Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મારામારીના ગુનામાં જામીન પર છુટેલા રૈયાધારના પ્રકાશ અને સુનિલ પર હુમલો

ગત છઠ્ઠી તારીખે રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે ભરવાડ યુવાન પર પાંચ શખ્‍સોએ હુમલો કરી પગ ભાંગી નાંખ્‍યો હતો તેમાં આ બંને પણ સામેલ હતાં: કાના, હીરા સહિતે વળતો ઘા કર્યો

રાજકોટ તા. ૨૧: ગાંધીગ્રામમાં રહેતાં અને મ્‍યુ. કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગમાં કોન્‍ટ્રાકટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતાં ભરવાડ યુવાનને ગત તા. ૬ના રાતે સવા વાગ્‍યે તેના પરીચીત બાવાજી શખ્‍સે  ફોન કરી ‘રાધે હોટલે આવ તારી સાથે વાત કરવી છે' તેમ કહી ત્‍યાં બોલાવ્‍યા બાદ બીજા ત્રણ જણા સાથે મળી છરી, ધોકા, પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાંખ્‍યા હતાં. આ ગુનામાં પકડાયેલા અને ગઇકાલે જામીન પર છુટેલા બે શખ્‍સ પર ભરવાડ શખ્‍સોએળતો ઘા કરતાં હોસ્‍પિટલમાં દાખલ થયા છે.

રૈયાધાર મફતીયાપરામાં રહેતાં અને કેટરર્સમાં છુટક કામ કરતાં પ્રકાશ ડાયાભાઇ જાદવ (ઉ.૨૪) અને તેના મિત્ર ભંગારનો ધંધો કરતાં સુનિલ રમેશભાઇ સોલંકી (ઉ.૨૪) પર મોડી રાતે કાનો, હીરો સહિતનાએ પાઇપ, પથ્‍થરથી હુમલો કરી માર મારતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. 

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ ગત તા. ૬ના રોજ નવઘણ ભરવાડ પર રાધે હોટેલ પાસે હુમલો કરી તેનો પગ ભાંગી નખાયો હતો. એ ગુનામાં જે તે વખતે સુનિલ, દકુડો, પકો અને રાજુ બાવાજી વિરૂધ્‍ધ ગુનો નોંધાયો હતો. આ શખ્‍સોએ નવઘણને વાત કરવા બોલાવી તું અમારી પાછળ શું કામ રખડે છે, તારે પોલીસમાં અમારી બાતમી આપવી છે...તેમ કહી હુમલો કર્યો હતો.

આ ગુનામાં પ્રકાશ જાદવ અને સુનિલ સોલંકી પરમ દિવસે પકડાયા બાદ ગત રાતે દસેક વાગ્‍યા પછી જામીન પર છુટયા હતાં ત્‍યાં મોડી રાતે નવઘણના ભાઇઓ હીરો અને કાનો સહિતના તૂટી પડયા હતાં. પીએસઆઇ પરમાર, ઇકબાલભાઇ મોરવાણીયા સહિતે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

(3:17 pm IST)