામલો શાંત પડ્યા બાદ સાંજે આ મહિલાએ બિગ બાઝાર પાછળની આરએમસી કચેરીએ આવી મદદનીશ ઇજનેરની ઓફિસમાં ગાળાગાળી કરી બૂમબરાડા પાડી નળ કનેકશન કપાતનો દંડ સ્થળ ઉપર કેમ વસુલતા નથી? કહે તેમને લાફો મારી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે આરકે પાર્ક મેઇન રોડ પર પ્રભુજ્યોતિ  બ્લોક નં. એ-૪૪માં રહેતાં અને બીગ બાઝાર પાછળ આરએમસી ઓફિસમાં પહેલા માળે વોટર વર્કસ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતાં અર્જુનભાઇ પ્રભુદાસભાઇ પટેલ (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી નેહાબેન નામની મહિલા સામે આઇપીસી ૩૨૩, ૧૮૬, ૫૦૪ મુજબ ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરવા સબબ ગુનો નોંધ્યો છે.

એ. પી. પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે બપોરે બે વાગ્યે હું તથા સ્ટાફના માણસો હરસિધ્ધી સોસાયટી-૨માં નળ કનેકશનની કમ્પલેઇન માટે ગયા હતાં. જ્યાં એક સ્થળે નળમાં જાતે કરેલી કામગીરી જણાઇ આવતાં નળ કનેકશન કાપી નાંખ્યું હતું. આ વખતે નેહાબેન નામની મઞિલા આવેલ અને નળ કનેકશન કાપ્યું હતું એ ખાડામાં પોતે બેસી ગયા હતાં. લોકો ભેગા થઇ જતાં ખાડામાં બેસેલા નેહાબેનને સમજાવતાં મામલો થાળે પડ્યો હતો.

એ પછી સાંજે સાડા ચારેક વાગ્યે હું તથા સ્ટાફના વિજયભાઇ ગોહેલ, મંગાભાઇ સહિતના અમારી ઓફિસે હતાં ત્યારે નેહાબેન આવેલા અને ઓફિસમાં બૂમબરાડા કરી રાડારાડી કરી ગાળો બોલવા માંડ્યા હતાં.  તેમજ 'નળ કનેકશન કપાત કરી વસુલાતનો દંડ સ્થળ પર જ કેમ વસુલતા નથી?' તેમ કહી મને એક લાફો મારી દીધો હતો. જેથી સ્ટાફના માણસોએ વ્જિીલન્સને જાણ કરી ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસ બોલાવી હતી. પોલીસ નેહાબેનને તાલુકા પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. હેડકોન્સ. એચ. જી. રાઠોડે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(3:24 pm IST)