Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ગઢ વાજડીનો મુન્‍નો ઉર્ફ દિકો ગમારા ભાન ભુલ્‍યોઃ પરિણીતાને બૂલેટમાં ધરાર બેસવા કહી છેડતી કરી

ઝપાઝપી કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યોઃ ચારેક દિવસથી હેરાન કરતો હોવાનો આક્ષેપઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૧: કાલાવડ રોડ પર આવેલા ગઢ વાજડી ગામમાં રહેતાં શખ્‍સે એક પરિણીતાને પોતાની સાથે ધરાર સંબંધ રાખવાનું કહી હાથ પકડી બૂલેટમાં બેસાડવાનો અને આબરૂ લેવાનો પ્રયાસ કરી છેડતી-ઝપાઝપી કરતાં પોલીસને જાણ કરવામાં આવી છે. છેલ્લા ચારેક દિવસથી તે પરિણીતાની પાછળ પડી ગયાનું જણાવાયું હતું.

યુનિવર્સિટી પોલીસે આ બનાવમાં ૨૧ વર્ષિય પરિણીતાની ફરિયાદ પરથી ગઢ વાજડી ગામે રહેતાં મુન્‍નો ઉર્ફ દિકો વાલાભાઇ ગમારા વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪ (ક) મુજબ છેડતી કરી હાથ પકડી આબરૂ લેવાના ઇરાદે બૂલેટમાં ધરાર બેસાડી જવાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

પરિણીતાએ અગિયાર મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા છે. પતિ એક ગુનામાં હાલમાં જેલમાં છે. તેણીએ પોલીસને જણાવ્‍યું હતું કે પોતે ગઇકાલે સવારે અગિયારેક વાગ્‍યે સીમમાં માલઢોર ચરાવતી હતી ત્‍યારે મુન્‍નો ઉર્ફ દિકો વાલા ગમારા તેનું બૂલેટ લઇને આવ્‍યો હતો અને કહ્યું હતું કે-મારી સાથે સંબંધ રાખ, મારા બૂલેટમાં બેસી જા...જેથી તેણીએ ના પાડતાં મુન્‍ના ઉર્ફ દિકાએ ઉશ્‍કેરાઇ જઇ હાથ પકડી બળજબરીથી બૂલેટમાં બેસાડવા અને આબરૂ લેવા પ્રયાસ કરી ઝપાઝપી તથા છેડછાડ કરી હતી.

તેણીએ બૂમાબૂમ કરતાં નજીકમાંથી તેણીના દિયર સહિતના દોડી આવતાં મુન્‍નો ઉર્ફ દિકો બૂલેટ લઇ ભાગી ગયો હતો. બનાવની પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ આવી ગઇ હતી. પરિણીતાએ કહ્યું હતું કે છેલ્લા ચારેક દિવસથી મુન્‍નો ઉર્ફ દિકો આ રીતે હેરાન કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હતો અને ગઇકાલે બળજબરીથી બૂલેટમાં બેસાડવા પ્રયાસ કરી આબૂ લેવા પ્રયાસ કર્યો હતો. એએસઆઇ એચ. એલ. સબાડે ગુનો નોંધતાં પીએસઆઇ એમ. આર. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)