Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રેલનગરમાં થયેલી ૮૮ હજારની રોકડની ચિલઝડપનો ભેદ પ્ર.નગર પોલીસે ઉકેલ્‍યો

પોપટપરાના દિવ્‍યજીતસિંહ વાઘેલાની ધરપકડઃ હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા અને અનોપસિંહ ઝાલાની બાતમી પરથી પીઆઇ એમ. એ. ઝણકાટ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: રેલનગરમાં મારૂતિના શો રૂમ નજીક ત્રણ દિવસ પહેલા બંગાવડીના યુવાનના ખિસ્‍સામાંથી તેના મિત્રનો મિત્ર રૂા. ૮૮ હજારની રોકડની ચીલઝડપ કરી ભાગી ગયો હતો. આ ગુનો પ્ર.નગર પોલીસે ડિટેક્‍ટ કરી આરોપીને પકડી રોકડ તથા બાઇક કબ્‍જે કર્યા છે.

ટંકારાના બંગાવડી ગામે રહેતો રેતીનો ધંધાર્થી જયદિપસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.૨૧) તા. ૧૮/૬ના રોજ રાતે દસેક વાગ્‍યે પોતાના મિત્ર વૈભવ દિલીપભાઇ ખટાણા (રે. માધાપર ચોકડી) તથા પિયુષ દિપકભાઇ ખસીયા (રહે. માંડા ડુંગર પાસે) એમ ત્રણેય બેડી ચોકડીથી મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ હોટેલમાં જમવા ગયા હતાં અને ત્‍યાંથી વર્ના કાર જીજે૩૬એએફ-૦૦૬૯માં બેસી   મિત્ર વૈભવને મુકવા જતો હતો ત્‍યારે રસ્‍તામાં મારૂતિના શો રૂમ પાસે જય દ્વારકાધીક વે બ્રીજ પાસે ચા-પાનની દૂકાને ઉભા રહી ત્રણેય મિત્રો ચા પીતા હતાં ત્‍યારે વૈભવનો મિત્ર દિવ્‍યરાજસિંહ વાઘેલા (રહે. પોપટપરા) આવ્‍યો હતો. તેને જયદિપસિંહ અગાઉ પણ બે ત્રણ વખત મળ્‍યો હોઇ જેથી જોયે ઓળતો હતો.

જયદિપસિંહ ફોનમાં વાત કરતો હતો અને તેના પેન્‍ટના જમણી બાજુના ખિસ્‍સામાં રૂા. ૮૮ હજાર હોઇ તે દિવ્‍યરાજસિંહે વાતચીત કરતાં કરતાં અચાનક ઝોંટ મારી કાઢી લીધા હતાં અને દોટ મુકી ભાગ્‍યો હતો. તેને બૂમ પાડતાં બાઇક લઇ બેડી ચોકડી તરફ જતો રહ્યો હતો અને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. જે તે વખતે પોલીસને જાણ કરતાં ચિલઝડપનો ગુનો નોંધાયો હતો. આ ગુનાનો ભેદ પ્ર.નગર પોલીસ મથકના ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા અને અનોપસિંહ ઝાલાની બાતમી પરથી ઉકેલાયો છે. પોલીસે પોપટપરા મેઇન રોડ પર શિવશક્‍તિ ખાતે રહેતાં દિવ્‍યજીતસિંહ ઇન્‍દ્રજીતસિંહ વાઘેલાને પકડી લઇ રૂા. ૮૮૦૦૦ રોકડા તથા બાઇક કબ્‍જે કર્યુ છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ એમ. એ. ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ કે. સી. રાણા, હેડકોન્‍સ. ધર્મેશભાઇ ડાંગર, કરણભાઇ મારૂ, કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, મહાવીરસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. 

(3:19 pm IST)