Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રૈયા હિલ જૈન તપગચ્‍છ સંઘ દ્વારા નુતન જિનાલયનો શીલા સ્‍થાપન - ચલ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ઉજવાયો

આ.દેવ હેમપ્રભુસૂરીશ્વરજી તથા વિશાળ સાધુ-સાધ્‍વીજી વૃંદની નિશ્રામાં.. : પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની ખાસ ઉપસ્‍થિતિઃ યુવક મંડળ દ્વારા ભકિત સંગીતથી સમગ્ર કાર્યક્રમને ભકિતમય બનાવાયો

રાજકોટ તા. ર૧: રૈયા રોડ પર આવેલ રૈયા હિલ વિસ્‍તારમાં આશરે પ૦૦ વાર જમીન પર પ. પૂ. આચાર્યદેવ હેમપ્રભુસૂરીશ્‍વરજી તથા હેમ વલ્લભસૂરીશ્‍વરજી મ.સા.ની પ્રેરણાથી શાંતિનાથ જિનાલયનું નિર્માણ કાર્યની શરૂઆત થઇ છે.

પૂ. ગુરૂદેવ હેમપ્રભુસૂરીશ્‍વરજી અને વિશાળ સાધુ-સાધ્‍વીજી વૃંદની ઉપસ્‍થિતિમાં નૂતન જિનાલયનો શિલાસ્‍થાપન ઉત્‍સવ જૈનોની આગવી પરંપરા મુજબ ઉજવાયો હતો. સંપૂર્ણ સંકુલના ભૂમિ દાતા વસા પરિવાર અને નિર્માણ દાતા પરિવાર-ગડા પરિવારની ઉપસ્‍થિતિમાં સંઘના શ્રાવક શ્રાવિકાઓ દ્વારા જિનાલયના પાયામાં સ્‍થાપિત કરેલી શિલાઓનો ભાવપૂર્વક અભિષેક કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ બેન્‍ડ પાર્ટીની સૂરાવલીઓ સાથે સકળ સંઘ શાંતિનાથ ભગવાનની પ્રતિમાની ચલ-પ્રપિષ્‍ઠામાં જોડાયો હતો. ત્‍યારબાદ પૂ. ગુરૂદેવના માંગલિક પ્રવચન બાદ બંને દાતા પરિવારમાંથી ઉપસ્‍થિત રહેલા મહેશભાઇ-પ્‍૪રકાશભાઇ-જીતુભાઇ વસા, સુશિલાબેન ગડા તથા સાધર્મિક ભકિતના સહયોગથી દાતાશ્રી પરિવારમાંથી અલ્‍કાબેન શેઠનું બહુમાન કરાવમાં આવ્‍યું હતું.

સમગ્ર ઉત્‍સવ દરમિયાન ગુજરાત રાજયના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજકોટના ડે. મેયર દર્શિતાબેન શાહ ઉપસ્‍થિત રહ્યા હતા. પોતાના પ્રેરક વકતવ્‍યમાં વિજયભાઇ રૂપાણીએ જિનાલય નિર્માણના આ કાર્યને સહૃદય બિરદાવ્‍યું હતું. આ તકે બંને જૈન અગ્રણીઓનું જૈન દર્શનની પરંપરા મુજબ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે પધારેલ દરેક શ્રાવક-શ્રાવિકાઓ માટે સવારની નવકારશી (પ્રસાદ) અને બપોરના સંઘ જમણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર ઉત્‍સવનું સંચાલન અને સંકલન મેહુલભાઇ ધ્રુવ અને કપિલભાઇ દેશાઇ દ્વારા કરવામાં આવ્‍યું હતું. રૈયા હિલ જૈન યુવક મંડળ દ્વારા ભકિત સંગીતથી સમગ્ર કાર્યક્રમને ભકિતમય બનાવવામાં આવ્‍યો હતો. રૈયા હિલ જૈન યુવક મંડળના તમામ સભ્‍યો દ્વારા જહેમત લઇ આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્‍યો હતો.

(3:16 pm IST)