Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

નરેશભાઇને રાજકારણમાં રસ હોય તો કોઇના કહેવાથી નહી પરંતુ અત્‍માના અવાજથી ફેર વિચારણા કરવી જોઇએઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા.ર૧ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયા (મો.૯૮ર૪૦ ૩ર૪૯૦) એ જણાવ્‍યું છે. કે નરેશભાઇ પટેલે ૬ મહિના સુધી રાહ જોવરાવ્‍યા પછી હવે રાજકારણમાં નહિ જોડાય એવી વાત કરી બધાને વિચારતા કરી દીધા છે. યુવાનો અને મહીલાઓની વાત માની નહીં અને વડીલોનું કહેવુ માની લીધુ એ વાત અચરજ પમાડે તેવી છે.

ખોડલધામમાં બિલ્‍ડરો, ઉદ્યોગપતિઓ તેમ જ અમુક રાજકારણ સાથે સંકળાયેલ વ્‍યકિતઓ પણ ટ્રસ્‍ટમાં હશે. ઉમીયાધામમાં ટ્રસ્‍ટમાં પણ રાજકીય હસ્‍તિઓ છે. ઉદ્યોગપતિઓ સરકારની રાજકીય કીન્‍નાખોરી ભરી નીતીથી બીવે છે. ઇન્‍કમટેક્ષ વિગેરેની રેડ પડાવીને હેરાન કરે એવી દહેશત હોય એ સ્‍વાભાવિક છે. વડિલોએ કદાચ આવી બીકના કારણે રાજકારણમાં જોડાવાની ના પાડી હોય. ખોડલધામની સંસ્‍થામાં કોઇ કામ પ્રત્‍યે દ્વેષવૃતિ રાખે એવુ પણ બની શકે.

બિલ્‍ડરો, ઉદ્યોગકારો, તેમ જ અન્‍ય ધંધાર્થીઓએ નિયમ મુજબનો ટેક્ષ સમયસર ભરી દેવો જોઇએ. ટેક્ષનું ભારણ વધુ હોય તો સંગઠીત થઇને રજૂઆત કરવી જોઇએ. કેટલુ ખોટું થાયછે એ સૌ કોઇ જાણે છે. આપણે મત દઇને સતા ઉપર બેસાડયા હોવા છતા બીવાનું હોય તો લોકશાહી કરતા રાજાશાહી સારી હતી એમ સ્‍વીકારવુ પડે.

સરકાર માબાપ ગણાતી હોય એમ માની લઇએ તો પણ તેઓએ ઉછેરીને મોટા કર્યા છે એવુ માનવાને કોઇ કારણ નથી. સાચી વાતમાં મર્દાનગી રાખતા શીખવુ પડશે નહી તો ભવિષ્‍યમાં લોકશાહીને બદલે (સરમુખત્‍યારશાહી જેવુ વલણ) એક હથ્‍થુ શાસનની કનડગત સહન કર્યા વિના છૂટકો નથી.નરેશભાઇ પટેલ એક બાજુ એવુ કહે છે કે વિરોધપક્ષ મજબૂત હોવા જોઇએ. સારા માણસોની રાજકારણમાં પ્રવેશવાની નિષ્‍ક્રીયાતાને લીધે તમામ વર્ગને સહન કરવુ પડે છે. સારા માણસોને મદદ કરવાની વાત વજૂદ વગરની છે. રાજકારણના કલાસ ખોલવાથી કાંઇ વળવાનુ નથી. નરેશભાઇને પોતાના આત્‍માના અવાજથી ફેરવિચારણા કરવી જોઇએ. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યુ છે.

(3:23 pm IST)