Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

છેંતરપીંડીનો વોન્‍ટેડ આરોપી વડોદરામાં નામ બદલાવી રહેતો'તો પણ પકડાઇ ગયો

જસદણના છેતરપીંડીના ગુન્‍હામાં બે વર્ષથી વોન્‍ટેડ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે દબોચી લીધો : પકડયેલ રીઢા આરોપી સુરેશ ઉર્ફે ઘનશ્‍યામ પટેલ સામે છેતરપીંડીના અડધો ડઝનથી વધુ ગુન્‍હા નોંધાયા છે

રાજકોટ, તા., ૨૧: જસદણના છેતરપીંડીના ગુન્‍હામાં બે વર્ષથી વોન્‍ટેડ આરોપી  પોલીસ પકડથી દુર રહેવા માટે વડોદરામાં પોતાનું નામ બદલાવી રહેતો હતો પણ રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે તેનુ પગેરૂ દબાવી દબોચી લીધો હતો.
જીલ્લાના ગુન્‍હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી  જયપાલસિંહ રાઠોડની સુચન અન્‍વયે પેરોલ ફર્લો સ્‍કવોડના પીએસઆઇ વી.એમ.કોલાદરા તથા સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે મળેલ બાતમી આધારે જસદણના છેતેરપીંડીના ગુન્‍હામાંં બે વર્ષથી વોન્‍ટેડ સુરેશ ઉર્ફે ઘનશ્‍યામ  ઉર્ફે મનીષ વાલજીભાઇ ઇટાળીયા (પટેલ)  (રહે. મૂળ ભાંભણ, તા.જી. બોટાદ, હાલ રહે. ઉતર સંડા, તાલુકો નડીયાદ) વડોદરાના  જાંબુવા ગામ પાસે આવેલ સંસ્‍કાર દર્શન સોસયાટીમાં પતાનું નામ બદલાવી મનીષ તરીકે ઓળખ આપી રહેતો હોય ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી  તપાસ કરી  દબોચી લઇ જસદણ પોલીસના હવાલે કરાયો હતો.
પકડાયેલ સુરેશ ઉર્ફે ઘનશ્‍યામ સહીત ૩ સામે બે વર્ષ પુર્વે જસદણ પોલીસ મથકમાં ખોટી વેપારી પેઢી બનાવી લાખો રૂપીયાની છેતરપીંડી કર્યાની ફરીયાદ થઇ હતી. તેમજ સુરેશ ઉર્ફે ઘનશ્‍યામ સામે ભરૂચ, રાજકોટ સીટી, ભાવનગર, નડીયાદમાં -ર, અમરેલી, તથા રાજકોટ ગ્રામ્‍યના છેતરપીંડીના ગુન્‍હાઓ નોંધાયા છે.
આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડના એએસઆઇ વકારભાઇ આરબ, હેડ કોન્‍સ્‍ટેબલ વિરરાજભાઇ ધાંધલ,  પો.કો. મહેન્‍દ્રસિંહ સોલંકી, કુમારભાઇ ચૌહાણ, રૈયાજભાઇ ભીપોત્રા, ડ્રાઇવર પો.કો. દિલીપસિંહ જાડેજા તથા વિરમભાઇ સમેચા સહીતનો સ્‍ટાફ જોડાયો હતો.

 

(4:03 pm IST)