Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ખોખડદડ નદી નજીક શિવધારા પાર્કમાં ૧૭ વર્ષની રાજલે ફાંસો ખાઇ મોત મેળવ્યું

માતા-બહેન સહિતના ફળીયામાં ચાંદી કામ કરતા'તા ત્યારે રૂમમાં પગલુ ભર્યુઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૧: કોઠારીયા ચોકડી નજીક ખોખડદડ નદી પાસે આવેલા શિવધારા પાર્કમાં રેહતી રાજલ ખીમાભાઇ દાનાભાઇ હુંબલ (ઉ.વ.૧૭) નામની યુવતિએ છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

રાજલે સાંજે સાડા સાતેક વાગ્યે ફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના  વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર રાજલ બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. સાંજે તેના માતા, બહેન સહિતના ઘરના ફળીયામાં ચાંદી કામ ઇમીટેશનનું કામ કરતાં હતાં ત્યારે રાજલે રૂમમાં આ પગલુ ભરી લીધું હતું. સ્વજન ફળીયામાંથી ઘરમાં જતાં તે લટકતી જોવા મળતાં દેકારો મચી ગયો હતો. બેભાન હાલતમાં નીચે ઉતારી તુરત હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ જીવ બચી શકયો નહોતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા ન હોવાનું હાલ કહેવાયું હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:54 am IST)