Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

પારીજાત રેસિડેન્સીમાં કોરોના દર્દી મેહુલભાઇ હીરપરાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડ્યો

અન્ય બનાવમાં ગોકુલ રેસિડેન્સીમાં કોરોના હોવાની શંકાથી સંજયભાઇએ મોત મેળવી લીધું: રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ ગળામાં તકલીફ હોઇ ડરી ગયા'તા

રાજકોટ તા. ૨૧: બે અલગ અલગ આપઘાતની ઘટનામાં એક કોરોના પોઝિટિવ દર્દીએ હતાશામાં આવી આત્મહત્યા કરી લીધી હતી. તો બીજા બનાવમાં કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પોતાને કોરોના હોવાની શંકાને કારણે એક યુવાને મોત મેળવી લીધું હતું.

સાધુ વાસવાણી રોડ પર પારીજાત રેસિડેન્સીમાં બ્લોક નં. ૧૧૧માં રહેતાં મેહુલભાઇ ગોરધનભાઇ હીરપરા (ઉ.વ.૪૭)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં યુનિવર્સિટી પોલીસ મથકના એસ.આર. દાફડા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મેહુલભાઇ ફેશન ડિઝાઇનીંગનું કામ કરતાં હતાં. બારેક દિવસથી કોરોના લાગુ પડ્યો હોઇ હોમકવોરન્ટાઇન હતાં. ગઇકાલે અચાનક રૂમમાં જઇ છતના હુકમાં દોરી બાંધી દેહ લટકાવી દીધો હતો. મૃતકને સંતાનમાં એક દિકરી છે. કોરોનાથી હતાશ થઇ જતાં પગલુ ભર્યાની શકયતા છે. વિશેષ તપાસ બાકી છે.

બીજા બનાવમાં મવડી ૧૫૦ રીંગ રોડ પર આસ્થા ચોકડી પાસે ગોકુલ રેસિડેન્સીમાં રહેતાં અને વાવડીમાં કારખાનુ ધરાવતાં સંજયભાઇ પરષોત્તમભાઇ બુસા (ઉ.વ.૩૮) નામના યુવાને પણ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સંજયભાઇને સંતાનમાં એક પુત્રી છે. તેમને દસેક દિવસથી ગળામાં બળતરા થતી હતી. કોરોના હોવાની શંકાથી રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ તે નેગેટિવ આવ્યો હતો. આમ છતાં ગળામાં તકલીફ રહેતી હોઇ કોરોના લાગુ પડ્યાની શંકાને લીધે આ પગલુ ભર્યાની શકયતા પરિવારજનોએ વ્યકત કરી હતી. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

(3:27 pm IST)