Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ભંગડાની સીમમાં દારૂની વિશાળ ભઠ્ઠી પર દરોડોઃ દારૂ-આથો-સાધનો કબ્જેઃ ભાભલૂ વાળાની શોધખોળ

૧૦*૨૦નો ખાડો ખોદી તેમાં તળાવમાંથી પાણી ભરી દારૂ બનાવાતો હતો : કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: સરધારના ભંગડા ગામની સીમમાં ખારચીયા જવાના રસ્તે ગોરધનભાઇ કાવઠીયાની વાડીની બાજુમાં પડતર જગ્યામાં બાવળની ઝાડી વચ્ચે દેશી દારૂની મોટી ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી પરથી આજીડેમ પોલીસે દરોડો પાડી દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો કબ્જે લીધા હતાં. જો કે આ ભઠ્ઠી ચલાવતો ભાભલૂ રામભાઇ વાળા (રહે. ભંગડા ગામ) દરોડો પડ્યો એ પહેલા ભાગી ગયો હતો.

પીએસઆઇ એમ. એમ. ઝાલા, એએસઆઇ વાય. ડી. ભગત, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. શૈલેષભાઇ નેચડા, જયપાલભાઇ બરાળીયા, ભીખુભાઇ મૈયડ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી દરોડો પાડ્યો હતો. બાવળની ઝાડીઓ વચ્ચે દારૂની ભઠ્ઠી ધમધમતી હોઇ પોલીસે ૭૦ લિટર દારૂ, ૧૨૦૦ લિટર આથો, બાફણીયા બેરલ બે નંગ, પ્લાસ્ટીકના બેરલ ૯ નંગ, પાણી ખેંચવાના પંપ બે નંગ તથા કાળા કલરના પ્લાસ્ટીકના પાઇપો મળી રૂ. ૯૦૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ભઠ્ઠીના સ્થળે તપાસ કરતાં ૧૦*૨૦ ફૂટનો મોટો ખાડો ખોદી તેમાં તાળપતરી નાંખી પાણી ભરી રખાયેલુ જોવા મળ્યું હતું. તેમજ નજીકમાં નાનુ તળાવ હોઇ તેમાંથી પંપ મારફત પાણી ખેંચવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બે લોખંડની મોટી ટાંકીઓ ખાડામાં રાખી ભઠ્ઠો બનાવાયો હોઇ તે દેખાયો હતો. પોલીસને આ સ્થળે કોઇ માણસ મળ્યો નહોતો. આસપાસમાં તપાસ કરતાં ભાભલૂ વાળા અહિ આવતો જતો હોવાનું અને આ ભઠ્ઠી તથા માલ તેનો હોવાનું જણાતાં તેના વિરૂધ્ધ ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. જે. રાઠોડ, પીઆઇ વી. જે. જાડેજાની રાહબરીમાં ટીમે આ કામગીરી ટીમે કરી હતી. 

(3:23 pm IST)