Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ગોપાલ ચોકમાંથી આઠ દિવસ પહેલા મિત્ર અંકુર સાથે મળી ઉઠાંતરી કરી'તી

૧ાા લાખનું બૂલેટ ચોરી કરનાર રૈયા-રેલનગરના સોહિલ-આશિષ પકડાયા

અંકુરનું નામ ખુલ્યું: વેંચવા માટે ફોટા પાડીને ગ્રાહક શોધતા'તા ને ક્રાઇમ બ્રાંચે જામનગર રોડથી રેલનગર અન્ડર બ્રિજ તરફ જતાં રોડ પરથી દબોચી લીધા : એએસઆઇ બી. જે. જાડેજા, મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૨૧: રૈયા ગામ ખોડિયારપરા સ્મશાન સામે રહેતાં સાહિલ જુમાભાઇ જાફરાણી (ઉ.વ.૨૧) અને રેલનગર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ બ્લોક નં. એલ-૩૩માં રહેતાં આશિષ અરવિંદભાઇ ગોહેલ (ઉ.વ.૨૨)ને ક્રાઇમ બ્રાંચે જામનગર રોડથી રેલનગર અન્ડર બ્રિજ તરફ જતાં રસ્તા પરથી રૂ. ૧ાા લાખના નંબર વગરના ચોરાઉ બૂલેટ સાથે પકડી લીધા છે. આ બંનેએ ત્રીજા એક મિત્ર અંકુર સાથે મળી આઠેક દિવસ પહેલા ગોપાલ ચોક નજીકથી રાત્રીના સમયે બૂલેટ ચોરી કર્યાનું કબુલતા અંકુરની શોધખોળ હાથ ધરાઇ છે.

ડીસીબીના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ આર. ગોહિલની બાતમી પરથી આ બંનેને પકડી લેવાયા હતાં. બંને છુટક મજૂરી અને મિકેનીક તરીકે કામ કરે છે. તે અને ત્રીજો મિત્ર અંકુર અઠવાડીયા પહેલા ગોપાલ ચોકથી નીકળ્યા ત્યારે પાર્કિંગમાં ચાવી સાથે બૂલેટ પડ્યું હોઇ ઉઠાવી લીધુ હતું. બે ત્રણ દિવસ ઘરે રાખી બાદમાં નંબર પ્લેટ કાઢી ફેરવવાનું ચાલુ કર્યુ હતું. તેમજ મોબાઇલમાં ફોટા પાડી ગ્રાહક શોધવાનું ચાલુ કર્યુ હતું. પણ ગ્રાહક પહેલા પોલીસ મળી ગઇ હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે.ગઢવીની સુચના અને રાહબરીમાં બી. જે. જાડેજા, મહિલપાલસિંહ અને ચેતનસિંહેે આ કામગીરી કરી હતી.

(3:26 pm IST)