Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રેલનગર શિવમ્‌ પાર્કની ૨.૨૦ લાખની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્‍યોઃ યોગીરાજસિંહ પકડાયો

કામધંધો ન કરતાં શખ્‍સને પૈસાની જરૂર હોઇ પડોશીના ઘરમાં જ હાથફેરો કર્યો હતો : હેડકોન્‍સ. મહેન્‍દ્રસિંહ ડોડીયા, વિજયરાજસિંહ જાડેજા અને અજયભાઇની બાતમીઃ પીએસઆઇ કે. ડી. પટેલની ટીમને સફળતાઃ ૧.૩૨ લાખની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ૨૧: શહેરના રેલનગર શિવમ્‌ પાર્ક-૬માં ક્રિષ્‍ના બંગલોઝમાંથી રૂા. ૨,૨૦,૦૦૦ની ચોરી થઇ હતી. આ મામલે ઘરધણી હિતેષભાઇ મનસુખભાઇ ચોૈહાણ (ઉ.૫૧)એ પ્ર.નગરમાં ફરિયાદ કરી હતી. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ કે. ડી. પટેલની ટીમે ઉકેલી શિવમ પાર્કમાં જ રહેતાં યોગીરાજસિંહ ઉર્ફ ભોલો સજ્જનસિંહ જાડેજા (ઉ.૨૬)ને પકડી લઇ રૂા. ૧,૩૨,૨૫૦ની રોકડ કબ્‍જે કરી આરોપીને પ્ર.નગરને સોંપવા તજવીજ કરી હતી.

ચોરીની ઘટના તા. ૧૦/૬ના બપોરે બારથી ૧૩/૬ના બપોરના બાર સુધીમાં બની હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે બનાવ સ્‍થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી શકમંદની પુછતાછ શરૂ કરી હતી. એ દરમિયાન હેડકોન્‍સ. મહેન્‍દ્રસિંહ ડોડીયા, વિજયરાજસિંહ જાડેજા અને અજયભાઇ ભુંડીયાને બાતમી મળતાં જ્‍યાં ચોરી થઇ ત્‍યાં પડોશમાં જ રહેતાં યોગીરાજસિંહ ઉર્ફ ભોલાને ઉઠાવી લઇ પુછતાછ કરતાં ગલ્લા બાદ ચોરી કબુલી હતી. તેની પાસેથી ૧,૩૨,૨૫૦ કબ્‍જે કરાયા છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાની સુચના મુજબ પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્‍સ. મહેન્‍દ્રસિંહ ડોડીયા, નિલેષભાઇ ડામોર, વિજયરાજસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, મયુરભાઇ મિયાત્રા, મુકેશભાઇ ડાંગર સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલો શખ્‍સ કંઇ કામ ધંધો કરતો નથી. પડોશીના ઘરમાં રૂપિયા હોવાની વાતથી વાકેફ હોઇ ચોરી કરી લીધાનું રટણ કર્યુ હતું. 

(3:08 pm IST)