Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

કોઠારીયા સોલવન્ટમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૧૦ ચોપડી ભણેલો વિમલ ડોકટર બની દવાખાનુ ચલાવતાં પકડાયો

શ્રીનાથજી નામે કલીનીક ચાલુ કર્યુ હતું: અગાઉ ખાનગી કમ્પાઉન્ડરનો અનુભવ લીધો હતો : એએસઆઇ સી. એમ. ચાવડા અને કરણ મારૂની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: શહેર ક્રાઇમ બ્રાંચે કોઠારીયા સોલવન્ટ શીતળાધાર ૨૫ વારીયામાં શ્રીનાથજી કલીનીક નામના દવાખાનામાં દરોડો પાડી નકલી ડોકટરને ઝડપી લીધો છે. માત્ર ૧૦ ચોપડી ભણેલો વિમલ કેશુભાઇ સિતાપરા (ઉ.વ.૩૭-રહે. મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૩, મુરલીધર પાનવાળી શેરી) સામે કાયદેસરની કાર્યવાહી કરી તેના કલીનીકમાંથી દવાઓ, ઇન્જકેશન, સ્ટેથોસ્કોપ, બાટલા સહિતના તબિબી સાધનો કબ્જે લેવાયા છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ વિમલ દસ ધોરણ ભણ્યો છે. અગાઉ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી ખાનગી હોસ્પિટલમાં પ્યુન અને કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હતી. તેના અનુભવને આધારે તે ડોકટર બની બેઠો હતો. ડીસીબીના એએસઆઇ સી. એમ. ચાવડા અને કરણભાઇ મારૂને બાતમી મળતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ સી. એમ. ચાવડા, બી.આર. ગઢવી, જે. વી. ગોહિલ, હેડકોન્સ. અભીજીતસિંહ, પ્રદિપસિંહ, ભાવીનભાઇ, કોન્સ. ઇન્દુભા, કરણભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:17 pm IST)