Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જિંદગીને ગાય અને પ્રકૃતિની નજીક લઇ જતું પુસ્તક 'ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેરમુકત - પ્રાણવાન જિંદગી'

પુસ્તક પરિચય : ધન્વી-માહી

આજના આધુનિક સમયમાં જ્યારે વૈશ્વિક સ્તરે પર્યાવરણ જીવ સૃષ્ટિ અને માનવ આરોગ્ય સામે વિવિધ જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરોના અતિ ઉપયોગ તેમજ વિકાસ કાર્યો માટેની કેટલીક વિનાશકારી માનવ પ્રવૃત્તિઓને કારણે થતા નુકસાન અને તેની આડઅસરો નાબૂદ કરવા પર્યાવરણ સુરક્ષા, જળ સુરક્ષા અને પ્રાકૃતિક તેમજ ગાય આધારિત કૃષિ નો અભિગમ આજે લોકો અપનાવતા થયા છે ત્યારે એક કિસાન પુત્ર તરીકે છેલ્લા ૫૦ વર્ષનો કર્મયોગ અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ના ૧૮ વર્ષના અનુભવનો નિચોડ જળ ક્રાંતિના પ્રણેતા એવા મનસુખભાઈ સુવાગિયાએ 'ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેરમુકત - પ્રાણવાન જિંદગી' નામના તેમના નવા પુસ્તક માં આલેખ્યો છે.
૧૪૪ પાનાંના આ દળદાર પુસ્તકમાં મનસુખભાઈએ ૩૩ -કરણો જેવાકે પ્રશ્નોને મૂળમાંથી ઉખેડી નાંખોથી લઇ વેદ શાસ્ત્રમાં કૃષિ મહિમા, પંચમહાભૂતનું કૃષિ વિજ્ઞાન, પ્રકૃતિ વિજ્ઞાનનો ઉદય, કૃષિ કર્મો, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો જન્મ અને તેના પરિણામો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક ઝેરથી સર્વનાશ, ભાંગતા ગામડા-રાષ્ટ્ર નો વિનાશ, કિસાન મિત્ર, ગાય આધારિત કૃષિથી જ સર્વકલ્યાણ, જમીનનું નવસર્જન, ગૌમુત્ર-ગોબરના દિવ્ય ગુણ અને વૈજ્ઞાનિક પરીક્ષણ, વસુંધરાનો વૈભવ, ગાય આધારિત કૃષિના પગલાં, વનસ્પતિનું પ્રકૃતિ સંવર્ધન, ગો-કૃષિ ગૃહ ઉદ્યોગ, કિસાન ની સ્વયં સુરક્ષા, ઝેર મુકત પ્રાણવાન જિંદગી, પ્રકૃતિના શરણે, વનસ્પતિનું પ્રકૃતિ સંવર્ધન, આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ.. વગેરે અનેક પ્રકરણો ખૂબ જ સુંદર અને સર્જનાત્મક રીતે આલેખ્યા છે. નોંધનીય બાબત એ છે કે તેમના આ પુસ્તકમાં દરેક પ્રકરણના શરૂઆતમાં અને અંતમાં માનવને સંબોધતા ખૂબ જ પ્રેરણાદાયી સુત્રો જેવાકે, હે માનવ! પ્રકૃતિ જ્ઞાન જ ઈશ્વરીય જ્ઞાન છેૅ, હે માનવ! ગોવિજ્ઞાન પ્રકૃતિ વિજ્ઞાનના વિકાસ થી કૃષિને અન્નદાતા અને વૈભવદાતા કરો.. વગેરે ખુબજ સુંદર રીતે આલેખવામાં આવ્યા છે જેથી દરેક પ્રકરણનો મહિમા વધી જાય છે.
મનસુખભાઈ સુવાગિયાએ લખેલ આ પુસ્તક 'ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેર મુકત પ્રાણવાયુ જિંદગી' જે ગાયનું ભૌતિક અને સૂક્ષ્મ સ્વરૂપનો અને ગાયથી વિશ્વ કલ્યાણનો સંશોધન જાણે એક ગ્રંથ છે.  મનસુખભાઈ સુવાગિયાએ આ પહેલા પણ ગીર ગાય ગ્રંથ, ગાય આધારિત કૃષિ (પ્રથમ), ગોસત્વ પુસ્તિકા, પ્રથમ ગોવેદ, કાંકરેજ ગાય ગ્રંથ,  દિવ્યગ્રામ, ગોવિંદ મહાગ્રંથ, જળક્રાંતિ ગ્રંથ.. જેવા પુસ્તકો પણ સમાજને આપ્યા છે.  ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ સુવાગીયા એ લખેલ તમામ પુસ્તકોના વેચાણની આવક જળક્રાંતિ ટ્રસ્ટના રાષ્ટ્ર સેવામાં વપરાય છે. આ પહેલા વર્ષ ૨૦૦૬ માં તેમણે ગાય આધારિત કૃષિ ની પ્રથમ આવૃતિ બહાર પાડેલી જ્યારે આ બીજી વર્તમાન આવૃત્તિ ૨૦૨૨ માં પ્રકાશિત થઈ છે. જેનું મુલ્ય રૂ. ૧૫૦ રાખવામાં આવ્યું છે.
કલર મુખપૃષ્ટ સાથે મનસુખભાઇ સુવાગિયાએ કરેલ અત્યાર સુધીના ભગીરથ કાર્યના કાર્યોની બોલતી તસ્વીરો પણ આ પુસ્તકમાં દ્રશ્યમાન થાય છે સાથે જળક્રાંતિ ટ્રસ્ટને દાન આપનાર દાતાઓની નામાવલી પણ પ્રસિદ્ધ કરાઈ છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ સણોસરા ના મેનેજીંગ ટ્રસ્ટી ડો. અરૂણભાઈ દવેએ ખુબ જ સુંદર પ્રસ્તાવના દ્વારા મનસુખભાઈ ની કર્મઠ સેવાઓને બિરદાવી છે. 'ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેર મુકત પ્રાણવાન જિંદગી' પુસ્તક મનસુખભાઈએ તેમના માતા ચતુરાબા અને પિતા લાલજીભાઈ સુવાગિયાને અર્પણ કર્યું છે. ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગના મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ પણ શુભેચ્છા સંદેશ પાઠવી મનસુખભાઈ સુવાગીયાની આ પ્રવૃત્તિને બીરદાવી છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવવા અને ઝેર મુકત પ્રાણવાયુ જિંદગી બનાવવા દરેક કિસાનો, પ્રકૃતિ પ્રેમીઓ અને ગૌ ભકતોએ તેમજ તમામ લોકોએ આ પુસ્તકને વાંચવા અને અપનાવવા જેવું છે.
'ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અને ઝેર મુકત પ્રાણવાન જિંદગી'
લેખક : મનસુખભાઈ સુવાગીયા
પુસ્તક મૂલ્ય : ૧૫૦ રૂપિયા
પુસ્તક પ્રકાશક  : જળક્રાંતિ ટ્રસ્ટ
પુસ્તક પ્રાપ્તિસ્થાન : ફ્લોટેક એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ,
કનેરીયા ઓઈલ મીલ સામે, શાપર મેઇન રોડ, મુ. શાપર (વેરાવળ), જીલ્લો રાજકોટ, ગુજરાત
સંપર્ક : ૯૯૭૯૮ ૬૪૫૦૩
ઇ-મેલ: jalkrantitrust1996@gmail.com

 

(3:31 pm IST)